May 2, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-805

 

અધ્યાય-૧૫૦-શ્રીકૃષ્ણે કહેલું તાત્પર્ય 


II वासुदेव उवाच II एवमुक्ते तु भीष्मेण द्रोणेन विदुरेण च I गान्धार्या धृतराष्ट्रेण न वै मन्दोन्वबुध्यत II १ II

વાસુદેવે કહ્યું-ભીષ્મે,દ્રોણે,વિદુરે,ગાંધારીએ,અને ધૃતરાષ્ટ્રે આ પ્રમાણે કહ્યું,તો પણ મૂર્ખ દુર્યોધન સમજ્યો નહિ,એટલું જ નહિ પણ તે મૂર્ખ,સર્વનાં વચનોનો તિરસ્કાર કરીને ત્યાંથી ઉઠીને ક્રોધ વડે લાલચોળ આંખો કરીને,તે સભામાંથી ચાલી ગયો.તેની પાછળ તેના પક્ષના રાજાઓ પણ ગયા.ત્યારે તે દુર્યોધને તે રાજાઓને આજ્ઞા કરી કે-'આજે પુષ્યનક્ષત્ર છે માટે તમે કુરુક્ષેત્રમાં જાઓ' તેની આજ્ઞા સાંભળીને,તે સર્વ રાજાઓ કુરુક્ષેત્ર જવા નીકળ્યા.કૌરવોના પક્ષમાં અગિયાર અક્ષૌહિણી સેના એકઠી થઇ છે  અને તે સર્વ સેના અગ્રભાગમાં,તાડના ચિહ્નયુક્ત ધ્વજવાળા ભીષ્મ શોભી રહયા છે.(5)

May 1, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-804

અધ્યાય-૧૪૯-શ્રીકૃષ્ણે કહેલાં ધૃતરાષ્ટ્રનાં વચન 


II वासुदेव उवाच II एवमुक्ते तु गान्धार्या धृतराष्ट्रो जनेश्वरः I दुर्योधनमुवाचेदं राजमध्ये जनाधिप II १ II

વાસુદેવે કહ્યું-ગાંધારીના કહેવા પકચ્છી,ધૃતરાષ્ટ્ર રાજાઓની વચ્ચે દુર્યોધનને કહેવા લાગ્યા કે-હે પુત્ર દુર્યોધન,તને પિતા તરફ માન  હોય તો હું તને કહું તે પ્રમાણે કર,તો તારું કલ્યાણ થશે.પૂર્વે,કુરુવંશની વૃદ્ધિ કરનારા,મૂળ પુરુષ સોમ નામના પ્રજાપતિ હતા.

એ સોમથી છઠ્ઠા પુરુષ નહુષના,યયાતિ થયા હતા.યયાતિના પાંચ પુત્રોમાં યદુ વડીલ હોવાથી રાજા થયો હતો.બળના ગર્વથી મોહિત થયેલો યદુ પિતાની આજ્ઞામાં રહ્યો નહિ ને પિતાનું ને ભાઈઓનું અપમાન કરવા લાગ્યો,ને સર્વ રાજાઓને વશ કરીને હસ્તિનાપુરમાં રહેવા લાગ્યો,ત્યારે યયાતિ બહુ ક્રોધ પામ્યા ને યદુને શાપ આપી રાજ્યથી ભ્રષ્ટ કર્યો ને પોતાની આજ્ઞાને આધીન રહેનારા,નાના પુત્ર પુરુને ગાદીએ બેસાડ્યો.આ પ્રમાણે મોટો પુત્ર પણ જો ગર્વિષ્ઠ હોય તો તે રાજ્ય મેળવતો નથી પણ નાના પુત્રો પણ વડીલોની સેવાથી રાજ્ય મેળવે છે.(13)

Apr 30, 2025

PODCAST-GUJARATI-001-Discussion in Gujarati-on My Book-Sivohm-Anant ni Yatra



Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-803

 

અધ્યાય-૧૪૮-શ્રીકૃષ્ણે દ્રોણ,વિદુર અને ગાંધારીનાં વચનો કહ્યાં 


II वासुदेव उवाच II भीष्मेणोक्ते ततो द्रोणो दुर्योधनमभाषत I मध्ये नृपाणां भद्रं ते वचनं वचनक्षम: II १ II

