અધ્યાય-૧૫૨-પાંડવોની છાવણી
II वैशंपायन उवाच II ततो देशे समे स्निग्धे प्रभूतयवसेधने I निवेशयाभास सेनां राजा युधिष्ठिरः II १ II
વૈશંપાયને કહ્યું-તે પછી,યુધિષ્ઠિર રાજાએ રસાળ અને પુષ્કળ ઘાસ તથા લાકડાં મળે એવા સપાટ પ્રદેશમાં પોતાની સેનાનો પડાવ નાખ્યો.ને તેમાં સર્વેએ નિવાસ કર્યો.ત્યાં વાહનોને વિસામો આપી અને પોતે પણ વિશ્રાંતિ લઈને સ્વસ્થ થયા પછી યુધિષ્ઠિર ત્યાંથી ઉઠી અને રાજાઓથી વીંટાઇને સર્વેને મળવા આગળ ચાલવા લાગ્યા.તે વખતે અર્જુન અને શ્રીકૃષ્ણ,ઠેકઠેકાણે રક્ષણને માટે બેસાડેલાં દુર્યોધનનાં સેંકડો થાણાંઓને નસાડી ચોતરફ ફરવા લાગ્યા.ને પછી શ્રીકૃષ્ણે ખાઈ ખોદાવી અને ઉત્તમ રખવાળી કરવાની આજ્ઞા કરીને સૈનિકોનાં થાણાં બેસાડ્યાં .


