Jan 31, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-66



જેમ કમળ ના બીજ માં કમળ નો આખો વેલો રહેલો હોય છે,તેમ સૂક્ષ્મ ચૈતન્ય ની અંદર  દૃશ્ય જગત રહેલું છે.
જેમ સોનાના આભુષણ ની સત્તા એ સોના ની સત્તાથી જુદી નથી,તેમ દૃશ્ય ની સત્તા દ્રષ્ટા થી જુદી નથી.
આમ દ્રષ્ટા (પરમાત્મા) માં દૃશ્ય (જગત) પણું "સ્વ-ભાવ-રૂપે" રહેલું છે. અને તે,
તમારા મન-રૂપી દર્પણ ના મેલ-રૂપ છે.માટે તેને પણ હું હવે તુરત લુછી નાખું છું.

જયારે દૃશ્ય (જગત) ની જુદી સત્તા માનવામાં આવે જ નહિ (એટલે કે દૃશ્ય-મિથ્યા થાય)
ત્યારે દૃશ્ય (જગત) ના અભાવને લીધે, દ્રષ્ટા (પરમાત્મા) માં દ્રષ્ટા-પણું રહે નહિ,
એટલે કે સત્ય એવા દ્રષ્ટા (પરમાત્મા-આત્મા-સત્ય) ને "કેવળ-પણું"  (કેવળ-એક-પણું) પ્રાપ્ત થાય છે .

જેમ,વાયુ નું હાલવું-ચાલવું બંધ પડે એટલે પાંદડાં નું હલન-ચલન પણ બંધ થાય છે,
તેમ,કૈવલ્ય ના બોધ થી મન કેવળ "આત્મા-રૂપ" થાય છે અને તેનું હલન-ચલન બંધ પડે છે,
અને જેથી,રાગ-દ્વેષ -વગેરે વાસનાઓ પણ બંધ પડી જાય છે.

જેમ દર્પણ ની આસપાસ ના પદાર્થો નું પ્રતિબિંબ દર્પણ માં નહિ પડવાથી ,
દર્પણને તેનું "સ્વ-રૂપાત્મક" (પોતાનું) "કેવળ-પણું" રહે છે
તેમ,"હું ,તું અને જગત" વગેરે દૃશ્ય નો ભ્રમ શાંત થતાં -દ્રષ્ટા પણા થી રહિત થયેલા -
આત્મા (પરમાત્મા) નું પણ "કેવળ-પણું" પ્રાપ્ત થાય છે.

રામ બોલ્યા-જો દૃશ્ય (જગત) -એ-ના જ હોય તો આત્મા (પરમાત્મા) કેવળ-પણું પામે,પણ
દૃશ્ય (જગત) તો પ્રત્યક્ષ રીતે સત્તા-વાળું (નજર-સમક્ષ-સત્ ની જેમ-સાચું હોય તેમ ) જોવામાં આવે છે,
અને જે સત્ હોય તેનો અભાવ હોય નહિ. અનેક પીડાઓ (દુઃખો) આપનાર આ દૃશ્ય (જગત) નો અભાવ
થવાની વાત અમારા અનુભવમાં આવતી નથી.માટે હે, બ્રહ્મન, મનથી સંસારની ભ્રાંતિ આપનાર અને
દુઃખના સમુહો ને આપનાર આ દ્રશ્ય (જગત) કેવી રીતે શાંત થાય છે?

વશિષ્ઠ બોલ્યા-હે,રામ,આ દૃશ્ય-રૂપી પિશાચ ની શાંતિ માટે આ મંત્ર-રૂપ ઉપદેશ કહું છું તે સાંભળો.
કે જેનાથી તે (દૃશ્ય) પિશાચ મરણતોલ થઈને નાશ પામે છે.

જે પદાર્થ (વસ્તુ) હોય તો તેનો નાશ થઇ શકે નહિ.માટે જો દૃશ્ય -પદાર્થ હોય તો તેનો નાશ સંભવે નહિ.
કદાચ તે અંતર્ધાન થઇ જાય,અને જો તે હ્રદયની અંદર બીજ રૂપે રહે -તો- તે ચિદાકાશમાં
"દૃશ્યતા" પાછી (ફરીથી) ઉત્પન્ન થાય.અને પર્વત-વગેરે જેવા આકારવાળા પ્રપંચ-રૂપ દોષો ઉત્પન્ન કરે.

