Feb 21, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-87


આ પ્રમાણે-પોતાના અણુ-રૂપમાં ખોટી-પણ -સાચી લાગતી,વૃદ્ધિ -ની ભાવના કરવાથી-
એ "બ્રહ્મ" જ -એ "જીવ" શબ્દ ને યોગ્ય થઇ જાય છે.

અને એ રીતે કલ્પનાઓ થી "આકુળપણા" ને પામેલો,લિંગ-દેહના અભિમાન વાળો,અને
જેનો "લિંગ-દેહ" જ "સ્થૂળ-શરીરરૂપ" થાય છે-એવો "જીવ"
પોતાની "કલ્પના" ની અંદર જ-આ "સાકાર બ્રહ્માંડ"  ને દેખે છે.

એ બ્રહ્માંડ માં કોઈ જીવ પોતાને "જળમાં રહેલો" દેખે છે તો કોઈ જીવ પોતાને રાજા તરીકે દેખે છે,
તો કોઈ જીવ ભાવી-બ્રહ્માંડો ની કલ્પના કરી,તેમનો અનુભવ પણ કરે છે.
તે પોતાના ચિત્ત (મન) ના સંકલ્પો પ્રમાણે દેશ,કાળ,ક્રિયા અને દ્રવ્યો-રૂપ પોતાના રહેવાનાં
"મિથ્યા-ઘરો" ની કલ્પના કરે છે.અને તેમનાં જુદાંજુદાં નામો ની કલ્પના કરીને પોતાને બાંધે છે.

જેમ,મિથ્યા સ્વપ્નમાં -મિથ્યા આકાશમાં ઉડવું પ્રતીત થાય છે,
તેમ,મિથ્યા જગત-રૂપ ભ્રાંતિમાં -મિથ્યા સંકલ્પ-મય જીવ પ્રતીત થાય છે.

આ પ્રમાણે-સમર્થ અને આદિ પ્રજાપતિ બ્રહ્મા-પોતે કેવળ સંકલ્પ-મય હોવાથી-
"સ્થૂળ-રૂપે" ઉત્પન્ન થયા નથી, છતાં પણ તે ઉત્પન્ન થયા છે એમ કહેવાય છે.

આ જે બ્રહ્માંડ-રૂપી ભ્રમ ઉત્પન્ન થયો છે,તેમાં કંઈ પણ મિશ્રિત થતું નથી,કંઈ પણ ઉત્પન્ન થતું નથી,અને
કંઈ પણ ગ્રહણ કરવામાં આવતું નથી.પણ,એ તો કેવળ "અનંત-પરબ્રહ્મ-રૂપ-આકાશ" જ છે.
"મહા-કલ્પ"માં બ્રહ્મા-વગેરે-મુક્ત થઇ ગયેલા હોય છે-તેથી-
આ "કલ્પ" ના બ્રહ્મા ની ઉત્પત્તિ માં તેમણે કરેલી ક્રિયામાં તેના પૂર્વજન્મ નો સંસ્કાર કે બીજું કંઈ
કારણ નથી,આથી જેવા બ્રહ્મા સંકલ્પ-જન્ય છે તેવું જ તેમનાથી થયેલું જગત પણ સંકલ્પ-જન્ય છે.

આમ,જેમ બ્રહ્મા શૂન્ય છે,તેમ જગત પણ સદા શૂન્ય જ છે.
જેવી રીતે ગમે તે દેશ-કાળ માં પણ દ્રવ-પણું એ જળ થી જુદું પડતું નથી,
તેવી રીતે આ સૃષ્ટિ પણ કદી પરમાત્મા થી જુદી પડતી નથી.

આ પ્રમાણે-જે બ્રહ્માંડ પ્રતીત થાય છે,તે અત્યંત નિર્મળ "બ્રહ્મ" જ છે.બ્રહ્મ સિવાય બીજું કશું છે જ નહિ.
એમ વિચાર કરવાથી આ જગત શાંત થાય છે,એટલે,
આધાર,આધેય તથા દ્વૈત થી રહિત,એવું એક "પર-બ્રહ્મ" અવશેષ રહે છે.
જગત-રૂપી ભ્રાંતિ થયેલી હોવા છતાં તેમાં બીજું કશું થયેલું હોતું નથી.અને
સર્વ થી રહિત અને સ્વચ્છ -કેવળ ચિદાકાશ જ છે.

