અધ્યાય-૧૫૮-રૂક્મી ને પાછો કાઢ્યો
II वैशंपायन उवाच II एतास्मिन्नेव काले तु भीष्मकस्य महात्मनः I हिरण्यरोम्णो नृपते साक्षादिंद्रसखस्य वै II १ II
વૈશંપાયને કહ્યું-'એ જ સમયે ઇન્દ્રના મિત્ર ને હિરણ્યરોમા નામથી પ્રસિદ્ધ,દક્ષિણદેશના અધિપતિ,ભોજવંશી ભીષ્મકરાજાનો રુક્મી નામનો પુત્ર પાંડવો પાસે આવ્યો.તે ગંધમાદન પર્વત પર રહેનારા ગંધર્વ દ્રુમનો શિષ્ય હતો ને સંપૂર્ણ ધનુર્વેદ શીખ્યો હતો.જે રૂક્મીને,મહેન્દ્રનું 'વિજય' નામનું દિવ્ય ધનુષ્ય મળ્યું હતું.સ્વર્ગમાં રહેનારા દેવોનાં ત્રણ ધનુષ્યો જ દિવ્ય કહેવાય છે.તેમાંનું એક વરુણનું 'ગાંડીવ' (જે અર્જુન પાસે હતું) બીજું મહેન્દ્રનું આ 'વિજય' અને ત્રીજું વિષ્ણુનું 'સારંગ' (કે શ્રીકૃષ્ણ ધારણ કરે છે).ગાંડીવ ધનુષ્ય અર્જુનને ખાંડવવનમાં અગ્નિ પાસેથી મળ્યું હતું.મેઘના જેવા શબ્દવાળા 'વિજય' ધનુષ્યને મેળવી,જાણે આખા જગતને ભય પમાડતો હોય તેમ તે રૂક્મી,પાંડવોની પાસે આવ્યો હતો.