Aug 16, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1195

 

અધ્યાય-૧૯૭-ભીમસેન અને ધૃષ્ટદ્યુમ્નનાં અર્જુન પ્રત્યે વચનો 


II संजय उवाच II अर्जुनस्य  वचः श्रुत्वा नोचुस्तत्र महारथाः I अप्रियं वा प्रियं वापि महाराज धनंजयम् II १ II

સંજય બોલ્યો-હે મહારાજ,અર્જુનનાં એ વચનો સાંભળીને ત્યાં રહેલા સર્વ મહારથીઓએ અર્જુનને પ્રિય કે અપ્રિય કશું જ સામું કહ્યું નહિ પણ એ વચન સાંભળીને ભીમસેન કોપીને જાણે અર્જુનની નિંદા કરતો હૉય તેમ બોલી ઉઠ્યો કે-અરે પાર્થ,આ તો તું અરણ્યવાસી મુનિના જેવું ને તીક્ષ્ણ વ્રત આચરતા બ્રાહ્મણના જેવું ધર્મવચન કહે છે,પણ ક્ષત્રિયો તો સર્વ કોઈનું રખવાળું કરે છે.તું ક્ષત્રિયનાં સર્વ ગુણોથી યુક્ત છે ને આપણા કુળમાં ધુરંધર છે છતાં આજે આમ અજ્ઞાનીની જેમ બોલે છે તે તને શોભતું નથી.ખરે,તારું પરાક્રમ ઇન્દ્રના જેવું જ છે ને તું પણ કદી ધર્મનું ઉલ્લંઘન કરતો નથી,તો કયો પુરુષ તારી પૂજા નહિ કરે?કારણકે તેર વર્ષના ક્રોધ અને દુઃખને અંતે પણ તું આજે ધર્મની જ અભિકાંક્ષા રાખે છે !!

Aug 15, 2026

ભાગવત રહસ્ય-૨૨૬-Bhgavat Rahasya-226

વિશ્વામિત્રની પાછળ પાછળ રામ-લક્ષ્મણ ચાલે છે.જંગલ માંથી પસાર થતા હતા-ત્યાં-
રસ્તામાં તાડકા નામની રાક્ષસી આવી.વિશ્વામિત્રે કહ્યું કે-આ ભયંકર રાક્ષસી બાળકો ની 
હિંસા કરે છે-માટે તેને તમે મારો.
કૃષ્ણલીલાનો આરંભ પૂતના રાક્ષસીના વધથી થયો છે-રામલીલ નો તાડકા રાક્ષસીના વધ થી 
થયો છે.તાડકા એ “વાસના” છે-વાસના શાંત થાય છે “વિવેકથી”
રામજી તાડકાને વિવેકરૂપી બાણ મારે છે-તાડકાનો ઉદ્ધાર કર્યો.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1194

 

અધ્યાય-૧૯૬-અર્જુનનાં વચનો 


II संजय उवाच II प्रादुर्भूते ततस्तस्मिन्नस्त्रे नारायणे प्रभो I प्रावात्सपृषतो वायुरनभ्रे स्तनयित्नुमान II १ II

સંજય બોલ્યો- આમ,હે પ્રભુ જ્યારે તે  નારાયણાસ્ત્ર પ્રગટ થયું ત્યારે મેઘવિહીન આકાશમાં જાણે મેઘ ગર્જના કરતો વાયુ જળબિન્દુઓ સહિત વાવા લાગ્યો.ત્યારે પૃથ્વી પણ કંપવા લાગી,મહાસાગર ખળભળી ઉઠ્યો અને સમુદ્ર તરફ વહેતી નદીઓ પણ ઉલટે પ્રવાહે વહેવા લાગી. ત્યાં પર્વતોના શિખરો છિન્નભિન્ન થઈ પડવા લાગ્યા અને મૃગલાંઓ પાંડવ સેનાની ડાબી બાજુ થઈને જવા લાગ્યા.ત્યારે જ્યાં ત્યાં અંધકાર છવાઈ ગયો સૂર્ય નિસ્તેજ થઈ ગયો અને માંસાહારી પ્રાણીવર્ગ હર્ષમાં આવી જઈ અને ઝડપિયાં નાખવા લાગ્યો.અશ્વત્થામાનું ઘોર અત્ર જોઈને સર્વ ગભરાટમાં પડી ત્રાહ્ય ત્રાહ્ય પોકારવા લાગ્યા.

