Showing posts with label કવિતાઓ-અનિલ. Show all posts
Showing posts with label કવિતાઓ-અનિલ. Show all posts

May 5, 2024

ફુરસદ નથી-By અનિલ શુક્લ

 

અંગે લગાવી થરો ભભૂતના જુઓને દેખાવ કર્યા  છે કેવા?
અંતરમાં થોડીક પણ ભભૂત લગાવવાની હિંમત કરે છે કોણ?

અવળી અવળી જ વાતો છે,ને એ જ સાચી છે એવી કરે ઠાવકાઈ,
સત્ય ખુલ્લું જ  છે,પણ તે સત્યને ખોળવાની  દરકાર કરે છે કોણ?

ફુરસદ નથી પવન થી બનેલા એ સંગીત ને સાંભળવાની કોઈને,
તો નાદ અનહત નો તો ક્યાંથી સંભળાય,દરકાર તેની કરે છે કોણ?

જરૂર છે શું કહેવાની કે? છેડાં ના કરે એ પવન સાથે,નહિતર ચેતજો,
ખોટી ભભૂતિ એ તન પરની ઉડાવી,ખુલ્લા કરી દેશે,તમને ઓ,લોકો

અનિલ
30 એપ્રિલ,2015

May 4, 2024

કલમથી-By અનિલ શુક્લ

 

નથી ચંચળતા કે નથી અસ્થિરતા,તો પછી આ સ્તબ્ધતા કેવી?
નથી શક્ય કોઈ હલન-ચલન,સમય પણ જાણે થંભી ગયો લાગે.

રંગો, રંગબેરંગી ફૂલોના થયા અદૃશ્ય,ને એક-રંગી ફૂલો લાગે,
લાલમ-લાલ થઈ ગયું,બધું,લાલો ને લાલ પણ લાલ જ લાગે.

વહી જ્યાં સૂરાવલી બંસરીની,કાન્હા ની નાની સુગંધી ફૂંક થી,
થઈ ગયો ન્યાલ,એ અનિલ,બની સુગંધી,સ્થિરત્વને પામ્યો લાગે.

દિવાલોની અંદર બેસીને પવન ખોળે દુનિયા ના સુખિયાઓને,
ના મળ્યું કોઈ તો, પરમાનંદી અનિલ,કલમથી કંઈ કહેતો લાગે.

અનિલ
જુલાઈ,૧૭,૨૦૧૫

May 3, 2024

અનકહી-By અનિલ શુક્લ

 

કહેલી વાત તો અનકહી થઇ ગઈ કે શું?
નહિ કહેલી,વાત આજ થઇ ગઈ લાગે.

લખાઈ શું ગયું? તેની ખબર રહી નહિ,
પડેલા શબ્દો જમીનમાંથી ઉગતા લાગે.

પ્રવાસ તો હતો નહિ બહુ  લાંબો -પણ,
અધ-વચ્ચે જ મંઝિલ મળી ગઈ લાગે.

છૂટા-છવાયા વાદળો ને ભેગા કર્યા અનિલે,
તે જ આજ ઝરમર ઝરમર વરસતાં લાગે.

અનિલ શુક્લ 
જુલાઈ-૨૦૧૫

May 2, 2024

મહેંક-By અનિલ શુક્લ

 

ખોળ્યો હતો તને,કદીક આયનામાં  કે કદીક પડછાયામાં,
સમીપમાં જ તું હતો,પણ શાને બનાવ્યું હતું જીવન ખારું ?

બની ગયો જ્યાં હું ખુદ જ આયનો,કરી નજર જ્યાં "હું" મહી,
સોહે છે,દીપે છે,ઝગઝગાટ પ્રતિબિંબ તારું,નથી શું તે ન્યારું?

વચ્ચે  ઉભો રહી પ્રકાશની,હું જ બનાવતો,મારો જ પડછાયો,
મીટી ગયો "હું" તો પડછાયો હવે ક્યાંથી? સર્વ-રૂપ છે તારું

ખીલે છે નિત્ય એક ફૂલ નવું,ને મહેંક ની તેની તો શું કહેવું?
મહેંક્યો છે અનિલ,સંગ થી તારા,તો સર્વ જગ થઇ ગયું ખારું !

