Jul 20, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1180

 

અધ્યાય-૧૮૨-કર્ણે ઈંદ્રની શક્તિનો દુરુપયોગ કર્યો તેનું કારણ 


II धृतराष्ट्र उवाच II एकवीरवधे मोघा शक्तिः सुतात्मजे यदा I कस्मात्सर्वान समुत्सृज्य स तां पार्थेन मुक्तवान II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-કર્ણ પાસેની શક્તિ એક જ વીરનો વધ કરી નિષ્ફળ થનારી હતી,એમ પોતે તે જાણતો હતો છતાં તેણે બીજા બધાને છોડીને માત્ર અર્જુન પર જ તે શક્તિ કેમ ન ફેંકી? અર્જુનનું તો એવું મહાવ્રત છે કે-'મને કોઈ યુદ્ધ કરવા બોલાવે તો મારે પાછા ફરવું નહિ'તો એવા વ્રતવાળા અર્જુન પાસે કર્ણે પોતે યુદ્ધની માંગણી કરી તેને કેમ ન માર્યો?ખરેખર મારો પુત્ર બુદ્ધિહીન છે અને સહાય વિનાનો હોઈને શત્રુઓથી છેતરાયો છે.અરેરે જે શક્તિ કર્ણની પરમ શક્તિરૂપ હતી તે શક્તિને ઘટોત્કચ પર વપરાવી વાસુદેવે તે નિષ્ફળ કરી ! કર્ણ અને ઘટોત્કચની લડાઈથી વાસુદેવને લાભ જ થયો છે.


સંજય બોલ્યો-'ઇન્દ્રે આપેલી શક્તિથી અર્જુનને મારવો છે' એવી કર્ણની ઈચ્છાને જાણી લઈને જ મધુસૂદને ઘટોત્કચને કર્ણ સામે યુદ્ધમાં યોજ્યો હતો.કર્ણથી શ્રીકૃષ્ણ અર્જુનની રક્ષા ન કરે તો તે સમયે આપણું કાર્ય પરિપૂર્ણ થઇ જાય.શ્રીકૃષ્ણ અનેક ઉપાયોથી અર્જુનની રક્ષા કર્યા કરે છે,ને તેથીજ અર્જુન શત્રુઓને જીતે છે.


ધૃતરાષ્ટ્ર બોલ્યા-મારો પુત્ર બુદ્ધિહીન સલાહકારો પાસે રાખીને સર્વની સાથે વિરોધ કરી બેઠો છે.ને પોતાનામાં બુદ્ધિ નથી છતાં પણ બુદ્ધિમાન હોવાનો ફાંકો ધરાવે છે.તેની બુદ્ધિહીનતાના પરિંણામે જ અર્જુનનો વધ કરવાનો ખરો ઉપાય તેની નજર આગળથી પસાર થઇ ગયો છે.પણ,કર્ણને આ વાતની કેમ સમજ ન પડી?


સંજય બોલ્યો-અરે,દુર્યોધન,શકુનિ દુઃશાસન,હું દર રાત્રીએ કર્ણ પાસે નિત્ય પ્રાર્થના કરતા હતા કે-'હે કર્ણ,આવતી કાલે તું સર્વ સૈન્યને પડતાં મૂકી અર્જુનને જ મારી નાખજે.અથવા અર્જુનના મરણ પછી પાંડવોમાંના કોઈ એકને તે શ્રીકૃષ્ણ મુખ્ય કરીને સ્થાપશે એવી શંકા હોય તો આ શક્તિથી તું શ્રીકૃષ્ણને જ મારી નાખજે,કારણકે પાંડવોનું મૂળ તો શ્રીકૃષ્ણ જ છે,તે જ તેમનું બળ છે,તે જ તેમના નાથ છે ને તે જ તેમના આશ્રય સ્થાન છે.કૃષ્ણ મરણ પામે તો સર્વ પૃથ્વી કૌરવોના તાબામાં આવી જાય'


