અધ્યાય-૭૫-છઠ્ઠો દિવસ-મકર વ્યૂહ ને ક્રૌંન્ચ વ્યૂહ
॥ संजय उवाच ॥ ते विश्रग्नततो राजन सहिताः कुरुपांडवा I ततोतायं तु सर्वर्या पुनर्युद्वाय् निर्ययुः ॥१॥
સંજયે કહ્યું-હે રાજા,આખી રાત વિશ્રાંતિ લઈને,કૌરવોએ તથા પાંડવોએ તે રાત ગાળી.પછી,સવાર થતાં ફરી યુદ્ધ કરવા માટે નીકળી પડ્યા.તે વખતે,તમારાં તથા પાંડવોનાં સૈન્યોમાં સજ્જ કરતા રથોનો,તૈયાર કરાતા હાથીઓનો,કવચો ધારણ કરતા પાળાઓનો,તથા તૈયાર કરતા ઘોડાઓનો મહાન શબ્દ થઇ રહ્યો.ત્યારે યુધિષ્ઠિરના કહેવાથી,ધૃષ્ટદ્યુમ્ને મકરવ્યૂહ રચ્યો.
તે વ્યૂહના શિરોભાગમાં દ્રુપદરાજા અને અર્જુન,મુખસ્થાનમાં ભીમ ઉભો રહ્યો.અભિમન્યુ,દ્રૌપદીના પુત્રો,ઘટોત્કચ,સાત્યકિ ને યુધિષ્ઠિર ગ્રીવાસ્થાનમાં,વિરાટરાજા ને ધૃષ્ટદ્યુમ્ન પીઠના ભાગમાં,કેકેયદેશના પાંચ ભાઈઓ ડાબા પડખામાં,ધૃષ્ટકેતુ અને ચેકિતાન જમણા પડખામાં તથા કુંતીભોજ અને શતાનીક રાજા પગના સ્થાનમાં,શિખંડી અને ઈરાવાન પુચ્છ ભાગમાં ઉભા રહ્યા.





