Feb 17, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-83


(૬) ---તે પછી "અહંકાર" ના "એક-દેશ-સમાન" અને "ચલન-શક્તિ" વાળો "વાયુ" ઉદય પામે છે.
"અહંકાર વાળી -એ જ બ્રહ્મ-સત્તા " એ-"આકાશ ની તન્માત્રા-રૂપ શબ્દ" ની ભાવનાને લીધે-
આકાશ કરતાં કંઈ ઘાટી થાય છે અને "શબ્દ-રૂપે" પ્રતીત થાય છે. અને
એ "શબ્દ" એ ભવિષ્ય ના પદાર્થો (વેદ) નો "વાચક" થાય છે.
કે જે "શબ્દ-સમૂહ" ના વૃક્ષના બીજ-રૂપ છે, અને "વેદ-રૂપે" પ્રકાશ પામે છે.અને
તે વેદનાં "પદો-વાક્યો-પ્રમાણો" એ નામથી ઓળખાય છે.

આ રીતે-"વેદ-રૂપ-પણા" ને પામેલા "બ્રહ્મ-તત્વ" માં થી સઘળું જગત ઉત્પન્ન થાય છે.
જે જે શબ્દો નો ઉદય થાય-તે તે શબ્દો ના વાચ્ય (વાંચન-પ્રમાણે) પદાર્થો-રૂપે -
એ જ (પદાર્થ-રૂપી) તત્વ પ્રતીત થાય છે.

(૭)---એક જાતના વાયુ-રૂપ "પ્રાણ" (પ્રાણ-વાયુ) ને ધારણ કરવાથી -
એ "બ્રહ્મ-સતા" (પરમ-સત્તા) "જીવ" કહેવાય છે.અને-
--ભવિષ્યમાં અનેક-રૂપ-વાળા જુદાજુદા "દેહો" ના લાભ થી-
"જીવ" ના વ્યષ્ટિપણાથી-જીવના અનેક "સમુહો" પેદા થાય છે. અને તે-
--ભવિષ્યમાં "ચૌદ-બ્રહ્માંડો" રહે છે,એટલે તેમના (તે જીવોના) ચૌદ પ્રકારો  છે.

આ રીતે "પ્રાણ-વાયુ" સાથે સંબંધ ધરાવનારા એ (ચૌદ-પ્રકારના) "જીવો" -એ-
"ચૈતન્ય" માંથી (નીકળી) "બ્રહ્માંડો-રૂપી" ખાડાઓ માં પડે છે.

(૮)---જેમાં પ્રથમ "નામ-કે-ગતિ" એવું કંઈ જ હોતું નથી-
એવું એક "ચૈતન્ય"  તરત જ "પ્રકાશ" પામીને--ક્ષણમાં -ભાવનાથી-"સ્પર્શ-રૂપ" થાય છે.અને
આ "સ્પર્શો ના સમૂહ-રૂપી-વૃક્ષ" ના "બીજ-રૂપ" એ "ચૈતન્ય" પવનો (આવહ-પ્રવહ-વગેરે) રૂપ થાય છે.
અને આ "પવનો-રૂપ" બનેલા "ચૈતન્ય" માંથી -
સર્વ પ્રાણીઓ (જીવો)  ની "ક્રિયા-રૂપ-ગતિ" (કર્મો) ચારે તરફ વિસ્તાર પામે છે.

(૯)--- એ જ "ચૈતન્ય" માં "પ્રકાશ" ની ભાવનાને લીધે-"પ્રકાશ" (તેજ) નો અનુભવ થાય છે.
અને તે "તેજ" માં ભવિષ્યના "રૂપ" અને "સમષ્ટિ-ભૂત-રૂપ" નો અનુભવ થાય છે.
"રૂપ" માંથી જ-"સૂર્ય-અગ્નિ" -વગેરે "વ્યષ્ટિ (વિશાળ)-રૂપો"  (તેજ) ઉત્પન્ન થાય છે.
અને આ જુદાજુદા "વ્યષ્ટિ-રૂપો" ના ભેદ થી સંસાર ફેલાય છે.