ચિદાકાશ માં -આધેય,આધાર,દૃશ્ય,દ્રષ્ટા,બ્રહ્માંડ કે બ્રહ્મા -એમાંનું કશું નથી.
નથી તેમાં કોઈ જાત ની ખટપટ કે નથી તેમાં જગત કે પૃથ્વી. પણ તે માત્ર શાંત-રૂપ -બ્રહ્મ જ છે.

આ રીતે સિદ્ધ થાય છે કે-જે કંઈ પ્રતીત થાય છે તે -સ્વચ્છ બ્રહ્મ જ પોતે પોતાનાથી પોતાનામાં જ
પ્રકાશે છે."ચૈતન્ય-પણા" ને લીધે જ પોતાનામાં જગત દેખાય છે.અને મિથ્યા જગત -સાચા જેવું જણાય છે.\

જેમ સ્વપ્નમાં દેખાયેલું પોતાનું મરણ,જાગ્રતમાં નષ્ટ થઇ જાય છે,
તેમ,અજ્ઞાન-કાળમાં દેખાતું આ મિથ્યા જગત જ્ઞાન-કાળમાં નષ્ટ થઇ જાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Feb 20, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-86



જેમ,સંકલ્પ નો (કલ્પાયેલો) ચંદ્ર સાચો હોતો નથી,
તેમ,ભાવનાથી મનાયેલું અણુ-રૂપ (કણ-રૂપ) પણ સાચું નથી.

જીવ એ "અણુ-રૂપ" ની ભાવના કરતાં કરતાં -પોતે "એક" હોવા છતાં -"બે" પણા ને પામે છે.
એટલે કે-"દ્રષ્ટા અને દૃશ્ય"- એ બંને-રૂપ થઇ જાય છે.

જેમ,અસંભવિત હોવા છતાં પણ,- સ્વપ્ન ની અંદર-મનુષ્ય પોતે જ  પોતાના મરણનો દ્રષ્ટા થાય છે,
તેમ,અસંભવિત હોવા છતાં પણ,- જીવ પોતાના જ "દૃશ્ય"-પણા નો "દ્રષ્ટા" થાય છે.
અને આમ જીવમાં "દૃશ્ય-પણા ને દ્રષ્ટા-પણા" ની ભાવના દૃઢ થાય છે,
ત્યારે તે "લિંગ-શરીર-રૂપ" થઈને પહેલાંના કરતાં વધુ "સ્થૂળ-પણું" પામે છે.

અને "હું લિંગ-સ્વ-રૂપ છું" એવી ભાવનાને લીધે તે જીવ (આત્મા) એ -
"લિંગ-દેહ-પણા" ની સાથે "સ્થૂળ દેહ-પણા" નો પણ અનુભવ કરે છે.
જેમ,ચિત્ત એ વિષયરૂપ થાય છે તેમ,"જીવ" દેહ-રૂપ થઇ જાય છે.

એટલે,જેમ,બહાર નો પર્વત એ અરીસામાં પ્રતિબિમ્બિત થઇ પ્રતીત થાય છે,અને,
જેમ,બહારનો હોકારો -દેવળ ના ગુંબજમાં પ્રતીત થાય છે,
તેમ,સઘળી "ઉપાધિઓ" થી બહાર રહેનારા છતાં,
"ઉપાધિ" ની  અંદર કલ્પેલા "આકાશ" માં તે (જીવ) પ્રતીત થાય છે.

જેમ,સ્વપ્ન અને સંકલ્પ નું જ્ઞાન,એ દેહમાં જ સ્વપ્ન ને અને સંકલ્પ ને જુએ છે, તેમ
અણુ-રૂપ માંથી "લિંગ-દેહ" ના અભિમાન ને પામેલો,જીવ,
પોતાના સ્વરૂપ માં જ વાસનામય વ્યવહાર નો અનુભવ કરે છે.
વ્યવહારિક દ્રષ્ટિએ જોતાં,વાસનામય દેહ એ બુદ્ધિના અને ચિત્ત -વગેરે ના પરિણામરૂપ છે.અને
પરમાર્થ દ્રષ્ટિએ જોતાં,એ દેહ એ જ્ઞાન-રૂપ,સત્તા-રૂપ અને આનંદ-રૂપ જ છે.

