અધ્યાય-૯૪-આઠમો દિવસ (ચાલુ) ઘટોત્કચનું યુદ્ધ
॥ संजय उवाच ॥ स्वसैन्यं निहतं द्रष्ट्वा राजा दुर्योधनः स्वयम् I अभ्यधावत संकृद्वो भीमसेनमरिंदमम ॥१॥
સંજયે કહ્યું-પોતાના સૈન્યને માર્યું ગયેલું ને ભાગતું જોઈને,દુર્યોધન પોતે ક્રોધાયમાન થઈને ભીમસેન તરફ દોડ્યો.ને મોટી બાણવૃષ્ટિ કરીને તેને ઢાંકી દીધો.વળી,અર્ધચંદ્રાકાર બાણને છોડીને તેના ધનુષ્યને છેદી નાખ્યું ને એ સમયનો લાભ લઈને તેણે પર્વતોને પણ તોડી નાખે તેવું તીક્ષ્ણ બાણ છોડીને ભીમની છાતી પર પ્રહાર કર્યો,કે જેનાથી વિંધાઈને વ્યથિત થયેલો ભીમ પોતાના ધ્વજને પકડીને ઉભો રહ્યો.ઉદાસ થયેલા ભીમને જોઈને ઘટોત્કચ અગ્નિની જેમ ક્રોધથી બળી ઉઠ્યો.ને તે અને અભિમન્યુ તથા બીજા યોદ્ધાઓ ગર્જનાઓ કરતા દુર્યોધનની સામે દોડી ગયા.ક્રોધપૂર્વક ધસી આવતા તેમને જોઈને દ્રોણે બીજા મહારથીઓને દુર્યોધનનું રક્ષણ કરવાની આજ્ઞા કરી ને તે પોતે તથા ભૂરિશ્રવા,શલ્ય,અશ્વત્થામા-આદિ યોદ્ધાઓ દુર્યોધનને વીંટાઈ વળ્યા ને તુમુલ યુદ્ધની શરૂઆત થઇ.