(૧૦)---એ જ "ચૈતન્ય" પોતે "હું જળ ના રસ ના સમુદાય-રૂપ છું"
એવી ભાવના ને લીધે "રસ-રૂપ" થઇ જાય છે.
રસ-ના સમુદાય-રૂપ અમુક પદાર્થ નો સ્વાદ લેતાં જે પ્રતીતિ થાય છે-તેનું નામ-"રસ-તન્માત્રા"
પરસ્પર સ્વાદો ની વૃદ્ધિ થતા સંસાર આગળ વિસ્તરે છે.
(૧૧)---એ જ "ચૈતન્ય" પોતે જયારે "હું પૃથ્વી છું" એવો સંકલ્પ કરે છે-ત્યારે
એવી ભાવનાને લીધે-તે ભવિષ્ય ના "પૃથ્વી"  ના વિભાગો ને યોગ્ય થઈ જાય છે.
અને સંકલ્પ ને લીધે જ તે પોતાના માં "ગંધ-પણા" ને જુએ છે.
"ભવિષ્ય ના ભૂગોળ-પણા" માટે "પ્રાણીઓ ની આકૃતિ"ઓ નું તે બીજ છે.

અને સર્વના આધાર એ -"પૃથ્વી-રૂપી" ચૈતન્યમાંથી ભવિષ્યમાં "સંસાર" વિસ્તાર પામે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Feb 16, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-82



(૧૨) અધ્યારોપ (આરોપણ) અને અપવાદ

વશિષ્ઠ કહે છે કે-
એ શાંત અને અત્યંત પવિત્ર "પદ" માંથી આ "જગત" જે પ્રકારે ઉત્પન્ન થયું છે-તે તમે સાંભળો.
જેમ પ્રત્યેક જીવનું -પોતાનું શાંત-સ્વ-રૂપ જ  "સ્વપ્ન"ની પેઠે વિવર્ત પામે છે.
તેમ,સઘળા જીવો નું એકઠું -શાંત-સ્વ-રૂપ (પર-બ્રહ્મ) જ "સૃષ્ટિ" ની પેઠે વિવર્ત પામે છે.
( વિવર્ત =મૂળ વસ્તુ માં ફેરફાર ન થતાં તેમાં બીજા નું ભાન થવું)

એ "સર્વ-સ્વ-રૂપ" એવા "પર-બ્રહ્મ" નો "જગત-રૂપે"  વિવર્ત થવા નો જે "ક્રમ" છે તે તમે સાંભળો.

આ સઘળું દૃશ્ય-જગત -એ-સર્વદા અને સ્વાભાવિક રીતે-
તે "અનંત-પ્રકાશ-રૂપ અને ચૈતન્યમણિ" ની સત્તા-રૂપ જ છે.
અને તે  જગત એ પોતાના "સ્વ-રૂપ" માં જ કંઈક "દૃશ્ય-પણા" ને પામે છે.

"અહંકાર ના અધ્યાસ વગરનું" અને "આકાશ કરતાં પણ સૂક્ષ્મતા વાળું "  એ "શુદ્ધ પરમ-તત્વ" (બ્રહ્મ)
એ ભવિષ્યમાં થનારાં નામ-રૂપોનાં અનુસંધાનો થી,
(૧) ---"પ્રથમ"કંઈક "કલ્પના-વાળું" થાય છે,શાસ્ત્રો એ "કલ્પના" ને "ઇક્ષણ" કહે છે.

