અધ્યાય-૧૫૭-બલરામ તીર્થયાત્રા કરવા ગયા
II जनमेजय उवाच II आपगेयं महात्मानं भीष्मं शस्त्रभृतांवरम् I पितामहं भारतानां धवजं सर्वमहिक्षिताम् II १ II
જન્મેજયે પૂછ્યું-'ગંગાપુત્ર,ભીષ્મપિતામહને,આ વિશાળ રણયજ્ઞમાં લાંબા કાળને માટે
દીક્ષિત થયેલા સાંભળીને,યુધિષ્ઠિર,અર્જુન અને શ્રીકૃષ્ણે શું કહ્યું?'
વૈશંપાયને કહ્યું-'મહાબુદ્ધિમાન યુધિષ્ઠિરે,પોતાના સર્વ ભાઈઓ અને શ્રીકૃષ્ણને પોતાની પાસે બોલાવીને તેઓને સાંત્વનપૂર્વક કહ્યું કે-'તમે સર્વ સૈન્યમાં ફરીને તેની તપાસ રાખો ને બખ્તરો ચડાવીને સજ્જ રહો કેમ કે તમારે પ્રથમ ભીષ્મ પિતામહની સામે યુદ્ધ કરવું પડશે.એટલા માટે તમે સાત અક્ષૌહિણી સેનાના સાત સેનાપતિ પ્રથમ યોજના કરો.'
શ્રીકૃષ્ણે કહ્યું-'હે ભરતશ્રેષ્ઠ,આવે સમયે તમારે જેવું કહેવું જોઈએ તેવું જ અર્થયુક્ત વાક્ય તમે એ બોલ્યા છો'