આમ,દૃશ્ય જો બીજ-રૂપે પણ રહેતું હોય તો-તે દોષ ના લીધે કોઈને પણ મોક્ષ થવાનો સંભવ નથી.
પરંતુ આપણે જીવન-મુક્ત મહર્ષિઓ-દેવર્ષિઓ ને (આંખોથી) પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ.
આ પરથી સિદ્ધ થાય છે કે-દૃશ્ય-એ બીજ-રૂપે પણ રહેતું નથી.
આવી રીતે-દૃશ્ય પદાર્થ -ભલે અંદર કે બહાર હોય,તો પણ તેની સ્થિતિ -કેવળ "નાશ" જ  કરે છે.

હે,રામ, બીજા વાદીઓ (જુદા જુદા વાદ ના વાદીઓ) ને અત્યંત ભયંકર લાગે તેવી,આ એક પ્રતિજ્ઞા હું કરું છું,
તે તમે હવે સાંભળો,કે એ પ્રતિજ્ઞા હવે પછી ઉત્તર-ગ્રંથ થી તમારા હૃદય માં ઉતરશે.

આ આકાશ-વગેરે પંચ-ભૂતો,હું અને તું-વગેરે રૂપ -જગત-શબ્દ- નો જે અર્થ છે,તે કંઈ પણ નથી.
આપણી નજર સમક્ષ જે કંઈ દૃશ્ય જોવામાં આવે છે-તે-સઘળું અજર,અમર અને અવ્યય-"પર-બ્રહ્મ" જ છે.
આ સઘળું દૃશ્ય (પ્રપંચ) -પૂર્ણ અને શાંત એવા પરબ્રહ્મ માં પૂર્ણ રીતે પ્રસરી રહે છે,અને શાંત-પણે રહે છે.
જેમ, આકાશમાં જ ઉદય પામેલું ઘટાકાશ -આકાશ-રૂપ જ છે.
તેમ,બ્રહ્મ માં ઉદય પામેલા :જીવ " એ બ્રહ્મ-રૂપ જ છે.
દૃશ્ય (જગત) દ્રષ્ટા (પરમાત્મા) કે દર્શન -એ કોઈની સત્તા "બ્રહ્મ" થી જુદી નથી.
જે બ્રહ્મ છે તે શૂન્ય નથી,જડ નથી,અને બુદ્ધિમાં પ્રતિબિમ્બિત પણ નથી.માટે તે વ્યાપક એવા શાંત છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Jan 30, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-65


ત્યારે વશિષ્ઠ મુનિએ પોતાનું મધુર ભાષણ બંધ કરીને કહ્યું કે-
હે, મહારાજ આજ તો આટલે સુધી જ સાંભળો,બીજું જે કહેવાનું છે તે હું કાલે પ્રાતઃકાળે કહીશ.
અને સઘળી સભા ઉઠી ને સર્વ પોતપોતાના સ્થાને ગયા.

સૂર્યનારાયણ જાણે અનુક્રમે સર્વ ને પ્રસન્ન કરવા-રૂપ નિયમ ને પાળવા ધરતા હોય તેમ
દેશાંતર માં પ્રકાશ કરવાને ગયા,ચારે બાજુ તારાઓ ના સમૂહ ને ધારણ કરનારી સંધ્યા પ્રગટ થઇ.
પક્ષીઓ પોતાના માળાઓ માં લપાઈ ગયા.
તારાઓ રૂપી હાર-વાળો અને ઉત્તમ શોભાવાળો અસ્તાચળ જાણે પોતાના જેવી જ શોભાવાળા આકાશની  
સાથે મળી ગયો,સંધ્યા દેવી લોકોએ કરેલી પૂજા નો સ્વીકાર કરીને પાછા વળ્યા,અને અંધકારો પ્રગટ થયા.
શીતળ પવન વાવા લાગ્યો.અને પોતાના તેજ-રૂપી દૂધના પ્રવાહથી ભરપૂર કરતો અને અમૃતમય
ચંદ્ર-રૂપી ક્ષીર-સાગર આકાશમાં ફેલાવા લાગ્યો. અને લોકો ઉપદેશ નું મનન કરતાં સૂઈ ગયા.

ધીરે ધીરે રાત્રિ  ગઈ ને ઘણા ઝાકળ વાળો પ્રાતઃકાળ આવ્યો.
આકાશમાં પુષ્પ-વૃષ્ટિ ની પેઠે પ્રકાશતા,તારાઓ જાણે પવનથી ઉડી ગયા હોય તેમ અદૃશ્ય થઇ ગયા.
અને આકાશમાં પોતાના પ્રકાશથી લોકો ના ચક્ષુ ઉઘાડનારા સૂર્યનારાયણ પ્રગટ થયા.