"ઇક્ષણ-વાળી"  (કલ્પના વાળી) એ "પરમ-સત્તા"  એ પોતાની "ઇક્ષણ-રૂપ-વૃત્તિ" માં પ્રગટ થયેલ
(૨) ---"ચૈતન્ય" ને લીધે "વાણીના વ્યવહાર ની કંઈક યોગ્યતા મેળવે છે" (બોલી શકે તેવી કે નાદ??)
અને-તેથી તે-"ઈશ્વર" એવું યોગ્ય નામ ધારણ કરે છે.

પછી ઘણા કાળની (સમય ની) "ભાવના" થી "ઇક્ષણ-વૃત્તિ" દૃઢ થાય છે. એટલે-
એ જ મૂળ  "પરમ-સત્તા" (બ્રહ્મ) એ "સૂક્ષ્મ-પ્રપંચ-પણા" પકડે છે -અને-
પોતાના "પર-બ્રહ્મ-પણા" ને વિસ્મરણ થી છોડી દે છે (ભૂલી જાય છે) -અને આમ,
(૩) ---ત્યારે તે "પરમ-સત્તા" ભવિષ્યમાં "જીવ અને હિરણ્યગર્ભ" નામ વાળી થાય છે.

આ રીતે "પરમ-સત્તા" (કે બ્રહ્મ-સત્તા) જ -આ પ્રમાણે ની ભાવનાઓ ને લીધે-
"સંસાર" (જગત) ની સ્થિતિ" માં તત્પર થાય છે. આ "પરમ-સત્તા" નો સ્વભાવ જ આવો હોવાથી-
જેમ,રજ્જુમાં સર્પ-ભાવ ઉત્પન્ન થાય છે,
તેમ,તે "પરમ-સત્તા" માં "જીવ-હિરણ્યગર્ભ" નો "ભાવ"  ઉત્પન્ન થાય છે.

હવે એ "પરમ-સત્તા" માં જેવો "જીવ" ભાવ ઉત્પન્ન થાય છે-
(૪) ---એટલે તરત જ -"શૂન્ય-રૂપ" "આકાશ-પણું" ઉદય પામે છે.
એ આકાશ-એ "શબ્દ" વગેરે "તન્માત્રાઓ" ના બીજ-રૂપ છે-અને ભવિષ્યના નામોને પ્રકાશ કરનાર છે
(૫) ---તે પછી કાળ (સમય) ની સત્તા ની સાથે "અહંકાર" નો ઉદય થાય છે.
અને તે ભવિષ્યમાં થવાની "જગત ની સ્થિતિ" ના "બીજ-રૂપ" છે.

આ રીતે-"પર-બ્રહ્મ" થી જ -જરા પણ વિકાર પામ્યા વગર-આ "મિથ્યા-જગત-રૂપી જાળ" ઉદય પામે છે.
અને તે "પ્રકાશવાથી" (સ્ફૂરણથી)જાણે-કે-જુદી-જુદી સત્તા-વાળી હોય એમ દેખાય છે.
"અહંકાર" ના ઉદય ને અનુસરી ને ભાસનાર એ "બ્રહ્મ-તત્વ"  તે -

"સંકલ્પાત્મક-જગત-રૂપી વૃક્ષ" ના "બીજ-રૂપ" છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Feb 15, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-81


"અજ્ઞાન"  જ જગત-રૂપે પરિણામ પામ્યું  છે.એમ કહેવામાં આવે છે.તો,પણ,
અજ્ઞાન નું પરિણામ એ સંભવિત (જ્ઞાન)નું વિવર્ત (મૂળ વસ્તુ માં ફેરફાર ન થતાં તેમાં બીજા નું ભાન થવું)
જ છે,અને સ્વપ્ન માં જે જગત જોવામાં આવે છે તે-સંભવિત નું વિવર્ત જ છે,એ વાત જગ-પ્રસિદ્ધ છે.

