Jul 31, 2019

ભાગવત રહસ્ય-૨3

સૂતજી સાવધાન કરે છે- અને કહે છે-કે-મોટો થતાં ધન્ધુકારી પાંચ વેશ્યાઓમાં ફસાયો છે.ચાર વેશ્યાઓ બતાવતા નથી,છ બતાવતા નથી –પણ પાંચ વેશ્યાઓમાં ફસાયો છે—તેમ લખ્યું છે.પાંચ વિષયો, શબ્દ-સ્પર્શ-રૂપ-રસ અને ગંધ-એ –પાંચ વેશ્યાઓ છે.આ પાંચ વિષયો પાપથી ભોગવે તે બધા ધન્ધુકારી છે.જે વિષયોનો દાસ બને છે,ત્યારે તે જ વિષયો તેને અંતકાળે મારે છે

ધન્ધુકારી મડદાના હાથનું જમતો.ચોખ્ખું લખ્યું છે –શવ હસ્તેન ભોજનઃ.—મડદાનાના હાથ કયા ?
જે હાથ પરોપકારમાં ઘસાય નહિ તે મડદાના હાથ છે. જે હાથથી કૃષ્ણ સેવા થતી નથી તે મડદાના હાથ છે.
ધન્ધુકારી –સ્નાન-શૌચ-ક્રિયાહીન હતો.કામી હતો એટલે સ્નાન તો કરતો હશે, પરંતુ સ્નાન કર્યા પછી –સંધ્યા-સેવા ન કરે તો સ્નાન વ્યર્થ છે. એટલે કહ્યું છે કે -તે સ્નાન કરતો નહિ. સ્નાન કર્યા પછી સત્કર્મ ના થાય તો તે પશુસ્નાન છે.

સ્નાન ફક્ત શરીરને સ્વચ્છ રાખવા માટે નથી. સત્કર્મ કરવા માટે સ્નાન છે.આ શરીર શુદ્ધ થતું જ નથી.શરીર નું મૂળ જ અશુદ્ધ છે. આ શરીર મળ-મૂત્રના આધારે ટકેલું છે. મોઢામાંથી-નાકમાંથી દુર્ગંધ જ નીકળે છે.
સ્નાન કર્યા પછી –સેવા નહિ-સંધ્યા નહિ- ગાયત્રી નહિ-તો તે સ્નાન પણ પાપ છે.
શાસ્ત્ર માં સ્નાનના ત્રણ પ્રકાર બતાવ્યા છે. તેમાં ઋષિ સ્નાન ઉત્તમ છે.મળસ્કે(વહેલી સવારે) ૪ થી ૫ માં જે સ્નાન તે ઋષિ સ્નાન. આકાશમાં નક્ષત્રો દેખતા હોય ત્યારે સ્નાન કરે તે ઋષિ છે.
તે પછી ૫ થી ૬ માં સ્નાન કરે તે મનુષ્ય સ્નાન .સૂર્યોદય પછી જે સ્નાન તે રાક્ષસ સ્નાન.

સૂર્ય નારાયણ બહાર આવ્યા છે,ને પછી ભાઈ ઉઠ્યા છે. હાથમાં દાતણ અને છાપું છે.કહે છે કે-અમે સુધર્યા છીએ.આ સુધર્યા કે બગડ્યા તે તો ભગવાન જાણે, પણ સૂર્ય નારાયણ બહાર આવ્યા પછી તમે પથારીમાં સુઈ રહો તે યોગ્ય છે?

સ્નાન ઠંડા જળથી કરો.ગરમ પાણીથી ગંગાજીનું આવાહન થતું નથી. ઠંડા પાણીથી થાય છે.
ઠંડા જળના સ્નાનથી બીજા ફાયદાઓ ઉપરાંત બીજો એક ફાયદો છે,કે –ઘરમાં ખર્ચ ઓછો થશે.
સૂર્ય એ બુદ્ધિના માલિક છે.તેની સંધ્યા કરવાથી બુદ્ધિ સતેજ થાય છે. સ્નાન અને સંધ્યા નિયમિત કરો.
સમ્યક ધ્યાન એ જ સંધ્યા.

કોઈ પણ સત્કર્મ વિનાનું ભોજન એ ભોજન નથી. એ ભોજન કરતો નથી પણ પાપ ખાય છે.
ગીતાજી માં કહ્યું છે કે-
જે પાપી લોકો પોતાના શરીર પોષણ માટે જ અન્ન પકાવે છે,તેઓ પાપને ખાઈ રહ્યાં છે.(ગીતા-૩-૧૩)
તેથી હંમેશા સત્કર્મ કરવું.આયુષ્યનો સદુપયોગ કરો. તન-મનને સજા કરશો તો પાપ ઘટશે, અને સત્કર્મ થશે.
તમારા મનને તમે સજા નહિ કરો તો બીજું કોણ સજા કરશે ?

