Aug 6, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1185

અધ્યાય-૧૮૭-નકુલનું યુદ્ધ 


II संजय उवाच II ते तथैव महाराज दंशिना रणमूर्धनि I संध्यागतं सहम्याशुमादित्यमुपतम्यिरै II १ II

સંજય બોલ્યો-હે મહારાજ,ત્યારે તે સર્વ યોદ્ધાઓ કવચો સજીને રણને મોખરે ઉભા રહ્યા અને ઉદય પામેલા સૂર્યનું ઉપસ્થાન કરવા લાગ્યા.ને પછી પુનઃ યુદ્ધનો પ્રારંભ થયો.સૂર્યોદયની પહેલાં રાત્રીના સમયે જે યોદ્ધાઓ સામસામે ભેટ્યા હતા તે સૂર્યોદયની બાદ પાછા સામસામા આવીને યુદ્ધ કરવા લાગ્યા હતા.તે બધાએ રાત્રિમાં સારી રીતે યુદ્ધ કર્યું હતું,તેથી તેઓ થાક્યા હતા ને ક્ષુધા-તૃષાથી વ્યાપ્ત થઈને બેભાન જેવા થયેલા હતા.છતાં,ત્યાં ભેરી,મૃદંગ,શંખ,ગર્જના કરતા હાથીઓ,ધનુષ્યોના ટંકારનો ને સિંહ ગર્જનાઓનો શબ્દ આકાશમાં અથડાયો હતો.

Aug 5, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1184

 

અધ્યાય-૧૮૬-પંદરમો દિવસ-વિરાટ,દ્રુપદ વગેરેનું મરણ 


II संजय उवाच II त्रिभागमात्रशेषायां रात्र्यां युध्धमववर्तत I कुरूणां पांडवानां संह्रष्टानां विशापते II १ II

સંજય બોલ્યો-હે પૃથ્વીપતિ,જયારે માત્ર ત્રણ મુહૂર્ત જેટલી રાત્રિ બાકી રહી હતી,ત્યારે પુનઃ હર્ષમાં આવેલા કૌરવો ને પાંડવોનું યુદ્ધ થઇ રહ્યું હતું.પછી,સૂર્ય ઉદય પામ્યો ત્યારે સર્વ કૌરવ-પાંડવ,તુરત પોતાના વાહનોનો ત્યાગ કરીને સૂર્યની સામે ઉભા રહી,હાથ જોડીને સંધ્યોપાસનપૂર્વક જપ કરવા લાગ્યા.તે પ્રાતઃકર્મની સમાપ્તિ થઇ એટલે દ્રોણાચાર્ય સૈન્યને બે ભાગમાં વહેંચી ને પોતે સોમક,પાંડવ અને પાંચાલો સામે ધસ્યા.કૌરવ સેનાને એમ બે ભાગમાં વહેંચાઈ ગયેલી જોઈને શ્રીકૃષ્ણના કહેવાથી  અર્જુન દ્રોણાચાર્યને ડાબી તરફ કરી જમણી તરફ ગયો.એ વેળા શ્રીકૃષ્ણના અભિપ્રાયને સમજીને ભીમસેન અર્જુનને કહેવા લાગ્યો કે-'હે અર્જુન,ક્ષત્રિયાણી જે માટે પુત્રને ઉત્પન્ન કરે છે તેનો આ સમય આવી પહોંચ્યો છે.આ સમયે પરાક્રમ કરીને તું આ શત્રુઓના સૈન્યને ભેદી નાખીને તેમને ડાબી તરફ કરી નાખ'

ભાગવત રહસ્ય -૨૧૬-Bhgavat Rahasya-216

દશરથ એટલે-દશે ઇન્દ્રિયોના ઘોડાઓને કાબુમાં રાખી જેનો રથ રામજી તરફ (પ્રભુ તરફ) 
જાય છે-તે...આવા દશરથને ત્યાં ભગવાન પુત્ર રૂપે આવે છે.
દશમુખ રાવણ વિષયોને હદ ઉપરાંત ભોગવે છે-એટલે રાવણને ત્યાં ભગવાન કાળ-રૂપે 
આવે છે.
નવ માસ પરિપૂર્ણ થયા છે,રાત્રે દશરથજી સૂતેલા હતા,તેમને સુંદર સ્વપ્નું દેખાયું