દેવલોકો અને મનુષ્ય લોકો -પ્રાતઃકાળ ની ક્રિયાઓ આટોપીને આગલા દિવસની જેમ જ સભામાં આવ્યા.
અને સઘળી સભા બેઠી.પવન થી મુક્ત થયેલું સરોવર જેમ સ્થિર થઇ જાય તેમ સભા સ્થિર થઇ ગઈ.
ત્યારે રામચંદ્રજી પોતાની મધુર વાણીથી બોલ્યા-કે-
ભગવન,મન,આ સઘળી લોક-રૂપી લતાને વિસ્તારનારુ છે,તો તેનું રૂપ કેવું છે? તે મને સ્પષ્ટ-પણે કહો.

ત્યારે વશિષ્ઠ બોલ્યા કે-હે,રામ,મન,આકાશની પેઠે શૂન્ય છે,અને જડ આકાર-વાળું છે.
તેનું નામ-માત્ર સિવાયનું બીજું કંઈ પણ રૂપ જોવામાં આવતું નથી.
હે,રામ,એ મન નું રૂપ બહાર કે હૃદયમાં ક્યાંય સ્પષ્ટ દેખાય તેવું નથી.તો પણ તે આકશની પેઠે સર્વ સ્થળોમાં
વ્યાપી રહ્યું છે.ક્ષણે ક્ષણે સંકલ્પો કરનારા એ મનમાંથી ઝાંઝવાના જળ જેવું આ જગત ઉત્પન્ન થયું છે.

પ્રત્યક્ષ અને પરોક્ષ -પદાર્થો નું ગ્રહણ કરવા જતાં વચમાં તે પદાર્થો નો જે આકાર સ્ફૂરે છે-
તે આકાર જ લોકો નું મન કહેવાય છે. બાકી મન નું બીજું કંઈ સ્વરૂપ નથી.

જે સંકલ્પ છે તે જ મન છે.જ્યાં જ્યાં સંકલ્પ ઉઠે છે,ત્યાં ત્યાં તેવા જ આકારથી મન જ ગોઠવાય છે.
સંકલ્પ અને મન ને આજ સુધી કોઈએ છૂટાં પાડ્યાં નથી.
પદાર્થો નો પ્રતિભાસ ખરો હોય કે ખોટો હોય,તો પણ તે પ્રતિભાસ મન નું જ  સ્વરૂપ છે.
અને એ મન જ -લિંગ-શરીર-વાળા "બ્રહ્મા" કહેવાય છે તેમ જ સમજો.

એ મન-રૂપી બ્રહ્મા પોતાના માં રહેલા સૂક્ષ્મ જગતને (લાંબા કાળ ના પરિચય ને લીધે)  સ્થૂળ માની લે છે-
એ જ એનું સ્ત્રષ્ટા-પણું (દૃશ્ય (જગત)પદાર્થ નું રચવા-પણું) છે.
એવી રીતે મન ના સર્જેલા -દૃશ્ય (જગત)પદાર્થ નાં પણ-અવિદ્યા,સંસૃતિ,ચિત્ત,મન,બંધ,મળ અને તમ-
એ નામો કહેવાઈ શકે છે-એમ વિદ્વાનો કહે છે. દૃશ્ય-પદાર્થ વિના બીજું કંઈ પણ મન નું પ્રત્યક્ષ રૂપ નથી.
(પરંતુ એ દૃશ્ય પદાર્થ તો ઉત્પન્ન થયો જ નથી-એ વિષે હું પાછળથી કહીશ)


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Jan 29, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-64



જેમ,ખોટો પ્રાતિભાસિક (કલ્પેલો) પિશાચ (ભૂત) ઘણી વખત સ્થૂળ-શરીર ધરેલો દેખાય છે,
તેમ,જગત એ પણ પ્રાતિભાસિક હોવા છતાં સ્થૂળ-શરીર-વાળું દેખાય છે.

