(૮) કર્ણ પર્વ (Book-Part-5)
મંગલાચરણ
नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् I देवी सरस्वती चैव ततो जयमुदीरयेत् II
ૐ નારાયણ,નરોત્તમ એવા નર ભગવાન અને દેવી સરસ્વતીને પ્રણામ કરીને
'જય'(મહાભારત)નું કીર્તન શરુ કરીશું.
II वैशंपायन उवाच II ततो द्रोणे हते राजन दुर्योधनमुखा नृपाः I भृशमुद्विग्नमनसो द्रोणपुत्रमुपागमन II १ II
વૈશંપાયન બોલ્યા-'આમ,હે રાજન,દ્રોણાચાર્ય હણાયા,એટલે મનમાં અત્યંત ઉદાસ થયેલા દુર્યોધન આદિ રાજાઓ અશ્વત્થામાની પાસે ગયા,ને શારદવતીના સુત અશ્વત્થામાની આસપાસ વીંટાઇને બેઠા.એક મુહૂર્તકાળ સુધી તેમણે પરસ્પર અનેક શાસ્ત્રોક્ત દૃષ્ટાંતો કહી સંભળાવ્યા,ને પછી તે સર્વે રાજાઓ સાવધાન થઈને પોતપોતાના તંબુઓમાં ગયા.તંબુઓમાં જઈને પણ તે રાજાઓને સુખ થયું નહિ કારણકે તેઓ દુઃખ ને શોકથી વ્યાકુળ થઈ ગયા હતા.ખાસ કરીને કર્ણ,દુઃશાસન,અને શકુનિ તો સાથે મળીને વિચાર કરતા દુર્યોધનના તંબુમાં જ સુઈ રહ્યા.ત્યાં તેઓ,પોતે પાંડવોને જે દુઃખ આપ્યું હતું તેનો વિચાર કરવા લાગ્યા.જુગારમાં કપટ,દ્રૌપદીનું અપમાન-આદિ વિચાર કરતા તે રાત્રિ તેમને સો વર્ષ જેવડી થઇ ગઈ હતી.