"લિંગ-દેહ"માં રહેલો જીવ -એ-"લિંગ-દેહના આકાશમાં રહેલા વ્યવહાર ને હું જોઉં છું" એવી ભાવનાથી
આકાશમાં "જોવા" માટે "ગતિ" કરવા જેવું કરે છે અને જે બે છિદ્રો થી "ભવિષ્યના બાહ્ય-નામ વાળા"
--પદાર્થોને "દેખે" (જુએ)  છે-તે બે છિદ્રો "આંખ" નામથી ઓળખાય છે.
--તે પદાર્થો ને "સ્પર્શ" કરે છે તે "ત્વચા"  (ચામડી)  નામથી ઓળખાય છે.
--જેનાથી તે "સાંભળે" છે-(શ્રવણ કરેછે) તે "કાન" નામથી ઓળખાય છે.
--જેનાથી એ "સુંઘે" છે,તેને.પોતાના માં ઘ્રાણ-રૂપે (નાક) દેખે છે,
--જેનાથી તે "સ્વાદ" લે છે તેને પાછળ થી તે રસના-રૂપે (જીભ) દેખે છે.
--જેનાથી તે "ચલન"કરે છે તેને તે "પ્રાણ-રૂપ" થયેલું દેખે છે.અને
--જેનાથી તે ચેષ્ટા કરે છે-તેને "કર્મેન્દ્રિયો" ના સમૂહ-રૂપ દેખે છે.

"આ દેખાવ પ્રત્યક્ષ થાય છે અને આ દેખાવ મનમાં થાય છે"  વગેરે જેવી ભાવના કરતો ,
એ લિંગ-દેહ નો અભિમાની "જીવ" -જેમ,મહાકાશ માં ઘટાકાશ રહે છે-તેમ "પર-બ્રહ્મ" માં રહે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Feb 19, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-85


આ બ્રહ્માંડ-રૂપી મોટું જાળું,ચિદાકાશ રૂપી મોટા વનમાં ઉત્પન્ન થઇ ને પાછું નાશ પામે છે.

જગત-રૂપી કરજોના કુંજો નું વાવ્યા વિનાના બીજ જેવું જ જે છે-તે-"મન" છે.
તેને પૃથ્વીની,જળ ની,ગરમી વગેરેની કશાની અપેક્ષા રહેતી નથી.
જેમ સ્વપ્ન નો દ્રષ્ટા એ નગરને ઉત્પન્ન કરે છે,
તેમ,"બ્રહ્મ માં કલ્પાયેલું" એ "મન" -એ પાછળથી પૃથ્વી વગેરે ને ઉત્પન્ન કરે છે.

એ "મન" ગમે ત્યાં રહ્યું હોય તો પણ,જગત-વગેરે ના અંકુર ને ઉત્પન્ન કર્યા જ કરે છે.
જગત નું બીજ -એ "મન-રૂપી" પાંચ તન્માત્રાઓ  છે.અને એ પાંચ તન્માત્રાઓ નું બીજ "પર-બ્રહ્મ" છે.
માટે જગત-એ-બ્રહ્મમય જ છે.કારણ કે જે બીજ હોય,તે જ અંકુર-આદિ રૂપે થાય છે.

આવી રીતે સૃષ્ટિ ના આરંભમાં-
પર-બ્રહ્મ-રૂપ "આકાશ"માં -બ્રહ્મ ના તે તે પદાર્થો-રૂપે પ્રતીત થવાના સ્વ-ભાવ ને લીધે,
અધિષ્ઠાન થી અભિન્ન એવો "શબ્દ" વગેરે પાંચ વિષયો નો સમૂહ-"કલ્પના" થી જ ઉઠયો છે.
જો કે વાસ્તવિક રીતે જોવા જતાં તો તે ઉત્પન્ન થયો જ નથી.

શબ્દ-વગેરે વિષયોના સમૂહો વૃદ્ધિ પામીને જે કંઈ આ જગત બનાવે છે-તે પણ-
ચિદાકાશ માં અધ્યાસ (આરોપ) કરીને જ બનાવવામાં આવે છે,
તે "કલ્પિત" છે અને "સત્ય" નથી,માટે જગતની "સ્થિતિ" એ પોતાની સત્તા થી નહિ,
પણ "અધિષ્ઠાન (બ્રહ્મ) ની સતા થી જ છે.

જે કલ્પિત પદાર્થો થી થયું હોય તે વાસ્તવિક હોતું નથી.
જેનું સ્વરૂપ જ "કલ્પના-મય" હોય-તેને "સત્ય-પણા" ની પ્રાપ્તિ કેમ કરી ને સંભવે?
આમ,શબ્દ-વગેરે-પાંચ વિષયો- એ "બ્રહ્મ-રૂપ" જ છે,અને તેથી તેમનાં "કાર્યો" પણ બ્રહ્મ-રૂપ જ છે.
અને જેથી કરીને આખું "બ્રહ્માંડ" પણ "બ્રહ્મરૂપ" જ છે .

