અધ્યાય-૧૬૭-સહદેવ અને કૌરવપક્ષી રાક્ષસ અલંબુષ નાઠા
II संजय उवाच II सहदेवमथायांतं द्रोणप्रेप्सुं विशांपते I कर्णो वैशर्तनो युद्धे वारयामास भारत II १ II
સંજય બોલ્યો-હે ભારત,ત્યાં સહદેવ દ્રોણાચાર્ય સામે યુદ્ધમાં ધસી જતો હતો ત્યારે કર્ણે તેને અટકાવ્યો.સહદેવે તેને નવ બાણોથી વીંધ્યો.તે જોઈ કર્ણે સામે સો બાણોનો પ્રહાર કરીને તેના ધનુષ્યને કાપી નાખ્યું.સહદેવે નવું ધનુષ્ય લઈને સામો પ્રહાર કર્યો ત્યારે કર્ણે અનેક બાણો મૂકીને સહદેવના સારથિ ને ઘોડાઓને મારી નાખ્યા.સહદેવે ઢાલ તલવાર હાથમાં લીધી,કે જેનો કર્ણે નાશ કર્યો.ત્યાર બાદ સહદેવે ગદા,શક્તિ રથનું પૈડું -વગેરેથી તેના સામે પ્રહાર કર્યો કે જે સર્વનો કર્ણે નાશ કર્યો.પછી હથિયાર રહિત થયેલા તે સહદેવે રણસંગ્રામનો ત્યાગ કર્યો.તે વખતે કર્ણે.પોતે કુંતીને આપેલા વચનનું સ્મરણ કરીને તે સહદેવને સંગ્રામમાં માર્યો નહોતો.પછી,તે કર્ણ પાંચાલવંશી જન્મેજયના રથ સામે ધસી ગયો.


