Jul 4, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1168

 

અધ્યાય-૧૭૦-ધૃષ્ટદ્યુમ્નની દ્રોણાચાર્ય પર ચડાઈ 

 II संजय उवाच II तस्मिन् सुतुमुले युद्धे वर्तमाने भयावहे I ध्रुष्ट्ध्युम्नो महाराज द्रोणमेवाभ्यवर्तत II १ II

સંજય બોલ્યો-હે મહારાજ,આ પ્રમાણે જયારે તે મહાભયંકર તુમુલ યુદ્ધ થઇ રહ્યું હતું ત્યારે ધૃષ્ટદ્યુમ્ને દ્રોણાચાર્ય સામે જ ધસારો કર્યો હતો.તે વખતે પાંચાલ ને પાંડવ યોદ્ધાઓ તેને વીંટાઈ વળ્યા હતા.દ્રોણને શત્રુઓથી ઘેરાયેલા જોઈને તમારા પુત્રો બરાબર સાવધ થઈને દ્રોણની રક્ષા કરવા લાગ્યા.જોતજોતામાં તે બે સૈન્યો મોટા મહાસાગરની જેમ સામસામે આવી ગયાં.

દ્રોણાચાર્યે પચીસ બાણોથી ધૃષ્ટદ્યુમ્નને વીંધીને તેના ધનુષ્યને કાપી નાખ્યું ત્યારે તેણે નવું ધનુષ્ય હાથમાં લઈને એક ઘોર બાણ છોડ્યું,તે તેજસ્વી બાણે જાણે સૈન્યને પ્રકાશિત કર્યું હતું,પણ તે બાણને આચાર્યના રથ સામે ધસી આવતું જોઈને કર્ણે તેને અધવચ્ચે જ કાપી નાખ્યું,ને બીજાં દશ બાણોથી ધૃષ્ટદ્યુમ્નને વીંધી નાખ્યો.

Jul 3, 2026

ભાગવત રહસ્ય-૧૮૬-Bhgavat Rahasya-186

સમુદ્રમંથનમાંથી તે પછી-કામધેનું ગાયમાતા બહાર આવ્યા છે.પહેલાં સંપત્તિ આવે છે-
તેનો ઉપયોગ પરોપકારમાં કરજો. કામધેનું એ સંતોષનું પ્રતિક છે.
કામધેનું ગાયનું બ્રાહ્મણો ને દાન કરવામાં આવ્યું.જેને આંગણે સંતોષ-રૂપી ગાય હોય એ બ્રાહ્મણ બ્રહ્મનિષ્ઠ છે.બ્રાહ્મણનું જીવન અતિસાત્વિક હોવું જોઈએ.તે પછી ઉચ્ચૈ:શ્રવા નામનો ઘોડો નીકળ્યો છે.ઘોડો જોઈ દૈત્યોનું મન લલચાય છે. તે દૈત્યોને આપ્યો છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1167

 

અધ્યાય-૧૬૯-રાત્રિયુદ્ધનું રૌદ્ર સ્વરૂપ 

   II संजय उवाच II नकुलं रमसं युद्धे निघ्नंतं वाहिनीं तव I अभ्ययात सौबलः कृद्वस्तिष्ठ तिष्ठेति चात्रवित II १ II

સંજય બોલ્યો-એ યુદ્ધમાં નકુલ વેગપૂર્વક તમારી સેનાનો સંહાર કરી રહ્યો હતો તે સમયે સુબલપુત્ર શકુનિ તેની સામે ધસ્યો.ને તેમની વચ્ચે યુદ્ધ શરુ થયું.તે બંને એકબીજા પર પ્રહાર કરી રહ્યા હતા ને બંને લોહીથી લથબથ થયા હતા.કોપિત શકુનિએ ત્યારે એક કર્ણઆકારનું બાણ મૂકીને નકુલના હૃદયને વીંધ્યું કે જેથી તે મૂર્છા પામીને રથની બેસણી પર બેસી ગયો.થોડીવારે જયારે તેને ભાન આવ્યું ત્યારે તે ફરીથી શકુની તરફ ધસ્યો ને તેના ધનુષ્યને કાપી નાખ્યું ને બાણો મૂકી તેનો સાથળોને ઘાયલ કર્યા.ઘણો ઘાયલ ને બેભાન થયેલો શકુની ધજાના દાંડાને પકડી રથની બેઠક પર બેસી ગયો.ત્યારે તેનો સારથિ તેને રણમાંથી દૂર લઇ ગયો.આમ,શકુનિને હરાવીને નકુલ સિંહનાદ કરવા લાગ્યો ને પછી તે દ્રોણાચાર્ય પ્રતિ ધસ્યો.