જેમ,સૃષ્ટિના પ્રારંભ માં શબ્દ-વગેરે પાંચ વિષયો ની ઉત્પત્તિ મિથ્યા પ્રતીત થાય છે-
તેમ,ઉત્તર-કાળ (ઉત્પત્તિ પછી ના સમયમાં) તે વિષયો થી થતાં કાર્યો ની ઉત્પત્તિ પણ મિથ્યા જ છે.
આમ,જગત કદી પણ ઉત્પન્ન થયું નથી અને અધિષ્ઠાન થી જુદું જોવામાં આવતું નથી.

જેમ સ્વપ્ન માં "સંકલ્પ" થી ઉત્પન્ન થયેલું નગર -એ "અસત્" હોવાં છતાં "સત્" લાગે છે,
તેમ,પરમ-પ્રકાશમય "બ્રહ્માકાશ" માં "જીવ-પણું" "અસત્" છતાં "સત્" જેવું પ્રતીત થાય છે.
જેમ,"મહાકાશ"માં (ઘડા ને લીધે) મર્યાદિત "ઘટાકાશ" નો ઉદ્ભવ થાય છે,
તેમ,"બ્રહ્માકાશ" માં (શરીર ને લીધે) મર્યાદિત "જીવ" (આત્મા) નો ઉદ્ભવ થાય છે.

એ "જીવ" આ સ્થૂળ દેહ ને કેવી રીતે પામે છે?-તે વિષે હવે હું કહું છું તે તમે સાંભળો.

પરમાત્મા માં "કલ્પાયેલો" -સમષ્ટિ "જીવાકાશ" એ-
"હું તણખા જેવો અત્યંત નાનો તેજ નો કણ છું" એમ ચિંતવન (વિચાર) કરે છે,અને તેથી-
પોતાને તે  "તેજ ના કણ જેવો" જ અનુભવે છે.

એ અનુભવ-રૂપ "ભાવના" ની વૃદ્ધિ થાય છે,કણ-રૂપ નો અનુભવ કરતો તે -પોતે-
"અસત્" હોવાં છતાં "સત્" જેવો "જીવ-રૂપે" પ્રતીત થાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Feb 18, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-84


આ રીતે -ઉપર મુજબ-બતાવેલ જુદાજુદા ભૂતો (આકાશ-વાયુ-તેજ-જળ-પૃથ્વી) ના
"અહંભાવ" (અહંકાર) ને પામેલું,"ચૈતન્ય" જ "ભાવના" કરે છે,અને-તેથી
"તન્માત્રાઓ" (શબ્દ-સ્પર્શ-વગેરે) પરસ્પર એકઠી થઈને-
જેમ,પાણી માં પરપોટા થાય છે-તેમ,તે "ચૈતન્ય" માં જ નિત્ય-અનેક બ્રહ્માંડ (પદાર્થ) રૂપો પોતાની
મેળે જ પેદા થાય છે,અને એ પદાર્થો નો જ્યાં સુધી નાશ થઇ જતો નથી,ત્યાં સુધી,તે પદાર્થો-
સ્પષ્ટ રીતે જુદા ના પાડી શકાય તેમ એકઠા મળી ને રહેલા છે.

ઉપર કહેલા સર્વ પદાર્થો એ-"પર-બ્ર્રહ્મ" માં જ રહેલા છે.
જેમ,એક સૂક્ષ્મ-બીજમાં અનેક વડ રહેલા છે,અને તે અનેક-રૂપે,શાખાઓ-રૂપે ઉત્પન્ન થાય છે-
તેમ,બ્રહ્મ-રૂપ બીજમાં પણ અનેક બ્રહ્માંડો રહેલા છે,અને તે અનેક રીતે ઉત્પન્ન થાય છે, તથા,
સેંકડો શાખાઓથી સ્ફૂરે છે.

પરમાણુજેવા એ "સૂક્ષ્મ-બ્રહ્મ" માં માયા (પ્રપંચ) ને લીધે એ બ્રહ્માંડો પ્રતીત થાય છે અને
ક્ષણમાત્રમાં તો તે વધી જાય છે.
આ સઘળાં બ્રહ્માંડો- એ "ચૈતન્ય" ના વિવર્ત-રૂપ જ છે અને એમ હોવાથી તે "નિર્વિકાર" છે.

