અધ્યાય-૧૨-કુલૂતરાજ ક્ષેમધૂર્તિનો વધ
II संजय उवाच II ते सेनेन्योन्यमासाद्य प्रहृष्टाश्वनरद्विपे I बृहत्यो संप्रजहाते देवासुरसमप्रभे II १ II
સંજય બોલ્યો-જેમના ઘોડાઓ,હાથીઓ અને મનુષ્યો ખુશખુશાલ જણાતા હતા તેવી એ બંને પક્ષની દેવાસુર સમાન કાંતિવાળી સેનાઓ સામસામે ભેટીને મારો ચલાવવા લાગી.અનેક પુરુષસિંહોના મસ્તકો ટપોટપ જમીન પર પડીને રણભૂમિને પાથરી દેવા લાગ્યા.વળી,ત્યાં હાથીઓ,ઘોડાઓ ને રથોનો કચ્ચરઘાણ થઈને પૃથ્વી પર પથરાયો.બંને પક્ષના શૂરાઓ અન્યોન્યનો સંહાર કરી રહ્યા હતા તેવામાં ભીમસેન,ધૃષ્ટદ્યુમ્ન,શિખંડી,દ્રૌપદીના પુત્રો,પ્રભદ્રકો,સાત્યકિ,ચેકિતાન આદિ યોદ્ધાઓ કૌરવ સૈન્ય સામે ધસી આવ્યા.તે ઉપરાંત પાંચાલો,કેકયો,કારુષો,કોસલો,માગધો આદિ યોદ્ધાઓ પણ ભીમ સાથે જોડાયા હતા.





