અધ્યાય-૧૦૮-દશમો દિવસ-ભીષ્મ ને શિખંડીનો સમાગમ
॥ धृतराष्ट्र उवाच ॥ कथं शिखण्डी गांगेयमभ्यवर्तत संयुगे I पांडवाश्च कथं भीष्मस्तन्ममाचक्ष्व संजय ॥१॥
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,પછીના સંગ્રામમાં શિખંડી અને પાંડવો ભીષ્મ સામે કેવી રીતે યુદ્ધ કરવા લાગ્યા?તે મને કહે.
સંજયે કહ્યું-પછી,સૂર્યનો ઉદય થતાં ભેરી,મૃદંગ અને આનક આદિ રણવાજિંત્રો વાગવા લાગ્યાં ને શંખો ફૂંકાવા લાગ્યા.શત્રુઓનો નાશ કરી નાખે તેવો મહાન વ્યૂહ રચીને પાંડવોએ શિખંડીને સર્વ સૈન્યના મોખરામાં રાખ્યો હતો.અર્જુન અને ભીમ-એ બંને ચક્રો આગળ ઉભા રહીને તેનું રક્ષણ કરતા હતા.પાછળના ભાગમાં દ્રૌપદીના પુત્રો અને અભિમન્યુ ઉભા રહ્યા.સાત્યકિ,ચેકિતાન,
ધૃષ્ટદ્યુમ્ન-આદિ તેમના સૈન્યની સાથે તેઓની પાછળ રક્ષણ કરતા ઉભા હતા.ત્યાર પછી,યુધિષ્ઠિર,નકુલ-સહદેવ,વિરાટરાજ અને દ્રુપદરાજ હતા.પાંચ કેકયરાજકુમારો અને ધૃષ્ટકેતુ પાંડવોના સૈન્યના જનઘભાગનું રક્ષણ કરતા હતા.આવી રીતે વ્યૂહ રચના ગોઠવી દઈને પાંડવો મરણિયા થઈને યુદ્ધ કરવા તમારી સેના તરફ ધસ્યા.