Aug 14, 2026

ભાગવત રહસ્ય-૨૨૫-Bhgavat Rahasya-225

ત્યારે વશિષ્ઠજી દશરથને સમજાવે છે-“વિશ્વામિત્ર પવિત્ર બ્રાહ્મણ છે,તેમની સેવા કરશે તો રામ સુખી થશે.તમે ના પાડો તે સારું નહિ, ગઈકાલે રામની જન્મ-પત્રિકા મારા હાથ માં આવી હતી,તે જોતાં એમ લાગે છે-કે-આ વર્ષ માં રામજીના લગ્નનો યોગ છે,અતિસુંદર રાજ-કન્યા સાથે રામજીના લગ્ન થશે.માટે તેઓને મોકલો,હું માનુ છું કે વિશ્વામિત્ર અહીં આવ્યા છે-તે કદાચ રામના લગ્ન કરાવવા માટે જ આવ્યા છે”

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1193

 

અધ્યાય-૧૯૫-અશ્વત્થામાનો ક્રોધ 


II संजय उवाच II छह्मना निहतं श्रुत्वा पितरं पापकर्मणा I वाश्पेणापूर्यत द्रोणी रोषेण च नरर्षभ II १ II

સંજય બોલ્યો-હે પુરુષશ્રેષ્ઠ,પાપકર્મી ધૃષ્ટદ્યુમ્ને પોતાના પિતાને કપટથી મારી નાખ્યા છે તે સાંભળીને અશ્વત્થામાના નેત્રો અશ્રુઓથી ભરાઈ ગયાં ને તે ક્રોધથી ધુંધવાઇ ઉઠ્યો.ને દુર્યોધનને કહ્યું કે-'ક્ષુદ્ર શત્રુઓએ,શસ્ત્રહીન થયેલા મારા પિતાને જે રીતે મારી નાખ્યા છે તથા ધર્મનું મોટું ઠૂંઠું ગણાતા યુધિષ્ઠિરે જે પાપ કર્યું છે તે બધું મારા સાંભળવામાં આવ્યું છે.યુદ્ધમાં મચેલા પુરુષોનો જય કે પરાજય અવશ્ય નક્કી જ હોય છે પરંતુ યુધ્દ્ધ કરતાં જે મરણ થાય છે તે એ બંનેના કરતાં વિશેષ પ્રશંસાપાત્ર છે.જો સંગ્રામમાં યુદ્ધ કરનાર પુરુષનો ન્યાયપૂર્વક વધ થાય તો તેના સંબંધીઓને દુઃખ થતું નથી  એમ વિદ્વાનો કહે છે.મારા પિતા અવશ્ય વીરલોકમાં જ સિધાવ્યા છે એમાં સંશય નથી.

Aug 13, 2026

ભાગવત રહસ્ય -૨૨૪-Bhgavat Rahasya-224

વશિષ્ઠજી એ-મોક્ષ-મંદિરના ચાર દરવાજા બતાવ્યા છે.
(૧) શુભેચ્છા –શુભ પરમાત્માને મળવાની ઈચ્છા ને શુભેચ્છા કહે છે.
(૨) સંતોષ- જે કંઈ મળ્યું છે-તેમા સંતોષ માનવો.
(૩) સ્વરૂપાનુસંધાન –પોતાના સ્વ-રૂપ ને ભૂલવું નહિ.લક્ષ્ય ને ભૂલે 
તે ચોર્યાસી લાખના ચક્કરમાં ભમે છે.
(૪) સત્સંગ-થી શુભ વિચારો સદા મળતા રહે છે.સતત પ્રભુની આત્મીયતા-સાનિધ્ય રહે છે.