Aug 4, 2026

ભાગવત રહસ્ય -૨૧૫-Bhgavat Rahasya-215

કામ જયારે મનમાં પ્રવેશ કરે છે-ત્યારે-વિવેકને તે ધક્કો મારે છે.
નારદજી મનમાં વિચારે છે-કે- આ કન્યા મને મળે તો કેમ? જો હું અતિ સુંદર બની જાઉં તો મને 
વિશ્વમોહિની મળે.ચાલ ભગવાન પાસે જઈ તેમની સુંદરતા માગી લાવું.
નારદજી પાછા આવ્યા નારાયણ પાસે. પ્રભુ એ પૂછ્યું-કેમ નારદજી જલ્દી પાછા આવ્યા ?
નારદજી એ વાત કહેવા માંડી, કહે-કે- 
મહારાજ આજે હું તમારું રૂપ માગવા આવ્યો છું. મારે એક રાજકન્યા સાથે લગ્ન કરવાં છે. 

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1183

 

અધ્યાય-૧૮૫-દ્રોણચાર્ય અને દુર્યોધનની વાતચીત 


 II संजय उवाच II ततो दुर्योधनो द्रोणमभिगम्याब्रविदिदम I अमर्पवशमापन्नो जनयन हर्षतेजसी II १ II

સંજય બોલ્યો-'ત્યારે ક્રોધવશ થયેલો દુર્યોધન દ્રોણાચાર્ય પાસે ગયો ને તેમના હર્ષ-તેજને ઉત્પન્ન કરતો બોલ્યો કે-'હે આચાર્ય,સંગ્રામમાં વિશ્રામ લેતા શત્રુઓને હવે તમારે સહન કરવા ન જોઈએ.તેઓના મન અને તન થાક્યા છે અને ખાસ કરીને અત્યારે તે લાગમાં આવ્યા છે.આજ દિવસ સુધી અમે જે જે સહન કર્યું છે તે તમને પ્રિય થઇ પડે તેવી ઈચ્છાથી જ,પણ હવે અમારાથી સહન થતું નથી.પાંડવો જોકે બળવાન છે પણ તેઓ આ સમયે વિશ્રાંતિ લીધા છતાં સર્વથા તેજ ને બળથી હીન થયા છે.તમે એમનું વારંવાર રક્ષણ કરો છે તેથી જ તે આગળ વધ્યે જાય છે.તમારી પાસે જે બ્રહ્માસ્ત્ર આદિ દિવ્ય અસ્ત્રો છે તેની સામે પાંડવો ને બીજા ધનુર્ધરો પણ યુદ્ધમાં તમારી તુલના કરી શકે તેમ નથી.તમે જો ધારો તો તમારા દિવ્ય અસ્ત્રોથી દેવો,દૈત્યો ને ગંધર્વો સહીત સર્વનો સંહાર કરી શકો તેમ છે તેમાં સંશય નથી.આવા તમે એ પાંડવોને સહન કરી રહ્યા છો તેમાં કારણ તરીકે તો તેમના પ્રત્યે તમારો શિષ્યો તરીકેનો પ્રેમ અથવા અમારી મંદભાગ્યતા જ હોઈ શકે'

Aug 3, 2026

ભાગવત રહસ્ય -૨૧૪-Bhgavat Rahasya-214

રામજીના જન્મનાં અનેક કારણ બતાવ્યાં છે. કલ્પ કલ્પ ની કથામાં થોડો ફેર આવે છે.
પણ નારદજીના શાપનું કારણ આપણા જેવા સાધારણ જીવ માટે ઉપયોગી છે.
નારદજી હિમાલયમાં તપ કરતા હતા.ઇન્દ્રને શંકા ગઈ કે -નારદજી મારું રાજ્ય પડાવી લેશે કે શું ? 
ઇન્દ્રીયાધીન માનવી એ જ ઇન્દ્ર છે, જે બહુ ભોગી અને વિલાસી હોય છે તેનું મન શંકાશીલ હોય છે.
ઇન્દ્રે કામ ને બોલાવ્યો,અને કહ્યું કે નારદજીની તપશ્ચર્યામાં ભંગ કર.