જો કે બ્રહ્મા-પણ માયા-વિશિષ્ટ પરમાત્મા (બ્રહ્મ) ના પ્રથમ સંકલ્પ થી જ ઉત્પન્ન થયા છે.
પણ આમ હોવાને લીધે તે "શુદ્ધ-જ્ઞાન-વાળા" છે.અને આપણે જેમ,આપણા પ્રાતિભાસિક રૂપ ને ભૂલી ગયા છીએ,તેમ એ બ્રહ્મા-પોતાના પ્રાતિભાસિક રૂપ ને ભૂલી જતા નથી.
"આ સ્થૂળ દેહ ની "ભ્રાંતિ-રૂપ" ચૂડેલ -એ ઝાંઝવા ના જળ ની પેઠે અસત્ય છે"
આ "કારણ" ને જ્ઞાનથી સમજતા -એ બ્રહ્મા ને -તે ચૂડેલ વળગતી નથી.

આમ,બ્રહ્મા -કે જે પંચ-ભૂતો માંથી બનેલા નથી પણ પરમાત્મા ના "મનોમાત્ર "છે,
તેમ,તેમનાથી ઉત્પન્ન થયેલું જગત પણ "મનો-માત્ર"' જ છે.
એટલે કે જે "પર-બ્રહ્મ" છે તે "મન-પણા" ને પામી ને  "બ્રહ્મા "ને -અને -તે "બ્રહ્મા" જગતને રચે છે.
તેથી જગત એ પણ "પર-બ્રહ્મ" થી અભિન્ન છે.

આપણે જેમ મનથી સંકલ્પ કરી ને તે સંકલ્પ ના જેવું જ નગર (મનમાં) ઉત્પન્ન કરીએ છીએ,
તેમ,પરમાત્મા નું મન પણ વિસ્તારવાળા ખોટા જગતને ઉત્પન્ન કરે છે.
જેમ રજ્જુ (દોરડા) માં સર્પ દેખાય પણ તે સાચો સર્પ નથી,તેમ જગતમાં "ભૂત-મય-પણું" નથી.
આથી બ્રહ્મા અને તેમના જેવા જ્ઞાની પુરુષો -જગતમાં કોઈ પણ રીતે મોહ-રહિત જ રહે છે.

વાસ્તવિક રીતે તો જ્ઞાનની દ્રષ્ટિમાં -પ્રાતિભાસિક "પ્રપંચ" પણ નથી તો પછી,સ્થૂળ પ્રપંચ ક્યાંથી હોય?
જેમ,ચિત્ત (મન) માં રહેલી આ "દૃશ્ય-રૂપી" ચૂડેલ,ભ્રાંતિ થી (ખોટેખોટી) પણ પ્રત્યક્ષ દેખાઈ ને -
તે ચૂડેલ ના જોનારા ને મારી નાખે છે, અને
જેમ બીજમાં રહેલો અંકુર-દેશકાળ (સમય) પ્રાપ્ત થતાં પોતાના દેહ ને બહાર પ્રફુલ્લિત કરે છે,
તેમ,મન ની અંદર રહેલું જગત,"ભ્રાંતિ-રૂપ" કારણ પ્રાપ્ત થતાં પોતાના દેહને બહાર પ્રફુલ્લિત કરે છે.

જો દૃશ્ય (જગત) રૂપી -દુઃખ સાચું હોય તો તે કદી પણ શાંત થાય નહિ -અને જો તે  જગત સાચું જ હોય તો,
અને તે,કદી શાન્ત થાય જ નહિ તો દ્રષ્ટા (પરમાત્મા) ને પાછું પોતાનું "કેવળ-એક-પણું" પ્રાપ્ત થાય નહિ.
પણ દૃશ્ય (જગત) શાંત થાય છે,અને દ્રષ્ટા (પરમાત્મા) ને પણ શાંતિ-પણું મળે છે -તે જ  મોક્ષ છે.

(૪) સાંજ,રાત્રિ અને પ્રભાત નું વર્ણન અને ઉપદેશ નો પ્રારંભ

વાલ્મીકિ બોલ્યા-વશિષ્ઠ આ પ્રમાણે બોલી રહ્યા હતા અને તે સાંભળવા તલ્લીન થયેલા લોકો ત્યાં મૌન
ધારણ કરીને બેઠા હતા.સઘળી રાજસભા જાણે ચિત્રમાં આલેખાયેલી હોય તેમ સ્થિર થઈને બેઠી હતી,
ત્યારે દિવસ માત્ર બે ઘડી બાકી રહ્યો હતો.