અનિલ શુક્લ
6,જાન્યુઆરી-2016

May 1, 2024

ભભૂતિ-By અનિલ શુક્લ

 

બસ -અમારે પણ એમ ને એમ ચાલ્યે જાય છે.
મળું કદીક એને તો કદી-એ મને મળી જાય છે.

બની,ફૂંક,બાંસુરીની,એ લાલ ની,વહેતો રહે પવન,
સુગંધિત બની,તે,અહીં-તહીં,પણ વહેતો જાય છે.

નિત્ય  નવા ચમકારા છે,વીજળીના હવે,કહું વધુ શું?
ઘડી-ઘડી આવે ને એ લાલ  ઘડીકમાં ચાલ્યો જાય છે.

લગાવેલી ભભૂતિ,ફળી હોય,એવું અનુભવાતું લાગે,
પરમાનંદની મસ્તીમાં જ બધો સમય વહ્યો જાય છે.

અનિલ શુક્લ 
માર્ચ-2016

Apr 30, 2024

બુઝાતો દીપક-By અનિલ શુક્લ

 

પંગુલતા,પ્રવાસની,હવે સમજાય છે,
લથડાઈ જતા શ્વાસ પણ સમજાય છે.

જરા કહો,પવનને કે બહુ જોર ના કરે,
બુઝાતો દીપક ઝબુક ઝબુક થાય છે.

અનિલ શુક્લ
માર્ચ-2016

Apr 29, 2024

ફોરમ-By અનિલ શુક્લ


આંગણે આવી,વ્હાલને વાવી,છૂપાઈ ક્યાં ગયા છો તમે?
ભીનાં ભીનાં ચરણ ની છાપ છોડીને સંતાયા ક્યાં તમે?

ખટખટાવીને કમાડ,ચાલી ગયો,લાગે છે,એ તોફાની પવન,
ગમે સંગ તેનો તમને તો,સંગ તેની શું ચાલ્યા ગયા તમે?

સુકાઈ રહ્યાં,ધીરે ધીરે ભીના ચરણોનો નિશાનો પવનથી,
ફૂટે છે કૂંપળો વ્હાલની કેટલી? આવીને તપાસી જજો તમે.

મુલાકાત,થવી અઘરી તમારી,રાહ જોવી એ તકદીર અમારી,
ફોરમ બની આવો અનિલ સંગ તો દિલમાં સમાઈ જશો તમે?

અનિલ શુક્લ 
March-2016

Apr 28, 2024

દોષ શું?-By અનિલ શુક્લ


ભલે ને મથે,આ જગત,ભેળવવા રંગોને હવામાં,પણ,
નજાકત રંગની ભળે ના હવામાં-તેમાં હવાનો દોષ શું?

ક્ષણિક થયું દિલ બંધ,અને શ્વાસો કરી બેઠા દગાબાજી,
વાંક દિલનો કે શ્વાસનો હશે-પણ તેમાં હવાને દોષ શું?

મહેંક ફૂલોની લઇ ઉડી રહ્યું પતંગિયું,પણ ફૂલ ના ઉડી શકે,
છોડી ના શકે છોડને તો ના ઉડી શકે-તેમાં હવાને દોષ શું?

વિશ્વાસ હશે જો વસંતમાં,તો લઇ આવશે ફૂલો નવાં,
ફૂલો જમીન પરનાં જો ઉડે પવનથી-તેમાં હવાને દોષ શું?

લગાડી નથી હોઠ પર બંસી,નથી ફૂંક પણ તેમાં મારી,
ના સર્જાય સુરાવલી સંગીતની-તેમાં હવાને દોષ શું?

કાગળ પર નહિ,પણ લખો છો  રેત પર નામ મારું,
ભુસાઈ ગયું પવનના ઝપાટાથી-તેમાં હવાને દોષ શું?

નથી ઉડાડયા તે શબ્દોને હવાએ,છતાં લહરાઈ ઉઠીને,
બની જાય જો કોઈ કવિતા-તેમાં અનિલનો દોષ શું ?

