અધ્યાય-૧૦૭-નવમો દિવસ સમાપ્ત-ભીષ્મના વધોપાયનો તેમને જ પ્રશ્ન
॥ संजय उवाच ॥ युध्यतामव तेषां तु भास्करेस्तमुपागते I संध्यासमभवद्वोरानापश्याम ततो रणम् ॥१॥
સંજયે કહ્યું-તેઓનું યુદ્ધ ચાલુ જ હતું અને સૂર્યાસ્ત થઇ ગયો,તેથી તે જોઈ શકાતું નહોતું.ભીષ્મના ત્રાસથી યુધિષ્ઠિરનું સૈન્ય વિહવળ થતું પાછું વળી નાસવા માંડ્યું હતું.એ જોઈને યુધિષ્ઠિરે પોતાના સૈન્યને પાછા વાળવાની રુચિ કરી.એટલે તમામ સૈન્યો પાછાં વળ્યાં.ઘાયલ થયેલા સર્વ મહારથીઓ છાવણીમાં જઈ વિશ્રાંતિ કરવા લાગ્યા.ભીષ્મ,આજના યુદ્ધમાં પાંડવો ને સૃન્જયોને જીતીને તમારા પુત્રોને અભિનંદન આપીને આનંદિત થયેલા કૌરવોની સાથે વિશ્રાંતિ કરવા લાગ્યા.ભીષ્મના અદભુત પરાક્રમને જોઈને પાંડવોના યોદ્ધાઓને શાંતિ વળતી નહોતી.એટલે પાંડવો,યાદવો આદિ ભેગા મળીને વિચાર કરવા લાગ્યા.