તડકો મંદ થઇ ગયો હતો,અને સૂર્ય ના કિરણો અલ્પ થઇ ગયા હતાં.
ત્યાં સાંભળેલા વિષય નું જાણે મનન કરવાની ઈચ્છા હોય તેમ સૂર્યનારાયણ પણ જગતમાં ફરવા ની
ખટપટ છોડી દઈ ને અસ્તાચળના નિર્જન સ્થળમાં ચાલ્યા ગયા હતા.
સઘળાં શ્રોતાઓ ના કંઠ (ડોક) ઉત્કંઠાથી લાંબા થયા હતા તેમ સઘળા પદાર્થો ની છાયા પણ લાંબી થઇ હતી.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Jan 28, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-63



(૩) મનના સંકલ્પ થી થયેલું જગત મિથ્યા છે.

રામ કહે છે કે-પૃથ્વી આદિ પંચભૂતો થી રહિત અને શુદ્ધ જે મન છે તે જ બ્રહ્મા છે -
એમ તમે જે કહી ગયા તે વાત અનુભવમાં આવે છે,
પરંતુ મારાં-તમારાં તથા બીજા પ્રાણીઓનાં શરીરો ની ઉત્પત્તિ માં જેમ વાસનાઓ કારણભૂત છે
તેમ બ્રહ્મા ની ઉત્પત્તિ માં પણ તેમના પૂર્વ-જન્મ ની વાસનાઓ કેમ કારણ-ભૂત ના હોય? તે વિષે મને કહો.

વશિષ્ઠ કહે છે કે-જેને ભોગવવાનાં "પૂર્વ-કર્મ વાળો -પૂર્વદેહ" હોય તેને આ દેહની ઉત્પત્તિ થવામાં -
પૂવદેહ ની વાસનાઓ કારણરૂપ હોય છે .પણ,
બ્રહ્માને તો પૂર્વદેહ જ નહોતો,અને તેને લીધે તેમણે પૂર્વ નું કોઈ જ કર્મ નહોતું.
એટલે,પછી,બ્રહ્મા ને પૂર્વ દેહની વાસનાઓ અને વાસનાઓ ને લીધે દેહ કેમ હોઈ શકે?
આથી,બ્રહ્મા નું શરીર -"સહાય આપનારાં કારણો" વગર જ પ્રકાશે છે.
અથવા-આપણી "કલ્પના-રૂપ કારણ"ને લીધે જ પ્રકાશે છે.
બાકી,યથાર્થ જ્ઞાન-વાળા બ્રહ્મા તો પોતાના કારણ-રૂપ ચિદાકાશ થી ભિન્ન રૂપ નથી જ.
હે,રામ,અજન્મા અને સ્વયંભૂ-એવા એ બ્રહ્મા નો જે દેહ છે તે,લિંગ-દેહ જ છે,ભૂતમય સ્થૂળ દેહ નથી.

રામ કહે છે કે-સર્વ પ્રાણીઓને લિંગદેહ અને સ્થૂળદેહ -એમ બે દેહ છે.
ત્યારે બ્રહ્મા ને એક લિંગ દેહ  જ છે,તો તેનું કારણ શું?

વશિષ્ઠ કહે છે કે-સઘળાં પ્રાણીઓનાં શરીર પંચમહાભૂતો વાળાં છે,તેથી તેમણે બબ્બે દેહ છે પણ ,
બ્રહ્મા પોતે તો સહ-કારી (સહાય આપનારાં) "કારણ" થી રહિત છે.તેથી તેમણે એક લિંગ-દેહ છે.
બ્રહ્મા સઘળાં પ્રાણીઓ ના કારણ-રૂપ છે,પણ બ્રહ્મા નું કોઈ કારણ નથી,તેથી તે એક દેહવાળા છે.

આમ,બ્રહ્મા કે જે ચિદાકાશ-રૂપ,માત્ર ચિત્તરૂપ શરીરવાળા છે અને એ આદ્ય-પ્રજાપતિ થી સઘળી પ્રજા
ઉત્પન્ન થઇ છે,એટલે તે સઘળી પ્રજાઓ પણ ચિદાકાશ-રૂપ જ છે.અને
બ્રહ્મા ના "સંકલ્પ" સિવાય બીજા કોઈ કારણોથી  તે સઘળી પ્રજા ઉત્પન્ન  થતી નથી.

આમ,બ્રહ્મા જેમ "બ્રહ્મ-રૂપ" છે તેમ સઘળી પ્રજા પણ બ્રહ્મ-રૂપ છે.કારણકે-
જે જેમાંથી ઉત્પન્ન થયું હોય છે,તે તે રૂપ જ હોય છે-એવો સઘળાઓ નો  અનુભવ છે.
જેમ,વાયુથી ઉત્પન્ન થતી ચલન-રૂપ સૃષ્ટિ -એ વાયુ થી જુદી નથી,
તેમ,બ્રહ્મા થી ઉત્પન્ન થયેલી આ સૃષ્ટિ પણ બ્રહ્મથી જુદી નથી.તે બ્રહ્મ-રૂપ જ છે.

એ બ્રહ્મા પરમાત્મા ના સંકલ્પ-રૂપ છે.તેથી તે જગતની પેઠે કર્માધીન નથી.આથી તે જન્મતા કે મરતા નથી
સંકલ્પ થી થયેલા "પુરુષ-રૂપ" અને પૃથ્વી-વગેરે પંચ-મહાભૂતો થી રહિત એ બ્રહ્મ કેવળ "ચિત્ત(મન)માત્ર" છે,
અને સઘળાં બ્રહ્માંડો ની ઉત્પત્તિ ના કારણ-રૂપ છે.
જે જે પ્રકારે એ બ્રહ્મા નો સંકલ્પ થાય તે તે પ્રકારે જગત પ્રગટ થતું જાય છે.
એટલે આ જગત એ પ્રાતિભાસિક (સંકલ્પ થી કલ્પેલી) છે,તો પણ તેનું આ રૂપ મનુષ્ય દૃઢપણે ભૂલી જાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Jan 27, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-62



સૃષ્ટિ ના આરંભમાં એ "પર-બ્રહ્મ-રૂપ-આકાશ" માં એ "આકાશજ" બ્રાહ્મણ રહેલો છે.અને એને-
દેહ,કર્મો,કર્તા-પણું,કે વાસના-કંઈ પણ નથી,અને શુદ્ધ ચિદાકાશ-રૂપ,જ્ઞાનઘન,પ્રભારૂપ અને વ્યાપક છે.
તેને પૂર્વ-જન્મ ની વાસનાઓ ની કાંઈ પણ જાળ નથી.
જો એના ચિત્ત ની વૃત્તિ બહિર્મુખ ન હોય તેઓ તે હમણાં જેવો જોવામાં આવે છે,તેવો પણ જોવામાં આવે નહિ.

આથી પર-બ્રહ્મ ના જ્ઞાનથી,વિષયનું મિથ્યા-પણું જાણવામાં આવે તો-પછી,વિષયો ને જાણનારી સર્વ લાગણીઓ,પણ ચૈતન્ય-રૂપ થઇ જાય,એટલે પછી,તેમાં,પંચ-મહાભૂતો નો સંભવ જ ક્યાંથી અને કેવો હોય?
તો,હે મૃત્યુ,તું એ આકાશજ બ્રાહ્મણ ને દબાવવાનો પ્રયત્ન જ કરીશ નહિ,
કારણકે આકાશ કોઈ સમયે અને કોઈથી પણ પકડી શકાતું નથી.

વશિષ્ઠ કહે છે કે-યમ ની આવી વાત સાંભળીને, મૃત્યુ વિસ્મય પામ્યો અને પાછો પોતાના સ્થળે ગયો.
રામ કહે છે કે-આ,તો આપે સ્વયંભૂ,અજન્મા,એકાંતમાં અને વિજ્ઞાન-રૂપ -એવા મારા પ્રપિતામહ,
બ્રહ્માની જ કથા (આકાશજ બ્રાહ્મણ નું ઉદાહરણ આપીને) કહી છે એમ હું ધારું છું.

વશિષ્ઠ કહે છે-કે-હે,રામ,તમે ધારો છો તે સાચું છે.મેં બ્રહ્માની જ વાત કહી છે. બે મનુઓ ના સંધિ-કાળમાં ,
મૃત્યુએ જયારે બ્રહ્મા ને દબાવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે યમરાજા એ -તેને ઉપર મુજબ સમજ આપી હતી.
જે કામ નિત્ય કરવામાં આવતું હોય,તે કામ માં જ રુચિ વધતી જાય છે,એ સ્વાભાવિક છે,
આથી સર્વ ને મારતા મૃત્યુ ને બ્રહ્મા ને મારવાનું પણ મન થયું હતું.
પણ બ્રહ્મા તો પર-બ્રહ્મ-રૂપ છે.મૃત્યુ તેને શી રીતે દબાવી શકે?

બ્રહ્મા નું શરીર કેવળ મનોમાત્ર અને સંકલ્પમાત્ર છે.અને પૃથ્વી આદિ પંચમહાભૂતો થી રહિત છે.
બ્રહ્મા  એ-પર-બ્રહ્મ ચિદાકાશ ના -"ચમત્કાર-રૂપ" છે.અને અનુભવ-રૂપી આકારવાળા છે-તેથી તે પરબ્રહ્મ જ છે.અને તેમને (બ્રહ્માને) કારણ-પણું કે કાર્ય-પણું કાંઈ જ નથી.