અનિલ શુક્લ 
માર્ચ-૨૦૧૬

Apr 27, 2024

દુઃખોના વખ-By અનિલ શુક્લ

 

દુઃખોના વખ અમે અમારે જ હાથે ઘોળ્યા,
પ્રભુજી,આપને જયારે અમે હતા છોડ્યા

આમ તો ચીતર્યા કર્યું હતું એ ભીંત પર ધોળી,
ધોળીને જ ચોખ્ખી કરું હું એ ભીંત ને ધોળી

અવનવી દુર્ગંધ થી દુષિત કર્યો પવનને દુનિયાએ,
મહેકતો કરી એને,આપે દુઃખોના ડુંગરો છે તોડ્યા.

અનિલ શુક્લ
એપ્રિલ 2016

Apr 26, 2024

સ્પર્શ-By અનિલ શુક્લ


હળવો હતો એ સાદ,ને,સ્પર્શ પણ હળવો હતો,
હળવા એ તરંગ નો ઉમંગ,અવર્ણનીય જ હતો.

સમયના તે-આપું તો આપી શકું શું ખુલાસો?
ખુશ્બુ લઇ 'તે'ની,અનિલ મંદમંદ મલકતો હતો.

કોણ ખૂંપી ગયું,આવીને દૃષ્ટિની મધ્યમાં?
થંભી ગયો અનિલ,આદતથી જે,વહેતો હતો.

નથી ચિંતા,ના કોઇ દહેશત,ભય કે સંશય.
ખુદ ગયો વિસરાઈ,"હું" ને ભરી જે ફરતો હતો.

અનિલ શુક્લ
એપ્રિલ-૧૮-૨૦૧૬  

Apr 25, 2024

હાજરી-By અનિલ શુક્લ

 

ભીની મહેંક ને લઈને,જે વહી જતો હતો,
આવી બારણે, જે ખટખટાવી જતો હતો,

ખોલી બારણું, જોઉં છું તો નિશાન છે ભીનાં,
એ જ નિશાન ભીનાં ચરણનાં,મૂકી જાતો હતો.

સૂંઘી વળ્યો,શોધતો હતો તેની હાજરીને,તો,
બારીની તિરાડે,સિસકારી નાદ-તે કરી જાતો.

દેખાય નહિ,પણ તેની મહેંક છે અને નાદ છે,
હાજર થઈને  તે હૃદયને ગદગદિત કરી જાતો.
અનિલ
૧૫ જુલાઈ,૨૦૧૬

Apr 24, 2024

અક્ષરો-By અનિલ શુક્લ


ગણગણાટ,જગતનો,તરંગો બની વહી જતો હતો,
પાસ આવી તે કહે ઘણું,ને,ભાષણે ય બહુ દીધુ હતું.

પણ,ચુપકીથી પાસે આવી 'એ' કાનમાં કંઈ કહી ગયો,
શું કહ્યું તેણે ? તો શું કહું? મૌન અપનાવી લીધું હતું.

હવે ઝાલીને હાથ 'તે' લખાવે છે કંઇક,લખી લીધું,
આવશે 'એ'ને કહેલું,અહીં,અક્ષરોથી શણગારી લખું.

અનિલ
૧૬ જુલાઈ ૨૦૧૬ 

Apr 23, 2024

પરમ-પદ-By અનિલ શુક્લ

 

અનુભવ્યાં દૃશ્યો અનેક,ને જોયા રંગ પણ જગતના અનેક,
સમયનાં પડ ચડી ગયા હતા  ને રંગ પણ જામ્યા 'તા અનેક.

હસ્યું હતું હૃદય,એ સુખની પળે ને રડ્યું યે હતું દુઃખની પળે,
ખીલી હતી લતા કુસુમથી,સુકાઈ ને તે હવે દેખાય ના,ખરે.

ના જાણે કેટલા અવતાર ધરી લીધા એક હૃદયે,હૃદય ધરી,
વિચારતાં તે વિચારની,શું કહું? શરમ હવે આવે છે ઘણી.

