અધ્યાય-૯૫-તીવ્ર ઘમસાણ
II संजय उवाच II प्रविष्टयोर्महाराज पार्थवाष्णेययो रणे I दुर्योधने प्रयाते च पृष्ठतः पुरुपर्पमे II १ II
સંજય બોલ્યો-હે મહારાજ,પેલી તરફ જયારે અર્જુન રણમાં આવ્યો ને દુર્યોધન તેની સામે ગયો,ત્યારે પાંડવો સોમક યોદ્ધાઓની સાથે મોટા મોટા શબ્દો કરીને દ્રોણાચાર્ય સામે વેગપૂરક ધસી ગયા.વ્યુહના મોખરામાં જ તેમનું તુમુલ યુદ્ધ શરુ થયું,કે જે જોનારને રોમાંચ કરે તેવું ને આશ્ચર્યકારક હતું.તેવું યુદ્ધ મેં કદી જોયું નથી કે સાંભળ્યું નથી.બરાબર મધ્યાહ્નન કાળે તે યુદ્ધ શરુ થયું હતું.ત્યાં ધૃષ્ટદ્યુમ્ન આદિ પાંડવો દ્રોણાચાર્યના સૈન્યને બાણોથી ઢાંકી દેતા હતા ને સામે દ્રોણાચાર્યને આગળ કરીને કૌરવો પાંડવો પર બાણોનો વરસાદ વરસાવતા હતા ને તેમના સૈન્યને આગળ વધતું રોકી રહ્યા હતા.