જેમ સંકલ્પ થી ઉત્પન્ન થયેલા પુરુષને પૃથ્વી આદિ પંચભૂતો નો સંબંધ હોતો નથી, અને,તે,
જેમ આકાશ માં સ્ફુર્યા કરે છે,તેમ,બ્રહ્મા પણ પર-બ્રહ્મ માં સ્ફુર્યા કરે છે.
જેમ,સ્વપ્નમાં તથા સંકલ્પમાં -પંચ મહાભૂતો સાથે સંબંધ થયા વિના -નગર-વગેરે દેખાય છે,
તેમ,બ્રહ્મા પણ પંચમહાભૂત થી રહિત હોવા છતાં દેખાય છે.

પરમાત્મા માં દૃશ્ય કે દ્રષ્ટા કાંઈ નથી,કેવળ ચૈતન્ય-પણું જ છે,તો પણ,તેમાં બ્રહ્મા પ્રતીત થાય છે.
મન નું તે રૂપ સંકલ્પ માત્ર જ છે,તે પંચમહાભૂતો સાથે જોડાયેલું નથી,અને તે મન જ  બ્રહ્મા કહેવાય છે.
માટે બ્રહ્મા પરમાત્મા ના સંકલ્પ-રૂપ પુરુષ છે.અને તેમાં પૃથ્વી-આદિ પંચમહાભૂત નથી.
જેમ,ચિત્ર ચિતરવાનો પ્રારંભ કરતાં પહેલાં ચિતારા ના મનમાં દેહ વિનાનું પુતળું ખડું થાય છે,
તેમ,પરમાત્મા ના નિર્મળ મનમાં બ્રહ્મા ભાસે છે.

જે પરમાત્મા ચિદાકાશ રૂપ છે,કેવળ છે,અને આદિ,મધ્ય અને અંત થી રહિત છે,
તે જ પરમાત્મા (બ્રહ્મ) અજ્ઞાન ને લીધે જાણે આકારવાળા પુરુષ (બ્રહ્મા) જેવા જોવામાં આવે છે,
વાસ્તવિક રીતે વિચારતાં,તો જેમ વાંઝણી ને પુત્ર હોઈ શકે નહિ,તેમ,પરમાત્મા ને દેહ નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Jan 26, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-61



ત્યારે યમરાજ બોલ્યા-કે-હે,મૃત્યુ,તું કોઈને પણ પોતાના બળથી (બળાત્કારે) મારવા સમર્થ નથી.
પ્રાણીઓ ને તો તેમનાં કર્મો જ મારે છે.બીજું કોઈ તેમને મારી શકતું નથી.
માટે જો તું તે બ્રાહ્મણને મારી નાખવા ધરતો હોય તો,પ્રયત્ન કરીને તેનાં કર્મો ને શોધી કાઢ,એટલે,
તે કર્મો ની સહાયતાથી તું તેને મારીને -ખાઈ શકીશ,

વશિષ્ઠ કહે છે કે-ત્યાર પછી તે "મૃત્યુ" એ બધે જ તે બ્રાહ્મણ ના કર્મો ની શોધ કરી પણ તેં કોઈ પત્તો મળ્યો નહિ,
એટલે તે ફરી પાછો યમરાજ પાસે આવી ને -તે બ્રાહ્મણ ના કર્મો ને ક્યાં ખોળવા? તેના વિષે પૂછવા લાગ્યો.
યમરાજ કહે છે કે-હે,મૃત્યુ,એ આકાશજ બ્રાહ્મણ નાં કોઈ કર્મો નથી,કારણકે -
એ બ્રાહ્મણ કેવળ-"આકાશ" થી ઉત્પન્ન થયો છે.
અને જે આકાશથી જ ઉત્પન્ન થયો હોય તે  નિર્મળ આકાશ જેવો જ હોય છે.

