અધ્યાય-૫૦-ભીમસેનની ચઢાઈ-તેમાં કર્ણની હાર
II संजय उवाच II तानभिद्रवतो द्रष्ट्वा पांडवांस्तावकं बलम् I दुर्योधनो महाराज वारयामास सर्वशः II १ II
સંજય બોલ્યો-હે મહારાજ,પાંડવ યોદ્ધાઓને તમારા સૈન્ય સામે ચઢી આવતા જોઈને દુર્યોધને સર્વ યોદ્ધાઓને તથા પોતાના સૈન્યને નાસભાગ કરતા અટકાવવા માંડ્યા,છતાં તે સૈન્ય પાછું વળ્યું જ નહિ.તે જોઈને સુબલપુત્ર શકુનિ તથા બીજા કેટલાક કૌરવો શસ્ત્રોથી સજ્જ થઈને ભીમ સામા યુદ્ધ કરવા ધસી ગયા.ત્યારે કર્ણ પણ તે સૈન્યને નાસતું જોઈને શલ્યને,રથને ભીમ સામે હંકારવાનું કહ્યું.કર્ણને પોતાની સામે ધસી આવતો જોઈને ભીમસેને કર્ણનો વિનાશ કરવાનો નિશ્ચય કરીને,સાત્યકિ તથા ધૃષ્ટદ્યુમ્નને કહ્યું કે-'તમે યુધિષ્ઠિરનું રક્ષણ કરજો,તે હમણાં જ મારા દેખતાં મોટા સંશયમાંથી મુક્ત થયા છે.તેમના દુઃખનો આજે હું અંત લાવીશ.આજે હું અતિઘોર સંગ્રામ કરીને કર્ણને મારીશ કે તે મને મારશે.'





