Jul 23, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-561

કેટલાકના મતમાં તે ઉત્પન્ન થયેલી છે,કેટલાકના મતમાં તે -ઉત્પન્ન થયા કરે છે,
કેટલાએક ના મતમાં-તે  મરણ પામ્યા કરે છે,કેટલાએકના મતમાં-તે મરી ગયેલી જ છે,કેટલાએકની દ્રષ્ટિમાં તે અર્ધી કપાયેલી છે,કેટલાએકના મતમાં તે સઘળી કપાઈ ગયેલી છે,
ગમે તેમ કહો,પણ,સત્યમાં તો- આ થઇ ચૂકેલી કે થયા કરતી અવિદ્યા-રૂપી-લતા
-એ -સદા બ્રહ્મમાં જ રહેલી છે,અને ગંધર્વનગર-આદિ-પદાર્થોની જેમ મિથ્યા જ છે.

અજ્ઞાનીઓની દ્રષ્ટિમાં સર્વદા ખીલ્યા કરતી અને જ્ઞાનીઓની દ્રષ્ટિમાં સર્વદા સુકાઈ ગયેલી,આ અવિદ્યા-રૂપી-ઝેરી-મોટી-લતાને-જે ખુબ જ બાઝી (ચોંટી) રહે છે -તેને તે મોહમાં નાખી દે છે-પણ, જો સૂક્ષ્મ દૃષ્ટિથી તે અવિદ્યા-રૂપી-લતાનો વિચાર કરવામાં આવે તો-તે નાશ પામે છે.એટલે,વિચાર કરનારના (પૂર્ણ થયેલાના મનમાં) આ લતા બાધિત થઇ જાય છે.

Jul 22, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-560

(૮) કાર્ય-રૂપ અવિદ્યાનું વર્ણન

વસિષ્ઠ કહે છે કે-આ અવિદ્યા -કે જે -જગતનું કાર્ય છે,તે,સંસાર-રૂપી વનમાં ચૈતન્ય-રૂપ પર્વતની ટોચ પર રહેલી લતા-રૂપે છે. તે કેવી છે? અને ક્યારે ખીલે છે? તે વિષે હું કહું છું તે તમે સાંભળો.

Jul 21, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-559

અજ્ઞાની લોકોની દૃઢ વાસનાઓને --પ્રલયો,યુગના ફેરફારો કે વજ્રના આઘાતો તોડી શકતા નથી-તે અજ્ઞાનનો મહિમા છે.
બ્રહ્મના આધારથી (અધિષ્ઠાનથી) જ દેખાતા પદાર્થો સત્તા ભોગવે છે
અને જળના તરંગની જેમ અનેક વાસનાઓ પ્રગટ કરે છે -એ અજ્ઞાનનો જ મહિમા છે.
જેમ પક્ષીઓ વિવિધ ફળ ચાખવા અનેક સ્થળોમાં ભટકે છે-તેમ,કર્મને આધારે ફળ ભોગવવા માટે જીવો જન્મે છે,જીવે છે ને મરે છે-તે પણ અજ્ઞાનનો જ મહિમા છે.

Jul 20, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-558

વિવેક-રૂપી ચંદ્રનો ઉદય નહિ થવાથી,ચિંતા-રૂપી પિશાચે ખરાબ કરેલી યૌવન-રૂપી-રાત્રિ.મોહ-રૂપી અંધકારને લીધે,પ્રકાશ વગરની જ ચાલી જાય છે-એ પણ અજ્ઞાનનો જ મહિમા છે.જીભ મોઢાના છિદ્રના એક ભાગમાં ગુપ્ત રહેલી હોવા છતાં-પામર લોકોને સમજાવવા (બોલી-બોલીને) સુકાઈ જાય છે -તે અજ્ઞાનનો જ મહિમા છે.
આ જીવ દુઃખ-શોક-ઋણ-ગરીબાઈ-આદિ સંકટોથી દુઃખી થાય છે-તે અજ્ઞાન નો જ મહિમા છે.

Jul 19, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-557

આ સંસાર-રૂપી વનમાં,અજ્ઞાનને લીધે જ જગતો-રૂપી જૂનાં પાંદડાઓની પરંપરાઓ પથરાયેલી છે.જન્મો-રૂપી નવાનવા પલ્લવો થયા કરે છે,કર્મોના સમૂહો-રૂપી-કળીઓ વારંવાર લાગ્યા કરે છે.વૈભવો-રૂપી મંજરીઓ ખીલ્યા કરે છે,પુણ્ય-પાપ-રૂપી ફળ ઉત્પન્ન થયા કરે છે, અને વિચિત્ર રચનાઓ-વાળા ઘણાઘણા કામી લોકો-રૂપી પક્ષીઓ-તે ઝાડ પર બેસી વિલાસો કરતા જોવામાં આવે છે.હે રામચંદ્રજી,આમ,વિષયોમાં જે આરંભમાં મધુર-પણું છે-તે પરિણામે અનર્થ કરનારું,પરિમીત અને ક્ષણભંગુર છે.

Jul 18, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-556

અજ્ઞાન એ જ આપદાઓ નું ઠેકાણું છે,અજ્ઞાની ને કંઈ આપદા પ્રાપ્ત થતી નથી.(અજ્ઞાન જ તેમની આપદા છે)
આ સંસારનો પ્રવાહ,અજ્ઞાનીઓની ગફલતથી જ ચાલ્યા કરે છે.
અજ્ઞાની પર ઉગ્ર દુઃખો અને દૃઢ સુખો-વારંવાર પડ્યા કરે છે,અને વારંવાર જતાં રહે છે.
શરીર-ધન-સ્ત્રી-ઇત્યાદિ પર ભરોસો રાખ્યા કરતા-અજ્ઞાની પુરુષનું આ સંસાર-રૂપી-નીચ-દુઃખ શાંત થતું નથી.

Jul 17, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-555

જેમ,જ્ઞાન એ અજ્ઞાનપણાને પ્રાપ્ત થવું સંભવે નહિ-તેમ,ગમે તેવા વિચારૂ ગોઠવવામાં આવે તો પણ,
બ્રહ્મ-એ-દેહાધિક-રૂપ થાય જ નહિ.આત્મા સર્વ-વ્યાપક છે તેમ છતાં તેને દેહ સાથે જરા પણ સંબંધ નથી.
જેમ કમળને જળમાં રહ્યા છતાં પણ જળનો જરા પણ સ્પર્શ થતો નથી,
તેમ,આત્મા ને દેહમાં રહ્યા છતાં પણ તે આત્મા ને દેહનો જરા પણ લેપ લાગતો નથી-
કેમકે-આત્મા એ દેહની કલ્પનાનું અધિષ્ઠાન હોવાથી,આત્માની સતાથી જ દેહની સત્તા છે.

Jul 16, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-554

(૬) દેહ અને આત્માનું વિવેચન તથા અજ્ઞાનનું સ્વરૂપ
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,ફરી પણ મારું ઉત્તમ વચન સાંભળો.
મારા ઉપદેશથી તમને પ્રસન્ન થતા જોઇને,તમારું હિત કરવાની ઇચ્છાથી હું આ વચન કહું છું.અત્યાર સુધી તમામ "અભેદ ના સિદ્ધાંત" ને અનુસરીને તમને ઉપદેશ આપ્યો,પણ હવે,ઘડીભર,"ભેદ નો સ્વીકાર"  રાખીને પણ હું આ વચન કહું છું તે તમે સાંભળો,કે જેથી,તમારી
વિચાર શક્તિ વધે અને,થોડું સમજનારાઓ (સિદ્ધાંત ને નહિ પહોંચી શકનારાઓ) નાં પણ દુઃખો ટળી જાય.

Jul 15, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-553

હે મુનિ,આ દિશાઓનું સઘળું મંડળ (કે જે અનાત્મપણું મટી જવાને લીધે) સારી પેઠે નિર્મળ થઇ ગયું છે,
તેને હવે હું યથાર્થ-બ્રહ્મ-રૂપે જોઉં છું.મારા સઘળા સંદેહો ટળી ગયા છે,
આશા-રૂપી-ઝાંઝવાની નદી શાંત થઇ ગઈ છે.
વિષયોની વાસનાઓ તથા વૈરાગ્ય આદિ વૃત્તિઓથી -પણ રહિત થવાને લીધે,હું શીતળ થયો છું.

Jul 14, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-552

જે વસ્તુ મુદ્દલે છે જ નહિ તેને -તે "છે" એમ માનવી- તે જ "માયા" કહેવાય છે.એ માયા આત્મજ્ઞાનથી જ નાશ પામે છે-તેમાં સંશય નથી.
જેના ચિત્તની વાસનાનો સમૂહ તેલ વિનાના દીવાની જેમ શાંત થઇ ગયો હોય-તે નિર્વિકાર તત્વવેત્તા પુરુષ,ચિત્રમાં આલેખાયેલા રાજાની પેઠે સર્વદા અખંડ વિજય-વાળો જ રહે છે.તે પુરુષને આ સઘળા પદાર્થો મિથ્યા સમજાયાને લીધે (અથવા આત્મ-સ્વ-રૂપ સમજાયા ને લીધે)
તે પદાર્થો-અથવા બીજું કશું પણ-દુઃખ કે સુખ આપનાર થતા નથી.

Jul 13, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-551

ચૈતન્ય જ પોતાથી -જ-જીવ-રૂપે અને વાસના-આદિ-રૂપે સ્ફુરે છે,
તો તેમાં "જડ" એ શબ્દનો અને તે શબ્દના અર્થ નો -પ્રસંગ જ શો છે? તે તમે જ કહો.

તમે મોટાં મોટાં સ્ફુરણો-રૂપી તરંગો-વાળા,ગંભીર અને સ્વયંપ્રકાશ -આત્મા-ચૈતન્ય-રૂપ મહાસાગર છો,તથા આકાશની પેઠે નિશ્ચલ,સમ તથા સૌમ્ય છો.સમુદ્ર સમાન તમારા સ્વ-રૂપમાં "રામ" એ નામનું મોજું ઉઠેલું છે.

Jul 12, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-550

જગત બ્રહ્મનું જ સ્ફુરણ છે-કેમ કે જગતની સત્તા બ્રહ્મની સત્તાથી જુદી નથી,
જેમ પરમાત્મા-અને બ્રહ્મમાં ભેદ નથી તેમ બ્રહ્મ અને જગતમાં ભેદ નથી.
જેમ,મરીમાં તીખાશ રહેલી છે,તેમ ચૈતન્યમાં બ્રહ્માંડ રહેલું છે,
માટે ચૈતન્ય અને બ્રહ્માંડ -એ ભિન્ન નહિ હોવાને લીધે,બ્રહ્માંડનાં ઉત્પત્તિ અને લય મિથ્યા જ છે.એટલા માટે તમે જગતને ઉત્પન્ન થવાની બુદ્ધિને તથા જગતના લય થવાની બુદ્ધિને પણ ત્યજી દો.

Jul 11, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-549

જ્યાં સુધી હૃદય-રૂપી-વનમાં આશા-રૂપી-ઝેરી-ગંધ સ્ફૂર્યા કરતી હોય,
ત્યાં સુધી,આત્મ-વિચાર-રૂપી-ચકોર- એ વનની અંદર સારી પેઠે પેસતો જ નથી.
જેના મન ને ભોગો પરની રુચિ ટળી ગઈ હોય,આશા-રૂપી-જાળો છેદાઈ ગઈ હોય અને -શીતળ તથા નિર્મળ બ્રહ્માનંદ પ્રાપ્ત થયો હોય,તે પુરુષનો ચિત્ત-રૂપી વિભ્રમ નાશ પામી જાય છે.
જે ચિત્તમાંથી તૃષ્ણા અને મોહ દૂર થયાં છે અને જે ચિત્તમાં શીતળતા અને શાંતિનો અનુભવ  થયો છે,તેવો પુરુષ,ચિત્ત-રૂપી-ભૂમિકામાંથી જ્ઞાન-રૂપી ફળ મેળવે છે.

Jul 10, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-548

(૨) વસિષ્ઠ નું સભામાં આગમન અને પૂર્વે કહેલા વિષયોનું સ્મરણ

વાલ્મિકી કહે છે કે-બીજા દિવસે સવારે રામ-લક્ષ્મણ સ્નાન-સંધ્યા કરીને વસિષ્ઠ ને આશ્રમે ગયા,તેમના ચરણોમાં અર્ઘ્ય-પ્રદાન કરીને અને વસિષ્ઠ મુનિને સભામાં લઇ આવ્યા.સભામાં સર્વેએ વસિષ્ઠ ને અર્ઘ્ય-પ્રદાન કરીને આસન આપ્યું અને પછી સર્વે એ પોતપોતાનું આસન ગ્રહણ કર્યું.

ત્યાર પછી વસિષ્ઠ મુનિએ આગળના દિવસે ચલાવેલા ક્રમને અનુસરીને જ શ્રી રામચંદ્રજી ને કહ્યું કે-હે,રઘુનંદન,ગઈકાલે જે અત્યંત ગંભીર અર્થ-વાળું અને પરમાર્થનો બોધ આપનારું પ્રકરણ કહ્યું હતું તે તમારા સ્મરણમાં છે ને? હવે સ્પષ્ટ બોધને માટે બીજું પ્રકરણ કહું છું તે તમે સાંભળો.કે જેથી અખંડ પદ પ્રાપ્ત થશે.

Jul 9, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-547-Chapter-6-Nirvaan Prakaran-Purvardh

(૧) દૈનિક વ્યવહારનું વર્ણન
વાલ્મીકિ કહે છે કે-ઉપશમ-પ્રકરણ પછીનું હવે,આ નિર્વાણ-પ્રકરણ તમે સાંભળો.કે જે પ્રકરણ જાણવાથી મુક્તિ મળે છે.

સભાની અંદર વસિષ્ઠ મુનિ (અત્યાર સુધીનાં આગળ મુજબનાં પાંચ પ્રકરણ) કહેતા હતા અને શ્રીરામચંદ્રજી મૌન ધરીને એક ચિત્તથી સાંભળતા હતા.દશરથ રાજા અને સભાના લોકો પણ,વસિષ્ઠ મુનિની વાણીના અર્થમાં તલ્લીન થઈને,મન અને શરીરના વ્યાપારો ભૂલી ગયા હતા,જેથી તેઓ ચિત્રમાં આલેખાયેલા જેવા સ્થિર જેવા જણાતા હતા.

Jul 8, 2016

રામાયણ-૬


રામજી દુશ્મન સાથે પણ સરળ છે. રાવણ સાથે પણ સરળ છે.
યુદ્ધ વખતે રાવણ નું બખ્તર ફાટી ગયું છે,સારથી મરાઈ ગયો છે,રાવણ ઘાયલ છે-થાકી ગયેલો છે.રામજી ની જગ્યાએ બીજો કોઈ હોત તો દુશ્મન ની લાચારી નો લાભ લઇ તેને મારી નાખે,પણરામજી એ રાવણ ને કહ્યું-કે-
અત્યારે તમે ઘરે જાઓ,ભોજન કરો –આરામ કરો, આવતી કાલે યુદ્ધ કરવા આવજો.જગતમાં એવો કોઈ થયો નથી કે-જે શત્રુ ને કહે કે-આરામ કરો,ઘેર જાઓ અને ભોજન કરો.

Jul 7, 2016

રામાયણ-૫


નિર્દોષ એક ઈશ્વર છે. સંભવ છે કે ગુરુમાં કોઈ દોષ રહી જાય.પણ ગુરુ ના દોષ નું શિષ્યે અનુકરણ કરવાનું નથી. વડીલોનું જે પવિત્ર –આચરણ છે-તેનું જ અનુકરણ કરવાનું છે,તેમની ભૂલ નું નહિ.
વડીલો ના દોષ નું અનુકરણ કરવું નહિ.

એક વખત-ચાર વેદ અને છ શાસ્ત્ર નું અધ્યયન પૂરું કરી ને શિષ્ય ગુરુ પાસે, ઘેર જવાની રજા માગવા આવ્યો-ત્યારે ગુરુજી છેલ્લો ઉપદેશ આપે છે-કે-તારાં માત-પિતાને પ્રભુ માનજે,તારે આંગણે કોઈ ભિખારી આવે તો –તેને પ્રભુ સમાન માનજે.મારી અનેક ભૂલો તને દેખાણી હશે-પણ મારો ભૂલોનું,મારા દોષનું કે મારા પાપ નું તારે અનુકરણ કરવાનું નથી.મારા જે સદગુણો હોય તેનું જ અનુકરણ –તારે કરવું, બીજા નું નહિ.ગુરુ જે કરે તે કરવાનું નથી,ગુરુ જે આજ્ઞા કરે તે કરવાનું છે.

Jul 6, 2016

રામાયણ-૪


શ્રી રામ-સેવાથી જીવન સફળ થાય છે.
ચંદન અને પુષ્પ થી રામજી ની સેવા કરીએ તેના કરતાં યે –
રામજી ની આજ્ઞા નું-મર્યાદાનું પાલન કરવું તે તેમની ઉત્તમ સેવા છે.
કોઈ પણ ધર્મ માં માનતા હોવ –કોઈ પણ સંપ્રદાય માં હોવ,કોઈ પણ ઇષ્ટદેવ હોય-પણ રામજી ની ઉપર મુજબ ની ઉત્તમ સેવા (મર્યાદા-પાલન) તો કરવી જ પડશે.રામજી ની મર્યાદાઓ નું પાલન કર્યા વગર ભક્તિ થતી નથી.

Jul 5, 2016

રામાયણ-૩


દશરથ જી એ બાળ સ્વરૂપ જોયું,અને હૃદય ભરાણું  છે, પરમ-આનંદ થયો છે.
રામ-દશરથ ની ચાર આંખ મળી, રામ લાલા એ ગાલ માં સ્મિત કર્યું છે, દશરથ રાજા જીભ પર મધ મૂકી રામ ને મધ ચટાડવા લાગ્યા, રાજાએ વશિષ્ઠ ને વેદ મંત્રો બોલવાનું કહ્યું.
વશિષ્ઠ જી કહે છે-કે-રામ ના દર્શન કરી વેદો તો શું ?મારું નામ પણ ભૂલાઈ ગયું છે. હું શું મંત્ર બોલું ?

દર્શન માં નામ-રૂપ ભુલાય છે ત્યારે-દર્શન નો આનંદ આવે છે.“તત્ર-વેદા-અવેદા-ભવન્તિ”......ઈશ્વર દર્શન  (ઈશ્વર સાક્ષાત્કાર થાય) પછી વેદો ભુલાય છે.પછી વેદો ની જરૂર પણ નથી.
લૌકિક નામ-રૂપ ની વિસ્મૃતિ થાય-(ભૂલાઈ જાય)-ત્યારે બ્રહ્મ સંબંધ થાય છે.

Jul 4, 2016

રામાયણ-૨


માતાજીને આજે પ્રભુ એ બતાવ્યું-કે મારા ભક્તો નું હું ચારે તરફથી રક્ષણ કરું છે,એટલે ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા છે. માતાજી એ સુંદર સ્તુતિ કરી છે-નાથ, મારા માટે તમે બાળક બનો,મને મા,મા કહી બોલાવો.એટલે ચતુર્ભુજ સ્વરૂપ અદૃશ્ય થયું છે અને બે હાથ વાળા બાળક બન્યા છે.
દાસી ઓ ને ખબર પડી,કૌશલ્યા મા ના ખોળામાં સુંદર બાળક બિરાજે છે. દાસી વધાઈ આપે છે.કૌશલ્યા એ નવલખો હાર દાસીને આપ્યો છે.”મારો રામ સુખી થાય”
દાસી  કહે-કે- મારે કાંઇ જોઈતું નથી,મારે તો રામ ને રમાડવો છે. દાસીના ગોદ માં રામ ને આપ્યા છે.આજે દાસી નો બ્રહ્મ સંબંધ થયો છે.બીજી દાસી દોડતી દોડતી દશરથ રાજા પાસે ગઈ અનેઅને કહે છે-કે-
મહારાજ ,વધાઈ.વધાઈ-,લાલો ભયો હૈ,સાક્ષાત નારાયણ આવ્યા હોય તેવું લાગે છે.