વાસુદેવે કહ્યું-ભીષ્મના એ પ્રમાણે કહ્યા પછી,રાજાઓ વચ્ચે બોલવામાં સમર્થ દ્રોણે દુર્યોધનને કહ્યું કે-'હે તાત,પ્રતીપના પુત્ર શાંતનુ,અને દેવવ્રત ભીષ્મ,જે પ્રમાણે કુળના ભલા માટે તત્પર રહ્યા હતા,તે પ્રમાણે પાંડુ પણ વર્ત્યા હતા.ધૃતરાષ્ટ્ર અંધ હોવાથી રાજ્યના અનધિકારી હતા,છતાં કુરુવંશની વૃદ્ધિ કરનારા પાંડુએ તેમને રાજ્ય આપ્યું હતું.ને પોતાની બે રાણીઓ સાથે વનમાં ચાલ્યા ગયા હતા.વિદુર સર્વ રાજ્ય વ્યવસ્થા ને ભીષ્મ સંરક્ષણની વ્યવસ્થા કરતા હતા,ધૃતરાષ્ટ્ર તો સિંહાસન પર બેસી રહેતા હતા.આ કુળમાં ઉત્પન્ન થયેલો તું,કુરુમાં ભેદ પડાવવાનો આગ્રહ કેમ રાખે છે?તું ભાઈઓ સાથે મળીને વૈભવો ભોગવ.

Apr 29, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-802

 

અધ્યાય-૧૪૭-શ્રીકૃષ્ણે કૌરવ સભાનો વૃતાંત કહ્યો


II वैशंपायन उवाच II आगम्य हास्तिन्पुरादुनप्ल्पव्यमरिन्दमः I पांडवानां यथावृतं केशवः सर्वमुक्तवान II १ II

વૈશંપાયને કહ્યું-શ્રીકૃષ્ણે,હસ્તિનાપુરથી ઉપલવ્યમાં આવીને ત્યાં થયેલો સર્વ વૃતાંત કહ્યો.ને પછી વિશ્રાંતિ 

લઈને સૂર્યાસ્ત સમયે,ફરીથી યુધિષ્ઠિર આદિ પાંડવો સાથે બેસીને ગુપ્ત વિચાર કરવા લાગ્યા.

યુધિષ્ઠિરે કહ્યું-હે પુંડરીકાક્ષ,તમે હસ્તિનાપુરમાં જઈને સભામાં દુર્યોધનને શું કહ્યું,તે અમને કહો.

વાસુદેવે કહ્યું-મેં દુર્યોધનને સત્ય,ન્યાયયુક્ત અને હિતકારક વચનો કહ્યાં પણ તે દુર્બુદ્ધિવાળાએ ગ્રહણ કર્યાં નહિ.(6)


યુધિષ્ઠિરે કહ્યું-'હે કૃષ્ણ,તમારું કહેવું ન માનીને દુર્યોધન આડે માર્ગે જવા લાગ્યો ત્યારે,ભીષ્મપિતામહે,દ્રોણે,ધૃતરાષ્ટ્રે,ગાંધારીએ,

વિદુરે અને સભામાં બેઠેલા સર્વ રાજાઓએ તેને શું કહ્યું? તે યથાર્થ રીતે કહો.તમે જ અમારા નાથ,ગતિ અને ગુરુ છો'


વાસુદેવે કહ્યું-મારા વચનોની અવજ્ઞા કરીને તે દુર્યોધન હસ્યો,ત્યારે ભીષ્મ અતિક્રોધયુક્ત થઈને કહેવા લાગ્યા કે-

'હે દુર્યોધન,કુળના હિત માટે હું જે કહું છું,તે ધ્યાન દઈને સાંભળ,ને કુળનું હિત કર.મારા પિતા શાંતનુનો હું એકનો એક પુત્ર હતો,તો પણ તેટલાથી તે પુત્રવાળાઓમાં શ્રેષ્ઠ મનાતા હતા.પણ બુદ્ધિમાનો એક પુત્રવાળાઓને,પુત્રરહિત જ કહે છે એટલે તેમને વિચાર આવ્યો હતો કે-'મારા કુળનો વિનાશ ન થાય ને કુળનો યશ વિસ્તાર કેવી રીતે પામે?' પિતાની ઈચ્છા જાણીને,કુળને માટે રાજયહીન અને બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા કરીને માતા સત્યવતીને,મારા પિતાની સાથે લગ્ન કરવા લઇ આવ્યો હતો.

