પછી,ભીષ્મે સર્વ મહારથીઓને કહ્યું કે-'આ ભીમ,કૌરવોને અને મુખ્ય આગેવાનોને મારી નાખે છે માટે તેને પકડો'
ભીષ્મનાં વચનથી દુર્યોધનના સર્વ સૈનિકોએ ભીમ સામે ધસારો કર્યો.ભગદત્ત રાજા,પોતાના પ્રાગજ્યોતિષ નામના હાથી પર બેસી ધસી આવીને ભીમને બાણોથી આચ્છાદિત કરીને,તેને છાતી પર વીંધ્યો,કે જેથી ભીમ ફરીથી મૂર્છાવશ થયો.
પિતા ભીમને એવી દશામાં જોઈને,પુત્ર ઘટોત્કચ ત્યાં આવી પહોંચ્યો ને તેને દારુણ એવી માયા રચી.નિમેષકાળમાં તો તે ઐરાવણ હાથી પર દેખાયો અને તેની પાછળ દિગ્ગજ રાક્ષસો પણ હાથી પર દેખાયા.હાથીઓ ચારે દિશામાં સજ્જ થઈને ધસી આવ્યા અને ભગદત્તના હાથીને દંતશૂળોથી પીડવા લાગ્યા.ભગદત્તનો હાથી મોટી ચીસો પાડવા લાગ્યો.





