સૈન્યનિર્યાણ પર્વ
અધ્યાય-૧૫૧-સેનાપતિની નિમણુંક અને કુરુક્ષેત્રમાં પ્રવેશ
II वैशंपायन उवाच II जनार्दनवचः श्रुत्वा धर्मराजो युधिष्ठिरः I भ्रात्रुनुवाच धर्मात्मा समक्षं केशवस्य ह् II १ II
વૈશંપાયને કહ્યું-ધર્માત્મા ધર્મરાજ યુધિષ્ઠિર,શ્રીકૃષ્ણનું કહેવું સાંભળીને તેમની સમક્ષમાં જ,પોતાના ભાઈઓને કહેવા લાગ્યા કે-
કૌરવોની સભામાં જે જે થયું તે તમે સાંભળ્યું ને ધ્યાનમાં લીધું છે માટે તમે હવે આપણી પાસે એકત્ર થયેલી સાત અક્ષૌહિણી સેનાના વિભાગ પાડો.તેઓના વિખ્યાત સાત અધિપતિઓના નામ તમે સાંભળો.દ્રુપદરાજા,વિરાટ,ધૃષ્ટદ્યુમ્ન,શિખંડી,સાત્યકિ,
ચેકિતાન અને ભીમસેન.આ સાત રણમાં દેહ પડે ત્યાં સુધી યુદ્ધ કરે તેવા વીર સેનાપતિઓ છે.આ સર્વ સેનાને દોરનારો,સેનાના વિભાગને સમજનારો અને બાણરૂપી જ્વાળાવાળા અગ્નિતુલ્ય ભીષ્મને રણમાં સહન કરે તેવો,આપણામાં મુખ્ય સેનાપતિ થવા કોણ સમર્થ છે? એ સંબંધમાં સહદેવ,તું સહુથી પ્રથમ તારો મત કહે.(8)