અને સંતુષ્ટ થઈને પ્રતિજ્ઞાનું પાલન કરતો હું અહીં રહું છું તે તું સારી રીતે જાણે છે.


સત્યવતીથી વિચિત્રવીર્ય નામનો મારો નાનો ભાઈ થયો,જેને રાજ્યાસન પર બેસાડીને હું તેનો સેવક થઈને નીચા દરજ્જામાં રહેવા લાગ્યો.સ્ત્રીઓમાં અતિઆસક્ત  એવો તે વિચિત્રવિર્ય ક્ષય રોગથી મરણ પામ્યો.ત્યારે સર્વેએ મને રાજા થવાનું કહ્યું,તો મેં તેમને મારી રાજયત્યાગ અને બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા જણાવી,ને સર્વેને શાંત પાડ્યા.પછી,મેં ભાઈઓની સ્ત્રીઓમાં પુત્ર ઉત્પન્ન કરવા માટે માતા સત્યવતી સાથે વિચાર કરીને,મહામુનિ વ્યાસને પ્રસન્ન કરીને યાચના કરી,તે વખતે તેમણે ત્રણ પુત્રો ઉત્પન્ન કર્યા.

તારા પિતા જન્મથી અંધ હોવાથી,રાજા થઇ શક્યા નહિ ને પાંડુને રાજ્ય મળ્યું.તે પાંડુપુત્રો રાજ્યના હક્કદાર છે,માટે તું તેમની સાથે લડાઈ કરીશ નહિ અને તેમને અર્ધું રાજ્ય આપી દે.હું જીવું છું ત્યાં સુધી કયો પુરુષ અહીં રાજ્ય કરવા સમર્થ છે?પરંતુ હું સર્વદા તમારું કલ્યાણ ઈચ્છું છું,માટે તું મારા વચનનું અપમાન કર નહિ.મને તારામાં અને તેઓમાં ભેદ નથી.ને આ વાત,તારા પિતા,ગાંધારી અને વિદુરને માન્ય  છે.તારે વૃદ્ધોનું સાંભળવું જોઈએ,તું મારા વચન પર શંકા ન રાખ અને તારો પોતાનો,પૃથ્વીનો તથા સર્વનો નાશ ન કર.(43)

અધ્યાય-147-સમાપ્ત

Apr 28, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-801

અધ્યાય-૧૪૬-કર્ણનાં વચન 


II वैशंपायन उवाच II ततः सुर्यान्निश्चरिताम् कर्णः शुश्राव भारतीं I दुर्त्यययां प्रणयिनीं पित्रुवद्भास्करेरिता II १ II

વૈશંપાયને કહ્યું-એ પ્રમાણે કુંતીએ કહ્યું,તેવામાં સૂર્યમંડળમાંથી નીકળેલી,ઉલ્લંઘન ન કરાય તેવી,પ્રેમાળ પિતાની જેમ,સૂર્યે ઉચ્ચારેલી વાણીને કર્ણે સાંભળી- 'હે કર્ણ,કુંતીએ સત્ય વાત કહી છે,તું માતાના વચન પ્રમાણે ચાલ.ને તે પ્રમાણે આચરણ કરવાથી તારું કલ્યાણ થશે' જો કે આ પ્રમાણે પિતા સૂર્યે પોતે અને માતાએ કહ્યું,તો પણ તે વખતે,સત્ય ધૈર્યવાળા કર્ણની બુદ્ધિ ડગી નહિ અને કર્ણ બોલ્યો-'હે ક્ષત્રિયાણી,તેં જે ભાષણ કર્યું,તેને હું કર્તવ્યરુપ માનતો નથી,કારણકે હવે તારી આજ્ઞા પ્રમાણે વર્તવું એ મને મારા ધર્મથી દૂર થવાનું દ્વાર છે.તેં મને જાતિથી દૂર કરવારૂપી જે મહાવિનાશકારક પાપ કર્યું છે અને મારો જે ત્યાગ કર્યો છે તે મારા માહાત્મ્ય તથા કીર્તિને નાશ કરનારાં છે.(5)