કર્ણે પણ તે વાતનો દૃઢ નિશ્ચય કર્યો હતો,પણ યુદ્ધકાળે શ્રીકૃષ્ણની ત્યાં હયાતી છતાં કર્ણને તે બાબતનું કંઈ ભાન રહ્યું નહોતું.વળી,તે શક્તિના કારણથી કર્ણ સામે અર્જુનને યુદ્ધમાં ઉભો રાખવાની શ્રીકૃષ્ણની ઈચ્છા ન હતી.'કર્ણની પાસે રહેલી તે શક્તિને હું કેવી રીતે નિષ્ફળ કરું?'એ વિચારને મનમાં ઘોળી રાખીને બીજા મોટા મોટા મહારથીઓને પણ તે કર્ણ સામે યુદ્ધમાં મોકલતા નહોતા.શ્રીકૃષ્ણ અર્જુનની રક્ષા કર્યા કરે છે તો પોતે પોતાની રક્ષા કેમ ન કરે?સુદર્શન ચક્રધારી શ્રીકૃષ્ણના સંબંધમાં મને વિચાર કરતાં એમ જ દેખાય છે કે-આ ત્રણે લોકમાં એવો કોઈ નથી કે જે તેમનો યુદ્ધમાં પરાજય કરે.જોકે સાત્યકિએ પણ શ્રીકૃષ્ણને આ જ પ્રશ્ન કર્યો હતો કે-'કર્ણે અર્જુન પર તે અમોઘ શક્તિ કેમ ન ફેંકી?'


ત્યારે વાસુદેવે કહ્યું હતું કે-'દુઃશાસન,શકુનિ,કર્ણ આદિ દુર્યોધનની આગળ બેસી નિરંતર આ વિષયની મસલત કર્યા કરતા હતા ને બધા કર્ણને કહેતા હતા કે-'પાંડવો સામે યુદ્ધ પ્રસંગે અર્જુન સિવાય બીજા કોઈના પર તારે શક્તિ ફેંકવી નહિ.કેમ કે અર્જુનના મરણથી સર્વ પાંડવો પ્રાણહીન થઇ જશે' તેમનાં વચન સાંભળીને કર્ણે પણ 'તથાસ્તુ' એમ પ્રતિજ્ઞા કરી હતી.તે સમયથી કર્ણને અર્જુનનો વધ પ્રત્યક્ષ દેખાયા કરતો હતો.


પણ હે સાત્યકિ,તે કર્ણને હું જ મોહ પમાડી દઉં છું ને તેથી જ તે શક્તિ તેણે અર્જુન પર ફેંકી નહોતી.આજે ઘટોત્કચ પર તે શક્તિ વપરાઈ ગયેલી જોઈને હું અર્જુનને મૃત્યુથી છૂટી ગયેલો જોઉં છું.અર્જુનને બચાવી લેવાની જેટલી કાળજી મને રહે છે તેટલી મને,મારા માતા,પિતા,તમે,ભાઈઓ કે મારા પ્રાણોને બચાવી લેવાની પણ રહેતી નથી.વધારે શું કહું? ત્રૈલોક્યના રાજ્ય કરતાં પણ અર્જુનના જીવિત સિવાય હું બીજી કશું ન ઈચ્છું.અર્જુન આજે મરણ પામીને જાણે પાછો આવ્યો હોય તેવો અતિહર્ષ મને થઇ રહ્યો છે.અર્જુનની રક્ષા કરવા જ મેં તે ઘટોત્કચને આજે રણમાં મોકલ્યો હતો કેમ કે કર્ણને હંફાવવા માટે એ રાક્ષસ ઘટોત્કચ સિવાય બીજો કોઈ સમર્થ નહોતો.'(47)

અધ્યાય-182-સમાપ્ત

Jul 17, 2026

ભાગવત રહસ્ય-૧૯૯-Bhgavat Rahasya-199

ગીતાજીનો આરંભ-ધર્મ-શબ્દથી કર્યો છે.અને અંત –મમ-શબ્દથી કર્યો છે.
આ બે શબ્દો ની મધ્યમાં ગીતા છે.
મમ-એટલે મારું- મારુ શું ? તો મમ-ધર્મ-એટલે-મારો એક માત્ર ધર્મ જ છે.
અહીં ધર્મ એટલે સત્કર્મ- મારે હાથે જેટલું સત્કર્મ થયું એટલું જ મારું છે.શરીર પણ મારું નથી.
અર્જુને ભગવાનને કહ્યું-હું તમારો છું-તમારી શરણે આવ્યો છું.તો તેને ભગવાને અપનાવવો પડ્યો.અને પ્રેમથી વશ થઇ - તેનો રથ હાંકવો પડ્યો.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1179

 

અધ્યાય-૧૮૧-અર્જુન પ્રત્યે શ્રીકૃષ્ણનાં વચન 


 II अर्जुन उवाच II कथमस्मद्विधार्थ ते कैश्व योगैजनार्दन I जरासंघप्रमृतयो धातिताः पृथिवीश्वराः II १ II

અર્જુન બોલ્યો-'હે જનાર્દન,તમે કયા ઉપાયો દ્વારા જરાસંઘ આદિ રાજાઓને અમારું હિત કરવા માટે મારી નખાવ્યા છે?'

