શ્રદ્ધા- શ્રોતાએ શ્રદ્ધા-એકાગ્રતાથી કથા સાંભળવી જોઈએ
જીજ્ઞાસા-શ્રોતામાં જાણવાની –જીજ્ઞાસા- હોવી જોઈએ.(માત્ર કુતુહુલતા ના ચાલે)
નિર્મત્સરતા –શ્રોતાને જગતમાં કોઈ જીવ પ્રત્યે મત્સરભાવ (ઈર્ષા) ના હોવો જોઈએ.
II धृतराष्ट्र उवाच II बहूनि सुविचित्राणि द्वन्द्वयुद्धामि संजय I त्वयोक्तानि निशम्याहं स्पृहयामि स्वचक्षुपाम् II १ II
ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,તેં અનેક પ્રકારના અદભુત દ્વંદ્વયુદ્ધો મને કહ્યાં તે સાંભળીને,હું ચક્ષુવાળા મનુષ્યોના
દૃષ્ટિસુખને ઈચ્છું છું.લોકમાં આશ્ચર્યરૂપ એવા આ કૌરવ-પાંડવના યુદ્ધને મનુષ્યો ગાયા જ કરશે.આ યુદ્ધને
સાંભળતાં મને તૃપ્તિ થતી જ નથી માટે તું હવે શલ્ય અને અભિમન્યુના યુદ્ધ વિષે આગળ કહી સંભળાવ.
II संजय उवाच II ततः स पांडवानीके जनयन सुमहद् भयम् I वयचरत पृतनां द्रोणो दहन कक्षमिवानालः II १ II
સંજય બોલ્યો-પછી,પાંડવોના સૈન્યમાં મહાન ભય ઉત્પન્ન કરી રહેલા એ દ્રોણાચાર્ય,ઘાસને બાળી નાખતા અગ્નિની જેમ સેનામાં ઘુમવા લાગ્યા.તેમને જોઈને સૃન્જય યોદ્ધાઓ કંપી ઉઠ્યા.ચાલાક હાથવાળા દ્રોણાચાર્યે છોડેલાં બાણો રથીઓ,ઘોડેસ્વારો,
હાથીઓ અને પાળાઓને વીંધી નાખતાં હતાં. તે દ્રોણાચાર્યે તે રણભૂમિ પર સેંકડો કલેવરોથી ભરેલી ભયંકર નદી વહાવી દીધી.
કાળો કેર વર્તાવતા એ દ્રોણાચાર્ય સામે યુધિષ્ઠિર વગેરેએ ચારે બાજુથી ધસારો કર્યો.પણ તેમને ધસી આવતા જોઈને તમારા પરાક્રમી પુત્રો તેમને ચારે બાજુથી રોકવા લાગ્યા.તે સમયનો દેખાવ રૂવાં ઉભા કરી નાખે તેવો હતો.