અધ્યાય-૧૦૯-રાક્ષસ અલંબુષનો વધ
II संजय उवाच II अलंबुषं तथा युद्धे विचरंतमभीतवत I हैडीम्बिः प्रपयो तूर्ण विव्याध निशितैः शरैः II १ II
સંજય બોલ્યો-ફરી પાછો આવીને રાક્ષસ અલંબુષ તે રીતે જ નિર્ભયની જેમ યુદ્ધમાં ઘુમવા લાગ્યો ત્યારે હિડિમ્બાપુત્ર ઘટોત્કચ તેની સામે ધસી ગયો ને તેને તીક્ષ્ણ બાણોથી વીંધવા લાગ્યો.તે વખતે બે રાક્ષસો વચ્ચે ઇન્દ્ર ને શમ્બરાસુર જેવું ભયંકર યુદ્ધ શરુ થયું હતું.ઘટોત્કચે,અલંબુષને વીસ નારાચ બાણોથી વિંધિંને સિંહની જેમ વારંવાર ગર્જના કરવા લાગ્યો.બંને રાક્ષસો માયા રચીને લગભગ સરખી રીતે જ યુદ્ધ કરતા હતા.બંને માયાયુદ્ધમાં કુશળ હતા.ઘટોત્કચ જે માયા ઉપજાવતો હતો તેનો અલંબુષ પોતાની માયાથી નાશ કરતો હતો.તે જોઈને ભીમસેન આદિ યોદ્ધાઓ તેને ચારે બાજુથી ઘેરી વળ્યા.





