અધ્યાય-૬૫-વિશ્વોપાખ્યાન
॥ धृतराष्ट्र उवाच ॥ भयं मे अहमहजातं तस्मयश्चैव संजय I श्रुत्वा पांडुरमाणां कर्म दैवेः सुदुष्कर ॥१॥
ધૃતરાષ્ટ્ર કહ્યું-હે સંજય,દેવોએ પણ કરવાને અશક્ય,એવું પાંડવોનું કર્મ સાંભળીને મને ઘણો જ ભય ને વિસ્મય થયું છે અને મારા પુત્રોનો પરાજય સાંભળીને 'હવે શું થશે?'તેની મને ચિંતા થયા કરે છે.અવશ્ય વિદુરનાં વાક્યો મારા હૃદયને બાળી નાખશે કારણકે દૈવયોગે બધું તેવું જ દેખાય છે.જ્યાં ભીષ્મ વગેરે શસ્ત્ર જાણનારા ઉત્તમ યોદ્ધાઓ છે,ત્યાં પણ પાંડવોના સૈન્યના યોદ્ધાઓ યુદ્ધમાં સંહાર કરી જાય છે.હે તાત,ક્યા કારણથી મહાબલિષ્ઠ પાંડવોનો નાશ થતો નથી?શું તેઓને કોઈએ વરદાન આપેલું છે?કે તેઓ કોઈ વિદ્યા જાણે છે? વારંવાર પાંડવો મારા સૈન્યને મારી નાખે છે તે મારાથી સહન થતું નથી ખરેખર,દૈવનો જ દારુણ દંડ મારા પર આવી પડ્યો છે.મારા પુત્રો માર્યા જાય છે તેનું ખરું કારણ મારી આગળ તમે કહી સંભળાવો.
મારા સર્વ પુત્રોનો ભીમ સંહાર કરી નાખશે એમાં મને લેશ પણ સંશય નથી.આ યુદ્ધમાં હું કોઈ એવો યોદ્ધો જોતો નથી કે જે મારા પુત્રોને બચાવે.હવે,મારુ સૈન્ય પાછું વળ્યું,પછી મારા પુત્રોએ શો નિશ્ચય કર્યો? તે કહી સંભળાવો.





