Jul 9, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1203

વસિષ્ઠ કહે છે કે-મોક્ષના ઉપાય-રૂપ આ (યોગ-વાસિષ્ઠ)શાસ્ત્રનો અભ્યાસ કરવો કે શ્રવણ કરવો-એ
દૃશ્યની શાંતિ કરવાનો ઉત્તમ ઉપાય છે.તેના જેવો બીજો કોઈ ઉપાય થયો નથી અને થશે પણ નહિ.
ચિત્ત(મન)ના 'સ્વરૂપની સ્થિતિ' -એ સંસાર સાથે નિત્ય સંબંધ રાખે છે.તેથી તે ચિત્ત જાગ્રત તથા સ્વપ્નમાં
રહેલું હોય ત્યારે અને લય પામે ત્યારે-તેને યત્ન વડે રોકવામાં આવે તો પણ તે રોકાતું નથી,
પણ તે જ મન - બોધ વડે તે બાધિત થઇ જાય છે ત્યારે સંસારને દેખતું નથી.

Jul 8, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1202

વસિષ્ઠ કહે છે કે-જો જગત વિષે,મારા (આગળ) વર્ણવેલા ક્રમ પ્રમાણે,સંપૂર્ણ રીતે વિચાર કરવામાં આવે તો,
સર્વ સત્તા-માત્ર જોવામાં આવે છે ને જેમાં  દ્વિત્વ-એકત્વની કલ્પના છે જ નહિ.
જેઓ અદૃશ્ય(નિરાકાર કે જોઈ ના શકાય તેવા) બ્રહ્મને જ દૃશ્ય-રૂપ,સદ-રૂપ-અસદ-રૂપ કે સાકાર-નિરાકાર
સમજે છે-તેમની દૃષ્ટિમાં કોઈ પણ દેશ-કાળમાં,જીવ-એ કર્તા કે ભોક્તા છે જ નહિ,તો સાવ નથી-એમ પણ નથી,
કેમ કે જીવ બ્રહ્મ-રૂપે જ અવશેષ રહે છે.આમ,ભ્રાંતિથી જ આ જગત ભાસે છે,બાકી બ્રહ્મ આકાશ-રૂપ જ છે.

Jul 7, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1201

'એક' અને નિરાકાર એવું એ ચૈતન્ય, મન,દેહ-જગત અને અહંકાર-રૂપે અનંત-રૂપ બની જાય છે અને
પોતાના મૂળ અધિષ્ઠાન-રૂપ-પૂર્ણ શુદ્ધ-સ્વરૂપને ઢાંકી દઈ અને જડ-ચેતન (બોધ-અબોધ) રૂપ થઇ જાય છે.
વસ્તુતઃ તો અહીં જડ-ચેતન-દેહ-દૃશ્ય-એવું કશું નથી,પરંતુ ચિદાકાશ જ એ રીતે પ્રતીતિમાં આવે છે.
કેવળ એકરસ ચિન્માત્ર તત્વ જ પોતાના સ્વરૂપની અંદર પોતા વડે આવા પ્રકારે ભાસે છે,
કે જેમાં વાણી પહોંચી શકતી નથી,તેથી જીવનમુક્ત પુરુષ મૌની (નિશ્ચલ) થઈને રહે છે.એટલે કે-
વ્યવહારમાં પ્રવૃત્ત છતાં ચિદાકાશ-રૂપ થઇ રહેલ તે જીવનમુક્ત મૌનીના જેવી સ્થિતિ ધારણ કરે છે.