જેમ,જેનો જન્મ ન થયો હોય એણે પૂર્વ-કર્મ નો જરા પણ સંબંધ નથી,
તેમ,એ આકાશજ બ્રાહ્મણ ને પ્રાચીન કર્મો નો જરા પણ સંબંધ નથી.
અવિદ્યા (માયા) વગેરે કારણો નહિ હોવાને લીધે,એ બ્રાહ્મણ "આકાશ-રૂપ" જ  (આકાશજ) છે.
જેમ,આકાશમાં મોટું ઝાડ હોવું અસંભવિત છે,તેમ તે બ્રાહ્મણ નાં પૂર્વ-કર્મો છે જ નહિ.
અને આ રીતે તેનાં પૂર્વ-કર્મો નહિ હોવાને લીધે તેનું મન પરવશ નથી,એટલે,
આજ સુધી પોતાને ભોગવવા પડે એવું કોઈ પૂર્વ-કર્મ તેણે કર્યું નથી.

આ પ્રમાણે,આકાશના ઘર-રૂપ એ બ્રાહ્મણ (આકાશજ) સ્વચ્છ આકાશ-રૂપી પોતાના "કારણ" માં જ રહેલો છે,
માટે તે નિત્ય છે.આથી જગતમાં તે ચિદાકાશ-રૂપ જ છે.
છતાં પણ તેના "પ્રાણ ના ચલન-રૂપી" જે કર્મ જોવામાં આવે છે, તે માત્ર આપણા જેવા લોકોના જ જોવામાં
આવે છે,પણ તે બ્રાહ્મણ તે કર્મ ને "તે કર્મ ને તે સાચું છે"  એમ જાણતો નથી.

જેમ જળમાં "દ્રવ્ય-પણું" રહ્યું છે અને આકાશમાં "શૂન્ય-પણું" રહેલું છે,તેમ પરમ-પદ માં તે બ્રાહ્મણ રહેલો છે,
તેનાં કોઈ પૂર્વનાં-કે હમણાંનાં કર્મો નથી એટલે તે સંસાર ને વશ થયો નથી. તો તેને કેવી રીતે દબાવી શકાય?
જે જીવ ને "હું દેહ-રૂપ છું" એવો નિશ્ચય થઇ જાય તે દેહ-રૂપ થઇ જાય છે -તેને જ  તરત પકડી શકાય છે,
માટે એ બ્રાહ્મણ  જો "હું દેહ-રૂપ છું" એવી મરણ-રૂપ કલપના કરશે તો જ  તારાથી તેને પકડી શકાશે.
પણ તે બ્રાહ્મણ ને હજુ દેહાભિમાન થયું નથી,તેથી તે દેહ-રહિત છે.
માટે જેમ,ભલે મજબૂત દોરી હોય પણ તેનાથી આકાશને બાંધી શકાતું નથી,
તેમ તારાથી તે બ્રાહ્મણ ને બાંધી શકાશે નહિ.

મૃત્યુ બોલ્યો-હે,ભગવન, આ બ્રાહ્મણ,એ શૂન્ય આકાશમાંથી શી રીતે ઉત્પન્ન થયો? એ તમે કહો.
વળી પંચ-મહાભૂત-મય દેહનો સંબંધ કેવી રીતે થાય છે અને કેવી રીતે થતો નથી તે મને કહો.

યમ કહે છે કે-એ બ્રાહ્મણ કેવળ વિજ્ઞાન ના પ્રકાશ-રૂપ છે,માટે એ કદી જન્મ્યો નથી,
અને કદી પણ "નથી હોતો' તેમ પણ નથી.......એ તો સદા નિર્વિકાર-સ્વ-રૂપે રહેલો છે.
જયારે મહા-પ્રલય થાય છે,ત્યારે બીજું કંઈ પણ અવશેષ રહેતું નથી,પણ માત્ર -
શાંત,અજર,અમર,અનંત,કેવળ,સૂક્ષ્મ,ઉપાધિરહિત,સર્વોત્તમ અને અનાત્મ-પદાર્થો થી રહિત -
એ પર-બ્રહ્મ જ શેષ રહે છે.
જયારે સૃષ્ટિ નો આરંભ થાય છે,ત્યારે એ બ્રહ્મ નો સ્વભાવ "જ્ઞાન-માત્ર" હોવાથી -
તેમાં "પર્વત ના જેવું" અને "હું દેહ છું" એમ કહેવાના પાત્ર-રૂપ એવું "વિરાટ-સ્વરૂપ"
આપણી "વાસના-રૂપ-હેતુ થી"
"કાક-તાલીય-ન્યાય" (કાગનું બેસવું-તાડનું પડવું) વડે સ્ફૂરી નીકળે છે.

અને તે જ વખતે, સ્વપ્ન-ના "શરીર" જેવો "મિથ્યા" આકાર -અકસ્માત જ જોવામાં આવે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE