અધ્યાય-૧૪-ઘોર યુદ્ધ-અભિમન્યુનું પરાક્રમ
II संजय उवाच II ततः स पांडवानीके जनयन सुमहद् भयम् I वयचरत पृतनां द्रोणो दहन कक्षमिवानालः II १ II
સંજય બોલ્યો-પછી,પાંડવોના સૈન્યમાં મહાન ભય ઉત્પન્ન કરી રહેલા એ દ્રોણાચાર્ય,ઘાસને બાળી નાખતા અગ્નિની જેમ સેનામાં ઘુમવા લાગ્યા.તેમને જોઈને સૃન્જય યોદ્ધાઓ કંપી ઉઠ્યા.ચાલાક હાથવાળા દ્રોણાચાર્યે છોડેલાં બાણો રથીઓ,ઘોડેસ્વારો,
હાથીઓ અને પાળાઓને વીંધી નાખતાં હતાં. તે દ્રોણાચાર્યે તે રણભૂમિ પર સેંકડો કલેવરોથી ભરેલી ભયંકર નદી વહાવી દીધી.
કાળો કેર વર્તાવતા એ દ્રોણાચાર્ય સામે યુધિષ્ઠિર વગેરેએ ચારે બાજુથી ધસારો કર્યો.પણ તેમને ધસી આવતા જોઈને તમારા પરાક્રમી પુત્રો તેમને ચારે બાજુથી રોકવા લાગ્યા.તે સમયનો દેખાવ રૂવાં ઉભા કરી નાખે તેવો હતો.