પુત્રના દુરાચરણ જોઈ આત્મદેવને ગ્લાનિ(દુઃખ) થઇ. આના કરતાં તો વાંઝિયો હતો તે સારું હતું.
ધન્ધુકારીએ સર્વ સંપત્તિ વાપરી નાખી. પૈસા માટે હવે તો તે માત-પિતાને માર મારવા લાગ્યો.
પિતાનું દુઃખ જોઈ ગોકર્ણ પિતા પાસે આવ્યા છે. ગોકર્ણ પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપે છે.
'આ સંસાર અસાર છે, અત્યંત દુઃખરૂપ અમે મોહમાં નાખવા વાળો છે. પુત્ર કોનો ? ધન કોનું ? તે ખરેખર આપણાં નથી.જે આમાં આસક્તિ રાખે છે –તે રાત દિવસ સળગે છે.
સંસારને વંધ્યા સુતની ઉપમા આપવામાં આવી છે. સંસાર માયાનો પુત્ર છે.
માયા મિથ્યા –તો આ સંસાર સાચો ક્યાંથી હોય ? 
(જે સ્ત્રી સંતાનની માતા થઇ શક્તિ હોય તેણે વંધ્યા કહે છે.હવે જો -કોઈ કહે કે -તેને કોઈ છોકરો -સૂત-છે-તો તે સાચું નથી- મિથ્યા છે- અહીં માયાને વંધ્યા કહી છે અને સંસારને પુત્ર-સૂત કહ્યો છે)
ગોકર્ણ આત્મદેવને કહે છે-કે-હવે તમે ઘર છોડી વનમાં જાવ. ઘરનો મોહ તમે છોડી દેજો. એક દિવસ તે ઘર છોડવું તો પડશે જ. સમજીને છોડો તો સારું છે. નહીતર કાળ –ધક્કો મારીને છોડાવશે.
પિતાજી, આ જીવાત્માનું ઘર તો પરમાત્માના ચરણ માં છે.'

અંતકાળે મનુષ્યને ગભરામણ થાય છે. હવે હું ક્યાં જઈશ ?
આજથી જ કોઈ સારું મકાન નક્કી કરી રાખો તો ગભરામણ થશે નહિ. મારે હવે પ્રભુના ધામમાં જવું છે.
આ જન્મમાં તો વૃધ્દ્ધાવસ્થામાં ડાહ્યો થયો. પણ હવે કોઈ પવિત્ર વૈષ્ણવને ઘેર જન્મ થાય કે જ્યાં સતત ભગવતસેવા અને કૃષ્ણકિર્તન થતાં હોય-કે જેથી હું બાલ્યાવસ્થાથી જ પરમાત્માનું ધ્યાન કરું-સેવા કરું.

હવે પછીના ભાગવત માહાત્મ્યના બે શ્લોકો માં વ્યાસજીએ ભાગવતનો સાર ભરી દીધો છે.
બીજો શ્લોક તો ચૈતન્ય મહાપ્રભુજીને બહુ પ્રિય હતો.

આ દેહ,હાડકાં-માંસ અને રુધિરનો પિંડ છે. એને મારો માનવાનું છોડી દો. સ્ત્રી,પુત્રાદિમાંથી મમતા ઉઠાવી લો,આ સંસાર ક્ષણ ભંગુર છે. એમાંની કોઈ વસ્તુને સ્થાયી સમજી તેમાં રાગ ન કરો. બસ એક વૈરાગ્યના રસિક બની –ભગવાન ની ભક્તિ માં લાગી જાઓ. (ભાગવત માહાત્મ્ય-અ.૪-શ્લોક-૭૯)

ભગવદ ભજન એ જ મોટામાં મોટો ધર્મ છે. નિરંતર તેનો આશ્રય કરીને રહો. બીજા સર્વ પ્રકારના લૌકિક ધર્મો નો ત્યાગ કરો. સદા સાધુ પુરુષની સેવા કરો. કામ-તૃષ્ણાને ત્યજી દો. બીજાઓ ના ગુણદોષનો વિચાર કરવાનું છોડી દો.એક માત્ર ભગવાનની સેવા અને તેની કથાઓના રસનું પાન કરો. (ભાગવત માહાત્મ્ય-અ.૪-શ્લોક-૮૦)

    PREVIOUS PAGE        
  NEXT PAGE               
    INDEX PAGE