આ જે તન્માત્રાઓ (શબ્દ-સ્પર્શ-વગેરે) નો સમૂહ છે -તે "સંકલ્પ-રૂપ-પણા" ને પામેલ "ચૈતન્ય" જ છે.
એ ચૈતન્ય -એ પોતે નિર્વિકાર છે છતાં પોતાની જ્ઞાન-શક્તિ થી -પોતાના માં
જગત ને ત્રસરેણુ (ત્રણ અણુ) સમાન દેખે છે.

જગત નું બીજ "પાંચ-તન્માત્રાઓ"  (શબ્દ-સ્પર્શ-વગેરે) છે.
તે તન્માત્રાઓ નું બીજ-પરમાત્મા ની સાથે સાક્ષાત સંબંધ ધરાવનારી "માયા-શક્તિ" છે.
અને એ "માયા-શક્તિ" નું બીજ પરમાત્મા (બ્રહ્મ) જ છે. એમ વિદ્વાનો નો સર્વદા અનુભવ છે-
માટે જે જગત છે તે અજ અને આદિ-રૂપ બ્રહ્મ જ છે
અને આ જગત એ "બ્રહ્મ" ના "વિવર્ત-રૂપ" જ છે.

(૧૩) "બ્રહ્મ" ને "જીવ" ભાવ ની પ્રાપ્તિ

વશિષ્ઠ કહે છે કે-હે રામ,જેમાં આકાશ-તેજ કે અંધકાર થયા નહોતા -એવા -
ચિદ્રુપ,વિસ્તીર્ણ અને સ્વ-રૂપે સ્થિર રહેલા નિર્વિકાર "પરબ્રહ્મ" માં -
--દૃશ્ય પદાર્થો રૂપે પ્રતીત થવાના સ્વ-ભાવને લીધે-પ્રથમ-"વિષયો ની કલ્પના" ઉઠી.
--તે પછી,ચિત્ત-રૂપે પ્રતીત થવાને લીધે-"ચિત્ત ની કલ્પના" ઉઠી.
--પછી,દ્રશ્યો ની સાથે સંયુક્ત થઈને જીવ-રૂપ પ્રતીતિ થવાના સ્વ-ભાવને લીધે "ચિત્તની કલ્પના" ઉઠી,

--પછી દ્રશ્યો ની સાથે એકરૂપ-પણું પ્રતીત થવાની "અહંભાવ ની કલ્પના" ઉઠી.
--પછી,અહંભાવ ની વૃદ્ધિ થવાથી "બુદ્ધિ-પણા ની કલ્પના" ઉઠી.
--એવી જ રીતે શબ્દ-વગેરે વિષયોનું મનન કરનાર મન (અને બીજા કેટલાક ભાવો) ની કલ્પના ઉઠી,
--પછી,શબ્દ-વગેરે તન્માત્રાઓ નું પંચીકરણ થવાથી વૃદ્ધિ પામેલ અને તેથી સ્થૂળ-પણા ને પામેલ,
તે મનમાંથી,આવી રીતનો -બ્રહ્માંડ -વગેરે રૂપ મોટો ગોટો ઉત્પન્ન થયેલ જોવામાં આવે છે.

જેમ સ્વપ્ન માં બાંધ્યા વિનાનું નગર તરત ઉત્પન્ન થાય છે,
તેંમ આ ક્રમ પ્રમાણે તરત જ એ ગોટો ઉત્પન્ન થાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Feb 17, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-83


(૬) ---તે પછી "અહંકાર" ના "એક-દેશ-સમાન" અને "ચલન-શક્તિ" વાળો "વાયુ" ઉદય પામે છે.
"અહંકાર વાળી -એ જ બ્રહ્મ-સત્તા " એ-"આકાશ ની તન્માત્રા-રૂપ શબ્દ" ની ભાવનાને લીધે-
આકાશ કરતાં કંઈ ઘાટી થાય છે અને "શબ્દ-રૂપે" પ્રતીત થાય છે. અને
એ "શબ્દ" એ ભવિષ્ય ના પદાર્થો (વેદ) નો "વાચક" થાય છે.
કે જે "શબ્દ-સમૂહ" ના વૃક્ષના બીજ-રૂપ છે, અને "વેદ-રૂપે" પ્રકાશ પામે છે.અને
તે વેદનાં "પદો-વાક્યો-પ્રમાણો" એ નામથી ઓળખાય છે.

આ રીતે-"વેદ-રૂપ-પણા" ને પામેલા "બ્રહ્મ-તત્વ" માં થી સઘળું જગત ઉત્પન્ન થાય છે.
જે જે શબ્દો નો ઉદય થાય-તે તે શબ્દો ના વાચ્ય (વાંચન-પ્રમાણે) પદાર્થો-રૂપે -
એ જ (પદાર્થ-રૂપી) તત્વ પ્રતીત થાય છે.

(૭)---એક જાતના વાયુ-રૂપ "પ્રાણ" (પ્રાણ-વાયુ) ને ધારણ કરવાથી -
એ "બ્રહ્મ-સતા" (પરમ-સત્તા) "જીવ" કહેવાય છે.અને-
--ભવિષ્યમાં અનેક-રૂપ-વાળા જુદાજુદા "દેહો" ના લાભ થી-
"જીવ" ના વ્યષ્ટિપણાથી-જીવના અનેક "સમુહો" પેદા થાય છે. અને તે-
--ભવિષ્યમાં "ચૌદ-બ્રહ્માંડો" રહે છે,એટલે તેમના (તે જીવોના) ચૌદ પ્રકારો  છે.

આ રીતે "પ્રાણ-વાયુ" સાથે સંબંધ ધરાવનારા એ (ચૌદ-પ્રકારના) "જીવો" -એ-
"ચૈતન્ય" માંથી (નીકળી) "બ્રહ્માંડો-રૂપી" ખાડાઓ માં પડે છે.

(૮)---જેમાં પ્રથમ "નામ-કે-ગતિ" એવું કંઈ જ હોતું નથી-
એવું એક "ચૈતન્ય"  તરત જ "પ્રકાશ" પામીને--ક્ષણમાં -ભાવનાથી-"સ્પર્શ-રૂપ" થાય છે.અને
આ "સ્પર્શો ના સમૂહ-રૂપી-વૃક્ષ" ના "બીજ-રૂપ" એ "ચૈતન્ય" પવનો (આવહ-પ્રવહ-વગેરે) રૂપ થાય છે.
અને આ "પવનો-રૂપ" બનેલા "ચૈતન્ય" માંથી -
સર્વ પ્રાણીઓ (જીવો)  ની "ક્રિયા-રૂપ-ગતિ" (કર્મો) ચારે તરફ વિસ્તાર પામે છે.

(૯)--- એ જ "ચૈતન્ય" માં "પ્રકાશ" ની ભાવનાને લીધે-"પ્રકાશ" (તેજ) નો અનુભવ થાય છે.
અને તે "તેજ" માં ભવિષ્યના "રૂપ" અને "સમષ્ટિ-ભૂત-રૂપ" નો અનુભવ થાય છે.
"રૂપ" માંથી જ-"સૂર્ય-અગ્નિ" -વગેરે "વ્યષ્ટિ (વિશાળ)-રૂપો"  (તેજ) ઉત્પન્ન થાય છે.
અને આ જુદાજુદા "વ્યષ્ટિ-રૂપો" ના ભેદ થી સંસાર ફેલાય છે.

(૧૦)---એ જ "ચૈતન્ય" પોતે "હું જળ ના રસ ના સમુદાય-રૂપ છું"
એવી ભાવના ને લીધે "રસ-રૂપ" થઇ જાય છે.
રસ-ના સમુદાય-રૂપ અમુક પદાર્થ નો સ્વાદ લેતાં જે પ્રતીતિ થાય છે-તેનું નામ-"રસ-તન્માત્રા"
પરસ્પર સ્વાદો ની વૃદ્ધિ થતા સંસાર આગળ વિસ્તરે છે.
(૧૧)---એ જ "ચૈતન્ય" પોતે જયારે "હું પૃથ્વી છું" એવો સંકલ્પ કરે છે-ત્યારે
એવી ભાવનાને લીધે-તે ભવિષ્ય ના "પૃથ્વી"  ના વિભાગો ને યોગ્ય થઈ જાય છે.
અને સંકલ્પ ને લીધે જ તે પોતાના માં "ગંધ-પણા" ને જુએ છે.
"ભવિષ્ય ના ભૂગોળ-પણા" માટે "પ્રાણીઓ ની આકૃતિ"ઓ નું તે બીજ છે.

અને સર્વના આધાર એ -"પૃથ્વી-રૂપી" ચૈતન્યમાંથી ભવિષ્યમાં "સંસાર" વિસ્તાર પામે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE