Aug 26, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-595

અંદરના પ્રદેશમાં (હૃદયમાં) અપાન અસ્ત પામતાં અને પ્રાણ નો ઉદય થાય તે પહેલાં-જે કુંભક થાય છે-તેનું લાંબા કાળ સુધી અવલંબન કરવામાં આવે(એટલે કે પ્રાણ ના ઉદયને રોકવામાં આવે ) તો-ફરીવાર શોક કરવો પડતો નથી.

Aug 25, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-594

વાસ્તવમાં-પ્રાણ,જ અંદરના તથા બહારના-આકાશમાં-સૂર્ય-પણાને પામીને,પાછો પોતે જ આનંદ આપનાર ચન્દ્રપણાને પ્રાપ્ત થાય છે.અને એ પ્રાણ જ શરીરને ઉત્સાહ આપનારા ચંદ્રપણાને ત્યજી દઈને - ક્ષણ માત્રમાં શોષણ કરનારા સૂર્ય-પણાને પ્રાપ્ત થાય છે.
એટલે કે-પ્રાણ અને અપાન-પણું એ એક-પવન ના જ ધર્મો છે.

Aug 24, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-593

બહારથી અંદર આવેલો શ્વાસ પૂરો થયા પછી,જ્યાં સુધી હૃદયમાં ઉચ્છવાસ ઉદય પામ્યો ના હોય-ત્યાં સુધી ની અવસ્થા "કુંભક" કહેવાય છે.(કે જે માત્ર યોગીઓના અનુભવમાં આવે છે)
આવી જ રીતે બહાર (શરીરની બહાર) પણ રેચક-કુંભક-પૂરક ની અવસ્થા પ્રયત્ન વિના જ થાય છે.નાકની ટોચથી બહારનો બાર આંગળ-સુધીનો નીચેનો પ્રદેશ-કે જે શ્વાસને આવવાનું સ્થાન છે-તેમાં પણ સર્વદા યત્ન વગર જ પૂરક-કુંભક-રેચક-નામના ત્રણ સ્વભાવો થવાનું વિદ્વાનોએ જે કહ્યું છે,તે હું જણાવું છું.તેને તમે સાંભળો.

Aug 23, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-592

એ બંને પવનો (પ્રાણ-અપાન) અનુક્રમે શીતળ-અને ઉષ્ણ છે,તે સર્વદા દેહ-રૂપી આકાશમાં ખેપો કર્યા કરે છે.અને દેહ-રૂપી મોટા યંત્રને ચલાવ્યા કરે છે.
તે પવનો હૃદય-રૂપી આકાશમાં સૂર્ય (અગ્નિ) અને ચંદ્ર નું કામ કરે છે,અને શરીર-રૂપી નગરનું પાલન કરનારા મન ના રથનાં પૈડાં-રૂપ છે તથા અહંકાર-રૂપ-ઘોડાઓ-રૂપ છે.
તેઓની (પ્રાણ-અપાનની) ગતિને હું સર્વદા અનુસરી રહ્યો છું.

Aug 22, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-591

તે ઘર,મોઢા-રૂપી પ્રધાન-દ્વાર-વાળું છે,હાથ તથા પડખાં-રૂપી ખંડો-વાળું છે,સર્વદા આંખ,જીભ તેમજ ચામડી-આદિ દ્વારપાળો વાળું છે,લિંગ-શરીર દ્વારા ફેલાયેલા "આત્મ-પ્રકાશ"થી વ્યાપ્ત છે,રુધિર-માંસ-વગેરેના લેપ-વાળું છે,આ શરીર-કે જે-નાડીઓ-રૂપી-દોરડાંના સમૂહ-વાળું છે,જાડાં હાડકાં-રૂપી-કાષ્ટોથી બંધાયેલું છે,
તેથી જ તે સારી રીતે ગોઠવાયેલું રહે (રહેનાર) છે.

Aug 21, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-590

(૨૪) દેહમાંની નાડીઓ અને ચક્ર-વગેરેનું વર્ણન
ભુશુંડ કહે છે કે-હે વસિષ્ઠ મુનિ,સઘળાં જ્ઞાનોમાં,એક "બ્રહ્મ-વિદ્યા" જ અવિનાશી ફળને આપનારી,ભ્રાંતિ વગરની અને ઊંચાઈ વાળી હોવાથી,સઘળા અંશોમાં-શ્રેષ્ઠ છે.
સાક્ષાત્કાર પર્યંત,"આત્મ-વિચાર" જ સઘળાં દુઃખોનો અંત કરનાર છે,અને-
લાંબા કાળથી પ્રાપ્ત થયેલા સંસાર-રૂપી ખરાબ સ્વપ્નના ભ્રમને હરનાર છે.

Aug 20, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-589

હે મહામુનિ,જે આત્મ-લાભ,પરિણામમાં હિતકારી છે,સત્ય છે,અવિચલ છે,ભ્રાંતિથી રહિત છે,અને
ભોગોની તૃષ્ણા ને ઉત્પન્ન  થવા દેતો જ નથી,તે આત્મ-લાભમાં જ મનને તત્પર રાખવું જોઈએ.ચિત્તને વિહવળ કરી દેનારા દ્વૈત-રૂપી-પિશાચની દૃષ્ટિ જેના પર પડતી નથી,તે સુખમાં મન ને તત્પર કરવું જોઈએ.જે વસ્તુ,આદિ-મધ્ય અને અંતમાં,સુખકારી,મધુર અને દુઃખોનું નિવારણ કરનાર છે-અને- લાંબા કાળ સુધી અતિ-શાંતિ આપનાર છે-તે વસ્તુ (પરમ-તત્વ) માં જ મન ને તત્પર કરવું જોઈએ.

Aug 19, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-588

(૨૩) મૃત્યુ કોને બાધ કરતુ નથી?

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,પછી મેં,એ કાગડાઓમાં ઉત્તમ ભુશુંડ ને ફરીવાર પૂછ્યું કે-
હે પક્ષીઓના રાજાધિરાજ,જગતના કોશમાં ફર્યા કરતા
અને વ્યવહાર કરનારા લોકોને પણ મૃત્યુ નડે નહિ એવો કોઈ ઉપાય છે કે?

Aug 18, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-587

હે મહામુનિ,પ્રત્યેક યુગમાં વિચિત્ર ગોઠવણોવાળાં,જે જે આખ્યાનો અને જે જે શાસ્ત્રો થઇ ગયા છે-તે બધાનું મને સ્મરણ છે. પ્રત્યેક યુગમાં વારંવાર તેને તે -અને બીજા પણ થતા અનેક પદાર્થો મારા જોવામાં આવ્યા છે-તેનું પણ મને સ્મરણ છે.
વિષ્ણુ હવે રાક્ષસોનો વિનાશ કરવાને માટે "રામ" એ નામથી અગિયારમી વાર અવતરશે,એ મારા જાણવામાં છે.વિષ્ણુએ નૃસિંહનું રૂપ ધારણ કરી,હિરણ્યકશિપુ નામના દૈત્યને માર્યો છે.અને પૃથ્વીનો ભાર ઉતારવા માટે વસુદેવ નામના યાદવને ઘેર,તે જ વિષ્ણુ નો સોળમો અવતાર પણ થવાનો છે.તે મારા જાણવામાં છે.

Aug 17, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-586

ભુશુંડ કહે છે કે-આ સૃષ્ટિ જેવી,આ સૃષ્ટિના જેવા જ આચાર-વાળી અને આ સૃષ્ટિના જેવી જ-
દિશાઓની ગોઠવણવાળી,પૂર્વે ત્રણ સૃષ્ટિઓ થઇ હતી,તેનું પણ મને સ્મરણ છે.
વળી,જેઓમાં આકારો,રચનાઓ,પૃથ્વી,દેવો તથા કાળ-એ સઘળાં એક સરખા જ હતાં
અને તે તે દેવો વગેરેની પદવીઓ વગેરેનો પણ અસુરો વગેરેથી કશો ફેરફાર થયો ન હતો-
એવી દશ સૃષ્ટિઓ થઇ ગઈ છે.તેનું પણ મને સ્મરણ છે.

Aug 16, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-585

કોઈ એક સૃષ્ટિમાં બ્રાહ્મણો,મદિરા પાન કરતા હતા,શુદ્રો,દેવોની નિંદા કરતા હતા,
અને જે સ્ત્રીઓ ઘણા પતિઓ કરે તે સ્ત્રીઓ જ સતી કહેવાતી હતી-તેનું પણ મને સ્મરણ છે.કોઈ એક સૃષ્ટિમાં મહાસાગરો મુદ્દલે હતા નહિ અને માણસો પણ સ્ત્રી-પુરુષોના સંગ વિના પોતાની મેળે જ ઉત્પન્ન  થતા હતા-તેનું પણ મને સ્મરણ છે.

કોઈ એક સૃષ્ટિમાં પૃથ્વી-સૂર્ય કે ચંદ્ર નહોતો અને દેવતાઓ તથા મનુષ્યો આકાશમાં જ રહેતા હતા- તેનું મને સ્મરણ છે.કોઈ સૃષ્ટિમાં ઇન્દ્ર  પણ નહોતો,રાજાઓ નહોતા,ઉત્તમ-મધ્યમ-કનિષ્ઠ એવા કોઈ વિભાગો નહોતા,અને સઘળી દિશાઓ ચારે બાજુ અંધકારથી ભરપૂર હતી-તેનું પણ મને સ્મરણ છે.

Aug 15, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-584

ભુશુંડ કહે છે કે-હે મહામુનિ,મારે આ પ્રમાણે જ રહેવું અને બીજાઓને બીજા પ્રકારોથી જ રહેવું,
એવો જે -પ્રબળ પ્રારબ્ધને અનુસરનારો- ઈશ્વરનો નિયમ છે-તેનું કોઇથી પણ ઉલ્લંઘન થાય તેમ નથી.જે અવશ્ય થવાનું હોય તેનું માપ કોઈની પણ બુદ્ધિથી કરી શકાતું નથી.
પ્રારબ્ધની ગતિથી જે જેમ થવાનું હોય-તે તેમ જ થાય છે,એવો ઈશ્વરના નિયમનો નિશ્ચય છે."પ્રારબ્ધના મૂળ-રૂપ" મારો જે "સંકલ્પ" છે-તેને લીધે જ પ્રત્યેક કલ્પ-માં -
વારંવાર આ શિખરમાં આ ઝાડ આ રીતે જ પ્રગટ થાય છે.

Aug 14, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-583

(૨૧) કલ્પ-વૃક્ષનો મહિમા ને બીજાં અનેક વિચિત્ર વૃતાંતો નું સ્મરણ
ભુશુંડ કહે છે કે-હે વસિષ્ઠ મુનિ,યુગોના ભયંકર ક્ષોભો થાય છે અને અતિ વિષમ વંટોળો પેદા થાય છે,પણ આ કલ્પવૃક્ષ અત્યંત સ્થિર રહે છે અને કદી પણ કંપતું નથી.સઘળા લોકોમાં (પૃથ્વી-વગેરે લોકોમાં) ફરવાની શક્તિ ધરાવનારાં પ્રાણીઓથી પણ આ કલ્પ્વૃક્ષમાં આવી શકાય તેમ નથી,તેથી અમે અહી શાંતિ-પૂર્વક રહીએ છીએ.

Aug 13, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-582

હે વસિષ્ઠ મુનિ, મારું મન સાર-અસારના વિવેક-વાળું છે,બોધને લીધે શાંતિ પામેલું છે,ચપલતાથી રહિત છે,શાંત છે અને અત્યંત સ્થિર છે.હું સંસારના વ્યવહારથી ઉઠતા ખોટી આશાઓના પાશથી વિહવળ થતો નથી.ઊંચા ઉપશમ થી ભરેલી અને આત્મ-સ્વ-રૂપના બોધથી શીતળ થયેલી બુદ્ધિ-વડે,અમે "જગત-રૂપી માયાના તત્વ" ને જાણીને "ધીરજ" પામ્યા છીએ.

Aug 12, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-581

વસિષ્ઠ કહે છે કે-હે કાક-ભુશુંડ,પોતાના પ્રવાહોમાં સૂર્ય-ચંદ્રને પણ તાણી જનારા-પ્રલય-વાયુઓ ભારે વેગથી નિરંતર ચાલ્યા કરતા હોય છે,ત્યારે તમે મૂંઝાતા નથી? પ્રલય કાળમાં ઉદયાચળ-અસ્તાચળના પણ અનેક વનો બાળી નાખનારાં સૂર્યનાં કિરણો,તમારી અત્યંત સમીપમાં હોય ,ત્યારે તમે મૂંઝાતા નથી?
જેનું ઝાકળ (હિમ-શિલાઓ) કુહાડાઓથી પણ માંડ કપાય એવું દૃઢ થતું હશે,એવાં પ્રલય કાળનાં મેઘ-મંડળો નિરંતર આ શિખર પર વિશ્રાંત  થતાં,તેનાથી તમે મૂંઝાતા નથી?અત્યંત ઊંચા સ્થળ પર રહેલું,આ ઊંચું કલ્પવૃક્ષ- પ્રલય-કાળમાં જગતના વિષમ પ્રકારના અનેક ક્ષોભોથી પણ શું ક્ષોભ પામતું નથી?

Aug 11, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-580

ભુશુંડ કહે છે કે-હે વસિષ્ઠ મુનિ,અમારા પિતાએ એ પ્રમાણે કહીને અમને આલિંગન કર્યું
અને અમે પણ પિતાના ચરણોમાં પ્રણામ કરીને,અમે પ્રથમ સ્વર્ગ-લોક અને પછી બ્રહ્મલોકમાં ગયા- ત્યાં જઈને અમારી જનનીને અને ભગવતી બ્રહ્માણી દેવીને અમે પ્રણામ કર્યા અને અમે પિતાએ જણાવેલી વિગત કહી સંભળાવી.
તેઓએ પણ અમને સ્નેહ-પૂર્વક આલિંગન અપાઈ અને આશીર્વાદ આપ્યા-
પછી "ભલે જાઓ" એમ આજ્ઞા આપી.ત્યારે અમે પણ તેમને પણ પ્રણામ કરી,
કલ્પ-વૃક્ષની પાસે આવીને અમારા માળામાં પ્રવેશ કર્યો.

Aug 10, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-579

કાગડા થી ગર્ભિણી બનેલી તે સાત હંસીઓએ બ્રાહ્મી નામના દેવી પાસે જઈ તેમને પોતાનો વૃતાંત કહ્યો.ત્યારે બ્રાહ્મીએ હંસીઓને કહ્યું-હે પુત્રીઓ તમે હમણાં ગર્ભિણી હોવાને લીધે,મારા વાહન-પણાનું કામ કરી શકશો નહિ,એટલા માટે પ્રસવ થતાં સુધી મારી સેવાની કાળજી નહિ રાખતાં તમે ઈચ્છા પ્રમાણે ફરો.

ભુશુંડ કહે છે કે-હે વસિષ્ઠ મુનિ,હંસીઓને દયાથી એ પ્રમાણે બ્રાહ્મી દેવીએ છૂટી આપ્યા પછી,પોતે તેટલા દિવસ  સુધી,હરવું ફરવું બંધ કરીને નિર્વિકલ્પ સમાધિમાં જ રહ્યા.હંસીઓ પણ વિષ્ણુના નાભિ-કમળના મૂળમાં-બ્રહ્માના તળાવમાં વિચરવા લાગી,અને પ્રસવ નો સમય પ્રાપ્ત થતાં,એ સાતે રાજ-હંસીઓએ નાભિ-કમળના પલ્લવમાં,ત્રણ-ત્રણ કોમળ ઇંડાઓનો જન્મ આપ્યો.

Aug 9, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-578

હે વસિષ્ઠ મુનિ,એ મોટી શક્તિ-વાળી,આઠ માતૃકોમાં,અલમ્બુષા નામની જે સાતમી માતૃકા છે-
તેનું વાહન-એ-વજ્રના ખીલા જેવી ચોંચ વાળો,પહાડ જેવો ઉંચો "ચંડ" નામનો કાગડો છે.

આ સિદ્ધિઓવાળી અને ભયંકર ચેષ્ટા-વાળી એ સઘળી દેવીઓ (માતૃકાઓ) કોઈ એક સમયે,વિહાર કરવાના હેતુથી,આકાશમાં ભેગી થઇ હતી.ત્યાં તેઓએ વામમાર્ગને અનુસરીને તુંબુરૂ નામના રુદ્રનું આવાહન કરીને-(ચિત્તની એકાગ્રતા દ્વારા સમાધિમાં વાસ્તવિક આત્મ-તત્વનો પ્રકાશ થાય છે-એવા) પ્રકાશ માટે,મદિરા પીવાનો મોટો ઉત્સવ કર્યો.

Aug 8, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-577

(૧૭) ભુશુંડ ના સ્વરૂપ નું વર્ણન
હે રામચંદ્રજી,પછી, એ ભુશુંડ -કે જે-હર્ષ-શોકથી રહિત હતો,મેઘના જેવો શ્યામ અને સુંદર હતો,પ્રેમાળ અને ગંભીર વચનોવાળો હતો,પ્રથમ હાસ્ય અને પછી બોલવાની ટેવ-વાળો હતો,ત્રણે લોકની સ્થિતિ જાણી ચૂક્યો હતો,સઘળા ભોગોને તરણા સમાન લેખતો હતો,અને-વિષયો ઉપરની દોડાદોડ-એ તો કેવળ જન્મ-મરણનાં ખરાબ ફળ આપનાર જ છે-એમ સમજતો હતો.

Aug 7, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-576

પછી તે ભુશુંડે  સભામાંથી ઉઠીને મને "હે મુનિ ભલે પધાર્યા" એમ મધુર શબ્દોથી કહ્યું.
અને તેણે તરત જ પોતાના સંકલ્પ-માત્રથી ઉત્પન્ન થયેલા બે હાથ વડે,મને પુષ્પાંજલિ આપી,અને કોઈ નોકરને આજ્ઞા નહિ કરતાં,જાતે જ,ઉઠીને કલ્પવૃક્ષનાં પાંદડાં લાવી અને "આ આસન" એમ બોલીને મને આસન આપ્યું.કે જે મેં ગ્રહણ કર્યું,પછી સર્વ કાગડાઓની સભાએ પણ આસન લીધું.પ્રસન્ન થયેલા મનવાળા એ મહા-તેજસ્વી ભુશુંડે,મારું પૂજન-અર્ચન કર્યા પછી-મધુર વચને પૂછ્યું-