વાસુદેવ બોલ્યા-'જરાસંઘ,શિશુપાળ અને મહાબળવાન એકલવ્ય જો પ્રથમ માર્યા ગયા નહોત તો દુર્યોધન યુદ્ધના સમયે તેમને પક્ષમાં લેત અને તેઓ આ સમયે ભયંકર થઇ પડત.કેમ કે તેમનો આશ્રય કરીને દુર્યોધન આ સઘળી પૃથ્વીનો વિજય કરી શકત.મેં જે ઉપાયોથી તેમને માર્યા તે સિવાય દેવો પણ તેમને રણમાં જીતી શકે તેમ નહોતા.તે ઉપાયો તું સાંભળ.

Jul 16, 2026

ભાગવત રહસ્ય-૧૯૮-Bhgavat Rahasya-198

વામનજીએ બલિરાજાને સંકલ્પ મુકાવડાવ્યો.અને સંકલ્પ જેવો પત્યો –કે-
વામનજીએ પોતાનું સ્વરૂપ વધાર્યું અને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે.
ચરણ ધરતી પર અને મસ્તક બ્રહ્મલોક સુધી ગયું છે. શ્રીઅંગથી જગતને વ્યાપી લીધું છે.જગતમાં સર્વ ઠેકાણે વામન ભગવાનનું સ્વરૂપ દેખાય છે.
જગતની બહાર દશ આંગળ રહ્યા છે.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1178

 

અધ્યાય-૧૮૦-પાંડવો શોકમાં ત્યારે શ્રીકૃષ્ણ આનંદમાં 


 II संजय उवाच II हैडिंबिं निहतं द्रष्ट्वा विशीर्णमिवपर्वतम् I वभुवुः पांडवा: सर्वे शोकवाष्वाकुलेक्षणाः II १ II

સંજય બોલ્યો-તૂટી પડેલા પર્વત જેવા વિશાળ શરીરવાળા તે હિડિમ્બાનંદનને જોઈને સર્વ પાંડવો શોકાશ્રુથી આકુળ નેત્રોવાળા થઇ ગયા.પણ તે જ સમયે શ્રીકૃષ્ણ તો મોટા હર્ષથી છલકાઈ જવા લાગ્યા ને સિંહનાદ કરીને અર્જુનને ભેટી પડ્યા.ને અર્જુનને થાબડીને રથની બેસણી પર રહીને પુનઃ ગર્જના કરવા લાગ્યા.ત્યારે અર્જુન મનમાં ઉદાસ થઈને તેમને કહેવા લાગ્યો કે-'હે મધુસૂદન,ઘટોત્કચના મરણથી આપણે શોક પામ્યા છીએ તે વખતે તમે અતિ હર્ષ કરો તે અસ્થાને લાગે છે.આમાં કોઈ નાનુંસૂનું કારણ નહિ જ હોય,તમે જે સત્ય હોય તે કહો.જો વાત છાની રાખવા જેવી ન હોય તો તે મને કહેવી ઘટે છે'

Jul 15, 2026

ભાગવત રહસ્ય-૧૯૭-Bhgavat Rahasya-197

બલિરાજા શુક્રાચાર્યને કહે છે-હું પ્રહલાદના વંશનો છું,હું વૈષ્ણવ છું.અમે વૈષ્ણવો ગળામાં કંઠી ધારણ કરીએ છીએ.વૈષ્ણવો પોતાનું શરીર પરમાત્માને અર્પણ કરે છે.શરીર ભોગ માટે નથી ભગવાનના માટે છે,તેનું સતત સ્મરણ રહે તે માટે વૈષ્ણવો ગળામાં કંઠી ધારણ કરે છે.હું સર્વ અર્પણ કરીશ એટલે મારો બ્રહ્મસંબંધ થશે.અને ભગવાનનો થઈશ.એટલે હું જ્યાં જાઉં ત્યાં પરમાત્માએ આવવું પડશે.કદાચ હું નરકમાં જાઉં તો ઠાકોરજીએ ત્યાં આવવું પડશે.આજે હું સર્વસ્વનું દાન કરીશ.છો ને પછી –ભલે- મારે નરકમાં જવું પડે.