અધ્યાય-૩૨-કર્ણના સારથિ થવા માટે શલ્યને પ્રાર્થના
II संजय उवाच II पुत्रस्तव महाराज मद्रराजमहारथम् I विनयेनोपसंगम्य प्रणयाद वाक्यमब्रवीत II १ II
સંજય બોલ્યો-હે મહારાજ,પછી તમારો પુત્ર દુર્યોધન મહારથી મદ્રરાજ શલ્ય પાસે વિનયથી જઈને પ્રેમપૂર્વક કહેવા લાગ્યો કે-'હે સત્યવ્રતવાળા મદ્રરાજ,તમે શત્રુઓના તાપમાં વૃદ્ધિ કરનારા છો,શૂરવીર છો ને શત્રુઓના સૈન્યને માટે ભયંકર છો.કર્ણે જે કહ્યું તે તમે સાંભળ્યું ને?આ રાજાઓની વચ્ચે હું જાતે તમારી પાસેથી એક વરદાન માગું છું.મારુ મસ્તક નમાવીને હું વિનયપૂર્વક યાચના કરું છું.અર્જુનનો વિનાશ કરવા માટે તથા મારુ હિત કરવા તમે પ્રેમપૂર્વક કર્ણનું સારથિપણું સ્વીકારવા કૃપા કરો.તમે જયારે કર્ણના સારથિ થશો તો કર્ણ મારા શત્રુઓને જીતી શકશે.