પડી શિલા વિવેકની,તૂટ્યા સમયના પડો ને રંગ ના થરો,
ખીલી ઉઠ્યું છે ચમન,થયો સુગંધિત,પવન,હવે,ખરે ખરો.

શાંત,શુદ્ધ,નાદ-મય,થયું હૃદય,તો શાને મરણથી ડરવું?
વરવું પરમ-પદને જ છે,તો જગતનું ધ્યાન હવે શું કરવું?

અનિલ
૨૩ જુલાઈ,૨૦૧૬

Apr 22, 2024

સાથ-By અનિલ શુક્લ

 

નથી પડતી ખબર એની,કે યાદ હું કરું છું કે તમે?
સંદેશ કોઈ ગજબથી અહીં તહીં કેમ અથડાય છે?

બાદબાકી કેમ થતી નથી હોતી-એ ગજબ યાદની,
જયારે જૂઓ,તેનો તો સરવાળો જ થતો દેખાય છે.

વિસારું હું નહિ પ્રભુ,તમને,તમે પણ ના વિસારશો,
શ્વાસની સુગંધ બન્યો પવન,સતત તમારો સાથ છે.

અનિલ
૧૪ ઓક્ટોબર-૨૦૧૫

Apr 21, 2024

પરવારી ગયો-By અનિલ શુક્લ

 

અનુભવું,ધન્યતા,કરી દર્શન,જે વસી રહ્યો,તમારામાં,
એવું બને છે કદીક,કે તે-જ-તમે જુઓ છો મારામાં.

શું,પરિસ્થિતિનો ફરક જ હશે ને? બીજું તો નહિ કશું?
તમે,વિચારો છો,કે કંઇક તો -ફરક તો કેમ રહી ગયો?

નથી જોતા તમારામાં,તમે,જે જોઉં છું હું તમારામાં,
બંને જગાએ ને સર્વે,"એ" ને જોઈ,પવન પરવારી ગયો !

અનિલ શુક્લ
ઓક્ટોબર-૨૮-૨૦૧૬

Apr 18, 2024

કૃપા અનંતની-By અનિલ શુક્લ

 

નાદ અનહદનો સુણીને,શું થયો હતો અસ્થિર વાયુ?
કે  પામી અસ્થિરતાને,તે શું પવન નામે થયો હતો?

પણ,શું બન્યું,આજ,કે સ્થિરતા થઇ ગઈ પ્રચંડ,પવનને.
બની ફરી વાયુ,ચૂપચાપ  આકાશમાં સમાઈ ગયો લાગે.

થઇ હતી ઘોષણા અનંતની,કે બની રહી કૃપા અનંતની?
પવન,નથી રહ્યો પવન હવે,અનંતમાં સમાઈ ગયો લાગે.

અનિલ શુક્લ
નવેમ્બર-૧૮,૨૦૧૬

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Apr 17, 2024

ફૂલોને-By અનિલ શુક્લ


જરા સુગંધ જ લઇ ગયો,પવન,તો અકળાઈ કેમ જાઓ? તમે ફૂલો?
અસ્તિત્વ તમારું તો એનાથી જ છે,તેનાથી જ તો તમે ફૂલો ફાલો !

ના થશે ઓછું વજન,તમારું,જો સુગંધ ને લઇ ગયો પવન, ઓ ફૂલો,
પણ જુઓ ,અસ્તિત્વ તમારું એ સર્વ જગતમાં જાહેર કરી રહ્યો ફૂલો.

આસાન નથી મળવી આવી વફાદારી,જગતમાં વિચાર કરો,ફૂલો,
બાકી,તો ત્યજી દો છો,તમારા સ્થાન ને જ્યાં તમે ફાલ્યાં હતાં ફૂલો.

મૌન બની ફરી રહ્યો,સંગાથમાં રહી સર્વની,સુગંધ પ્રસરાવી તે રહ્યો,
પ્રાણ બનીને પવન,જગતના જીવનને,મહેકાવી, પ્રસારી રહ્યો,ફૂલો.

અનિલ શુક્લ
૨૨.નવેમ્બર,૨૦૧૬

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com