એટલે કે સ્વપ્ન માં જે ભ્રમ-રૂપી જગત જોવામાં આવે છે તે-સંભવિત (જ્ઞાન-સત્ય) નો જ દેખાવ છે,
તેમ સૃષ્ટિ ના આરંભમાં જે જગત જોવામાં આવે છે-તે બ્રહ્મ નો જ દેખાવ છે.
આ જે કંઈ જગત જોવામાં આવે છે-તે સર્વદા બ્રહ્મ-રૂપ જ છે-
જગતનો કોઈ પણ સમયે અને કંઈ પણ-પ્રલય થયો નથી કે ઉદય પણ થયો નથી.
જેવી રીતે,સ્વપ્ન ને જોનારા પુરુષ નું જે "જ્ઞાન" છે તે જ સ્વપ્ન ના નગર જેવું દેખાય છે,
તેવી રીતે,પરમાત્મા જ પોતાના સ્વરૂપ માં જગતની પેઠે પ્રતીત થાય છે.

શ્રીરામ પૂછે છે કે-હે,બ્રહ્મન, દૃશ્ય-રૂપી ઝેર (જગત) એ સ્વપ્ન ના અનુભવ ની પેઠે-અસત્ હોય તો-
તે અત્યંત દૃઢ રીતે કેમ પ્રતીત થાય છે? સ્વપ્ન નો પદાર્થ તો દૃઢ-રૂપે પ્રતીત થતો નથી.
જ્યાં સુધી દૃશ્ય (જગત) ની સ્થિતિ હશે ત્યાં સુધી દ્રષ્ટા નું વારણ થવાનું નથી,અને
જ્યાં સુધી દ્રષ્ટાની(બ્રહ્મની)  સ્થિતિ હશે,ત્યાં સુધી દૃશ્ય નું વારણ થવાનું નથી.
તેમજ એમાંનું એક હશે ત્યાં સુધી બંને બંધ રહેશે,અને એમાંથી એક નો ક્ષય થશે ત્યારે બંનેનો મોક્ષ થશે.

પણ જ્યાં સુધી દૃશ્ય નો -અત્યંત બાધ-રૂપ-ક્ષય સમજાયો નથી ત્યાં સુધી-
દ્રષ્ટા અને દૃશ્યનો સંબંધ ટળવાનો નથી.
એટલે-જ્યાં સુધી એ સંબંધ ટળ્યો નથી ત્યાં સુધી મોક્ષ ની આશા રાખવી વ્યર્થ છે.
જો પ્રથમ દૃશ્ય પદાર્થ હોય અને પછીથી તેનો ક્ષય થતો હોય,તો-તેના
"સંસ્કાર-રૂપ" રહેલા "દૃશ્ય" ની ઉત્પત્તિ નું બંધન પણ શાંત થતું નથી,
કારણકે ચૈતન્ય-રૂપી અરીસા ઓ જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં તેમાં દૃશ્યનું "સ્મરણ-રૂપ" પ્રતિબિંબ
પડ્યા વગર રહેતું નથી.

પણ,જો દૃશ્ય ઉત્પન્ન જ થયું ન હોય અને અસ્તિત્વ વિનાનું જ હોય -તો દ્રષ્ટા -એ -દૃશ્યમાંથી મુક્ત થઇ શકે છે. માટે મારા મનમાં મુક્તિના અસંભવ ની જે શંકા છે તેને તમે યુક્તિઓ થી દૂર કરો.અને
જ્યાં સુધી દૃશ્ય ના અત્યંત અસંભવ ને બરાબર સમજુ નહિ,ત્યાં સુધી તમે વિસ્તારથી કહ્યા કરો.

વશિષ્ઠ કહે છે કે-હે,રામ,જગત (દૃશ્ય) જે દૃઢ રીતે પ્રતીત થાય છે,છતાં તે મિથ્યા જ છે.
અને એ વિષે હવે હું લાંબી આખ્યાયિકઓથી કહું છું તે તમે સાંભળો.
જ્યાં સુધી તમારા હૃદયમાં "દૃશ્ય-એ અસંભવ છે" એમ નહિ સમજાય ત્યાં સુધી,હું પૂર્વના
મહાત્માઓ ની કથાઓ ના વાક્યોથી તમને સમજાવ્યા કરીશ.
અને જયારે તમે "તત્વ" માં વિશ્રાંતિ પામી ને-વ્યવહાર કર્યા કરશો-ત્યારે મન ની વૃત્તિઓ તમને
વીંધી શકશે નહિ. એ આત્મા એ એક અને અદ્વિતીય જ છે,તેમાં બીજી કોઈ કલ્પના છે જ નહિ,
તે છતાં એ આત્મામાં જે રીતે જગત ઉત્પન્ન થયું છે તે-રીત -હું તમને કહી સંભળાવીશ.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Feb 14, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-80



(૧૧) જગતની સત્તા અધિષ્ઠાન ની સત્તા થી જુદી નથી.

શ્રીરામ પૂછે  છે કે-હે,બ્રહ્મન,આવા રૂપ થી પ્રકાશતું આ દૃશ્ય-રૂપ જગત,મહાપ્રલય ના સમયમાં
બ્રહ્મની અંદર રહેતું નથી તો તે ક્યાં રહે છે? તે તમે મને કહો.

વશિષ્ઠ કહે છે -કે-વાંઝણી નો દીકરો ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે?
તથા આકાશનું વન ક્યાંથી આવે છે ને ક્યાં રહે છે? તે તમે મને કહો.

રામ કહે છે-વાંઝણી નો દીકરો ને આકાશ નું વન છે જ નહિ,અને થવાનાં પણ નથી.તેઓ પ્રત્યક્ષ નથી,
અને પ્રત્યક્ષ નહિ હોવાને કારણે,તેમનો પ્રલય થવાનું પણ કહી શકાય તેમ નથી,
માટે  જગતને તેમની ઉપમા આપો છે-તે કેમ સંભવે?

વશિષ્ઠ કહે છે-જેમ વાંઝણી નો દીકરો અને આકાશ નું વન એ કદી પણ નથી,એની પેઠે જગત-આદિ-
દૃશ્ય પણ કદી નથી.જગત ઉત્પન્ન થયું નથી અને તે નાશને પામનાર નથી.
જે વસ્તુ પ્રથમ છે જ નહિ,તેની ઉત્પત્તિ કેવી?અને ઉત્પત્તિ ના હોય તો નાશ ની તો વાત જ ક્યાંથી હોય?

રામ પૂછે છે-જેની ઉત્પત્તિ અને સ્થિતિ પ્રત્યક્ષ છે એવા જગત ને -વાંઝણી ના પુત્ર વગેરે કે જે અત્યંત
અસત્ પદાર્થ છે તેની ઉપમા આપવી ઘટતી નથી,પણ જો તેમને  બીજા કોઈ પદાર્થ કે જેમનાં -
ઉત્પત્તિ અને નાશપ્રત્યક્ષ છે -તેમની ઉપમા આપવી શું અયોગ્ય કહેવાય?

વશિષ્ઠ કહે છે કે-જેને ઉપમા આપવાની હોય છે તેને -તેનાથી ભિન્ન પદાર્થ ની  ઉપમા આપવી જોઈએ.
"આકાશ એ આકાશ જેવું છે" કહીએ તો તે અનન્વયાલંકાર નું ઉદાહરણ થઇ જાય.
એટલે અહીં અસત્ જગતને -અસત્ પદાર્થ ની ઉપમા આપી છે.
"આ જગત તો પ્રત્યક્ષ દેખાય છે- તો તે અસત્ કેવી રીતે સંભવે?" એવી શંકા રાખશો નહિ.
કારણકે કેટલાએક પદાર્થો અસત્ છતાં પ્રત્યક્ષ થાય છે.
જેમ સુવર્ણ ના કડામાં કડા-પણું પ્રત્યક્ષ દેખાય છે-પણ તે અસત્ છે.
તેમ,બ્રહ્મ માં જગત-પણું પ્રત્યક્ષ દેખાય છે-પણ તે અત્યંત અસત્ છે.

જેમ, કાજળમાં કાળા-પણું પ્રત્યક્ષ દેખાય છે,પણ તે કાજળ થી જુદું નથી,
જેમ,હિમ (બરફ) માં શીત-પણું પ્રત્યક્ષ જણાય છે પણ તે હિમ થી જુદું નથી, અને
જેમ,ચંદ્રમા શીતળ-પણું પ્રત્યક્ષ જણાય છે પણ તે ચંદ્ર થી જુદું નથી.
તેમ,બ્રહ્મ માં જગત-પણું પ્રત્યક્ષ દેખાય છે પણ તે બ્રહ્મ થી જુદું નથી.

આ પ્રમાણે જે પ્રથમ થી થયું જ નથી,તે વર્તમાન કાળમાં પણ હોતું નથી,તો પછી,
તેનો નાશ થવાની વાત જ કેવી રીતે બને? જો કે-બ્રહ્મ જગતનું કારણ કહેવાય છે,તો પણ,
જેમ, તડકો એ છાયા નું કારણ હોય એ અસંભવિત છે
તેમ, ચૈતન્ય-રૂપ "બ્રહ્મ" એ જડ-રૂપ પ્રુથ્વી નું કારણ હોય-એ અસંભવિત છે.
માટે જગત મુદ્દલ થયું જ નથી એમ સમજવું.
આમ,જગત-રૂપ "કાર્ય" કંઈ ઉત્પન્ન થયું જ નથી,

પણ જે બ્રહ્મ છે,તે જ જગત-રૂપ ભાસે છે.એમ માનવું તે યોગ્ય જ છે.



   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Feb 13, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-79



વશિષ્ઠ બોલ્યા-મહાપ્રલય થતાં સઘળાં કારણો ના "કારણ-રૂપ"જે "પર-બ્રહ્મ" બાકી રહે છે -
તેનું રૂપ હું તમને કહું છું તે તમે સાંભળો.

--સમાધિ માં "વૃત્તિઓ નો ક્ષય" થાય છે,ત્યારે "મન" ના રૂપ નો પણ નાશ કરીને-
"જેનું કોઈ રીતે નિરૂપણ  ના થઇ શકે" તેવું- સદ-રૂપ રહે છે તે -પર-બ્રહ્મ નું રૂપ છે.
--સમાધિ માં "દ્રશ્ય-રૂપ" જગત રહેતું નથી,તેથી દ્રષ્ટા (જીવ) નો અભાવ થવાથી,
જે એક-રૂપ જેવું "સાક્ષી-રૂપ" પ્રતીત થાય છે તે -પર-બ્રહ્મ નું રૂપ છે.
--જે બ્રહ્મ વિષે તે ભવિષ્યમાં જીવ નું સ્વરૂપ લે છે તેમ માનવામાં આવે છે, તે બ્રહ્મ, દૃશ્ય (જગત)માં
મળેલું નથી અને તેનું ચિન્માત્ર,નિર્મળ અને શાંત-એવું જે રૂપ છે -તે પર-બ્રહ્મ નું રૂપ છે.

--શરીર ને પવન-વગેરે લાગવા છતાં,પણ તેના (પવનના) સ્પર્શ -વગેરે નો અનુભવ ના થતાં,
જે રૂપ સમાધિ માં જીવતા યોગીઓ જુએ છે તે પર-બ્રહ્મ નું રૂપ છે.
--સ્વપ્ન વિનાની,કોઈ પીડાથી (માંકડ -વગેરે કરડવાથી) નહિ તૂટતી અને અંદર પ્રકાશ વાળી-
જે "સુષુપ્તિ-અવસ્થા" છે-તે ઘણીવાર સુધી રહે છે ત્યારે તેનું જે "ચૈતન્ય-રૂપ" છે-તે-પર-બ્રહ્મ નું રૂપ છે.
--આકાશના અવકાશ જેવું,શિલા ના એક-રસ-પણા જેવું અને પવનના પૂર્ણ-પણા જેવું -
ચિદ્રુપ પરમાત્મા નું જે રૂપ છે-તે પર-બ્રહ્મ નું  રૂપ છે.

--જીવતા હોવા છતાં-દૃશ્ય નો અને મનનો ત્યાગ કરી દેતાં-
સ્વ-રૂપ ની જે -શાંત અને પર-"સ્થિતિ" રહે છે -તે પરમાત્મા નું સ્વ-રૂપ છે.
--આનંદમય કોશ ની અંદર,સૂર્ય ની અંદર,આકાશની અંદર,અને વૃત્તિઓની અંદર-
જે એક "પ્રકાશ" સ્ફૂરે છે તે -પરમાત્મા નું સ્વ-રૂપ છે.
--બુદ્ધિ ની વૃત્તિ ના,પદાર્થોના સ્ફૂરણ ના,તથા અજ્ઞાન ના સાક્ષી-રૂપ અને-
આદિ-અંત-વગરનું જે જ્ઞાન છે-તે પરમાત્મા નું સ્વ-રૂપ છે.
--આ જગત કદી ઉત્પન્ન થયું જ નથી,પણ જેનાથી તે ઉત્પન્ન થયા જેવું જણાય છે,અને
જેનાથી અભિન્ન હોવા છતાં પણ તે ભિન્ન જેવું જણાય છે-તે પરમાત્મા નું સ્વ-રૂપ છે.

--જ્ઞાની પુરુષ,એ વ્યવહારમાં લાગ્યા છતાં પાષાણના જેવી અવિચળ સ્થિતિ માં રહે છે તથા
જે અખંડિત છતાં જગત ને અવકાશ આપે છે-તે પરમાત્મા નું સ્વ-રૂપ છે.
--પ્રમાતા(ચિદાભાસ) પ્રમાણ (ઇન્દ્રિયો ની વૃત્તિ) અને પ્રમેય (વિષયો)  એ ત્રણે જેમાં ઉદય પામે છે,
અને જેમાં અસ્ત પામે છે તે-પરમ દુર્લભ-એવું-પરમાત્મા નું સ્વ-રૂપ છે.
--બુદ્ધિ વગેરે થી રહિત-એવા જે મોટા અરીસામાં પ્રમાતા-પણું,પ્રમાણ-પણું અને પ્રમેય-પણું,
પ્રતિબિમ્બિત થયેલું છે તે પરમાત્મા નું સ્વરૂપ છે.

--જાગ્રતથી,સ્વપ્નથી તથા સુષુપ્તિથી રહિત-એવું જે મહા-ચૈતન્ય નું સ્વ-રૂપ છે,અને,
સ્થાવર-જંગમમાં જે પ્રતીત થાય છે તે -પરમાત્મા નું સ્વ-રૂપ છે. (અને તે જ પ્રલય માં અવશેષ રહે છે.)
--સ્થાવર નું રૂપ કે જે મનથી,બુદ્ધિથી રહિત છે-તે
જો જ્ઞાન-મય હોય તો તેને પરમાત્મા ના રૂપ ની ઉપમા આપી શકાય.

બ્રહ્મા-વિષ્ણુ-મહેશ-સૂર્ય-ઇન્દ્ર-વગેરે નો નાશ થતાં-
સુખ-રૂપ સઘળી  ઉપાધિઓ નો નાશ થવાથી-
ભેદ-રહિત,ચૈતન્ય-માત્ર,અને જેમાં જગત નો સંગ રહેતો નથી-
એવું એક "પરમ-સ્વ-રૂપ" (પરમાત્મા-પર બ્રહ્મ) માત્ર  પ્રલય-કાળ માં શેષ રહે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE