Sep 30, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1236

 

કર્ણ બોલ્યો-'હે રાજન,આજના રણમાં હું પાંડુના યશસ્વી પુત્ર અર્જુન સામે યુદ્ધ કરવા ભેટીશ અને તેમાં હું તેને મારી નાખીશ કે તે મને મારી નાખશે.આજ દિવસ સુધી અમારે બંનેએ ઘણાં કાર્યો કરવાનાં હતા,તેથી અમારો સમાગમ થયો નહોતો પણ આજે જરૂર થશે.મારી બુદ્ધિ પ્રમાણે હું આજે તમને કહું છું કે-આજે હું રણમાં અર્જુનને માર્યા વિના કદી પાછો ફરીશ નહિ.હું બરાબર સજ્જ થઈને ઉભો છું તેથી ચિંતા કરશો નહિ.હું ઇન્દ્રની આપેલી શક્તિથી રહિત થયો છું એટલે અર્જુન જરૂર મારી પર ચઢી આવશે.પણ તમે જાણી લો કે-પોતાનું રક્ષણ કરવામાં અમારા બંનેનું વીર્ય સમાન જ છે.

Sep 29, 2026

ભાગવત રહસ્ય-૨૬૯-Bhgavat Rahasya-269

રામજી બહુ ઓછું બોલે છે,રામજીએ જગતને બોધ વ્યાખ્યાનથી આપ્યો નથી,
વર્તનથી આપ્યો છે.રામજીએ લક્ષ્મણને આજ્ઞા કરી છે-સીતાજીને કોઈ ઘોર જંગલમાં મૂકી આવ.
લક્ષ્મણજીએ ના પાડી છે.તેમનો સીતાજીમાં માતૃ ભાવ છે.
રામજીએ કહ્યું-કે લક્ષ્મણ તારે આ કામ કરવું જ પડશે.સેવા ધર્મ અતિ કઠણ છે.સેવા કરી 
માલિકને સદા પ્રસન્ન રાખવા અઘરા છે.યોગી થવું કે જ્ઞાની થવું સહેલું છે.પણ સેવક બનવું અતિ કઠિન છે. 

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1235

 

અધ્યાય-૩૧-સત્તરમો દિવસ-શલ્ય સારથિ થાય તો વિજયનો સંભવ  


II धृतराष्ट्र उवाच II स्वेन च्छदेन नः सर्वानवध्यिन्कतमर्जुन I नह्यस्य समरे मुच्येदन्त्को प्याततायिनः II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-અર્જુન પોતાની ઈચ્છાથી જ આપણા બધાનો નાશ કરી રહ્યો છે-એ વાત સ્પષ્ટ જ છે,અર્જુન કંઈ સામાન્ય પુરુષ નથી.અર્જુન જયારે શસ્ત્રને ધારણ કરીને યુદ્ધમાં ઉભો હોય ત્યારે સાક્ષાત કાળ પણ તેની પાસેથી જીવતો છૂટે નહિ તેવો તે પરાક્રમી છે.તે અર્જુને એકલાએ સુભદ્રાનું હરણ કર્યું છે,એકલાએ જ ખાંડવ વનમાં અગ્નિને તૃપ્ત કર્યો છે,તેણે એકલાએ જ આખી પૃથ્વી જીતી લઈને સર્વ રાજાઓને કર આપતા કર્યા છે,તેણે એકલાએ જ નીવાત કવચોને મારી નાખ્યા છે,એકલાએ જ શ્રીશંકર સામે યુદ્ધ કર્યું છે,ને એકલાએ જ ઘોષયાત્રાના પ્રસંગમાં દુર્યોધન-આદિનું રક્ષણ કર્યું છે.એવા વીર શત્રુ સામે ઝઝૂમી રહેલા આપણા દુર્યોધન આદિ યોદ્ધાઓ નિંદા પાત્ર નથી પણ ઉલટા પ્રશંસા પાત્ર છે છે કારણકે તેવા બળવાન શત્રુને મેળવીને દુર્યોધન આ જગતમાં વિખ્યાત થયો છે.હે સંજય,પછી દુર્યોધને શું કર્યું હતું તે તું મને કહે.

Sep 28, 2026

ભાગવત રહસ્ય-૨૬૮-Bhgavat Rahasya-268

સીતાજી તે વખતે બોલ્યા છે-તુ આ શું માગે છે ? તુ આવું વરદાન માગે તે યોગ્ય નથી,
વેરનો બદલો તુ વેરથી આપવા માગે છે ? વેરનો બદલો તો પ્રેમથી આપવાનો હોય.
અપકારનો બદલો ઉપકારથી આપે તે સંત.અપમાનનો બદલો માનથી આપે તે સંત.
ચારિત્ર્ય એ જ સંતોનું ભૂષણ છે.શ્રેષ્ઠ પુરુષોનો ધર્મ છે-કે- કોઈ પાપી હોય કે પુણ્યાત્મા હોય-
અથવા તો તે વધને યોગ્ય અપરાધવાળો કેમ ના હોય-પણ તે સર્વ ઉપર દયા કરે.
કારણકે-એવું કોઈ પણ પ્રાણી નથી,કે જેનાથી કોઈ અપરાધ થતો જ ના હોય.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1234

 

અધ્યાય-૩૦-ભયકંર ઘમસાણ 


II संजय उवाच II ततः कर्ण पुरस्कृत्य त्वदीया युद्धदुर्मदाः I पुनरावृत्य संग्रामं चक्रुर्देवासुरोपमम् II १ II

સંજય બોલ્યો-પછી,તમારા યુદ્ધદુર્મદ યોદ્ધાઓ કર્ણને આગળ કરીને પુનઃ પાછા ફર્યા અને દેવાસુર સમાન સંગ્રામ કરવા લાગ્યા.હાથીઓ,રથો,પાળાઓ તથા ઘોડેસવારોનાં ટોળેટોળાં શત્રુઓ સામે ધસી જઈને જાતજાતનાં અસ્ત્રોના પ્રહાર કરીને સંહાર કરવા મંડી રહ્યાં.અસંખ્ય મૃતદેહોથી પૃથ્વી છવાઈ ગઈ ને લોહીની નદીઓ વહી રહી હતી.ઘણા યોદ્ધાઓ ઘાયલ થઈને રણમાં પડ્યા હતા.શત્રુઓએ સંહારી નાખેલું તે સૈન્ય પ્રજાના સંહાર સમયે યમરાજાની રાજધાની સરખું જ રૌદ્ર સ્વરૂપનું દેખાતું હતું.તે સમયે,કર્ણ અને તમારા પુત્રો ઘણાં મોટાં સૈન્ય સાથે સાત્યકિ સામે યુદ્ધ કરવા ચઢી ગયા હતા.