અધ્યાય-૧૩૩-ભીમ અને કર્ણનું યુદ્ધ (ચાલુ)
II धृतराष्ट्र उवाच II अत्यद्भुत्महं मन्ये भीमसेनस्य विक्रमम् I यत्कर्ण योधयामास समरे लघुविक्रमम् II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-'ભીમસેનના પરાક્રમને હું અદભુત માનું છું કારણકે તેણે યુદ્ધમાં શીઘ્ર પરાક્રમી કર્ણની સામે અતિ મહાન યુદ્ધ કર્યું હતું.અરે,દેવો,યક્ષો,અસુરો અને મનુષ્યોને પણ રણમાં અટકાવી રાખે તેવો કર્ણ,ભીમસેનને તે સંગ્રામમાં કેવી રીતે તરી ગયો નહિ?તે બંનેના પ્રાણદ્યુતમાં કેવી રીતનું યુદ્ધ થયું હતું? હું માનું છું કે આ યુદ્ધમાં જ જય ને પરાજયનો મુખ્ય આધાર રહેલો છે.મારો પુત્ર દુર્યોધન,કર્ણને લઈને જ આ યુદ્ધમાં જીતવાનો ઉત્સાહ ધરાવે છે,પણ આ કર્ણને વારંવાર પરાજય પામેલો જોઈને મને મૂંઝવણ થાય છે.અરેરે,દુર્યોધનની દુષ્ટ નીતિને પરિણામે જ કૌરવોનો વિનાશ થઇ રહ્યો છે એમ હું માનું છું.





