અધ્યાય-૧૩૪-કર્ણનું રણમાંથી પલાયન થવું
II संजय उवाच II सर्वथा विरथः कर्णः पुनर्भिमेन निर्जितः I रथमन्यं समास्थाय पुनर्विव्याध पांडवम् II १ II
સંજય બોલ્યો-હવે સર્વથા રથરહિત થયેલો અને ભીમસેનથી પરાજય પામેલો કર્ણ બીજા રથમાં બેસીને પુનઃ યુદ્ધ કરવા આવ્યો અને બાણો વડે ભીમસેનને વીંધવા લાગ્યો.જેમ,બે મોટા હાથીઓ સામસામા આવીને દંતશૂળોથી એકબીજા પર પ્રહાર કરે તેમ,તે બંને જણા કાન સુધી ખેંચેલા ધનુષ્યોમાંથી છુટેલાં બાણો વડે અન્યોન્ય પર પ્રહાર કરવા લાગ્યા.ને એકબીજાને વીંધી નાખવા લાગ્યા.જયારે કર્ણે,આખા શરીરને ચીરી નાખે તેવું બાણ ભીમસેન સામે છોડ્યું કે જેણે ભીમને અત્યંત વીંધી નાખ્યો ત્યારે ક્રોધથી લાલ થયેલા ભીમસેને છ આરાઓવાળી એક ભારે ગદા વિચાર કર્યા વિના કર્ણના તરફ ફેંકી કે જે ગદાએ કર્ણના ઘોડાઓને મારી નાખ્યા.પછી બાણો મૂકીને તેણે તેના સારથિને પણ મારી નાખ્યો.