Jul 2, 2026

ભાગવત રહસ્ય-૧૮૫-Bhgavat Rahasya-185

સમુદ્ર-મંથન કરતાં- સમુદ્રમાંથી સહુથી પહેલાં ઝેર નીકળ્યું.
મનને સ્થિર રાખી જે પ્રભુ પાછળ પડે છે-તો પહેલું ઝેર મળે છે.ભગવાન કસોટી કરે છે.
ઝેર સહન કરે તો પછી અમૃત મળે છે.મહા પુરુષોએ ઝેર પચાવ્યું,દુઃખ સહન કર્યું-
એટલે એમને ભક્તિરૂપી અમૃત મળ્યું છે.
નિંદા એ ઝેર છે,કર્કશ વાણી એ ઝેર છે.પ્રતિકૂળ પરિસ્થિતિ એ ઝેર છે.
દુઃખી થયા વગર આ ઝેર સહન કરવાનું છે. તો અમૃત મળે છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1166

 

અધ્યાય-૧૬૮-નકુલપુત્ર શતાનીક વગેરે યોદ્ધાઓનું યુદ્ધ 


 II संजय उवाच II शतानीकं शरैस्तुर्ण निर्दहंतं चमूं तव I चित्रसेनस्तव सुतो वारयामास भारत II १ II

સંજય બોલ્યો-હે ભારત.નકુળનો પુત્ર શતાનીક,બાણો મુકીમુકીને તમારી સેનાને સંહારી રહ્યો હતો,તે જોઈને તમારા પુત્ર ચિત્રસેને તેને અટકાવ્યો,ને તેની છાતી પર નવ બાણો મૂકીને પ્રહાર કર્યો.શતાનીકે સામે બાણો મૂકી તેના કવચને,ધ્વજને ને ધનુષ્યને કાપી નાખ્યું.ચિત્રસેને નવું ધનુષ્ય લઈને શતાનિકને ફરીથી વીંધ્યો ત્યારે ક્રોધિત થયેલ શતાનીકે,ચિત્રસેનના ચારેય ઘોડાઓ ને સારથિને મારી નાખ્યા ને તેનું ધનુષ્ય પણ કાપી નાખ્યું.રથ વગરનો થયેલ ચિત્રસેન કૃતવર્માનાં રથ પર ચડી ગયો.

Jul 1, 2026

ભાગવત રહસ્ય-૧૮૪-Bhgavat Rahasya-184

શુકદેવજી વર્ણન કરે છે-એક સમયે ઇન્દ્ર ફરવા નીકળ્યો. દુર્વાસા ઋષિ સામે મળ્યા.
દુર્વાસા વૈકુંઠલોકમાંથી પાછા આવતા હતા.તેમના હાથમાં પ્રભુએ આપેલી પ્રસાદીની માળા હતી.દુર્વાસાએ તે માળા ઇન્દ્રને આપી. ઇન્દ્ર એ ગુમાનમાં તે માળા હાથીની સૂંઢ પર ફેંકી દીધી.હાથીની સૂંઢ પરથી તે હાથીના પગ આગળ પડી અને હાથી તેને પગથી કચડવા લાગ્યો.દુર્વાસાને લાગ્યું-કે-ઇન્દ્રે મારું અને ફૂલમાં જે લક્ષ્મીજી છે –તેનું અપમાન કર્યું છે.તેથી દુર્વાસાએ-ઇન્દ્રને શાપ આપ્યો છે-તું દરિદ્ર થઈશ.