અધ્યાય-૫૩-અર્જુન અને સંશપ્તકો
II संजय उवाच II वर्तमाने तथा युद्धे क्षत्रियाणां निमज्जने I गाण्डिवस्य महाघोषाः श्रूयते युधि मारिष II १ II
સંજય બોલ્યો-હે રાજા,ક્ષત્રિયોના વિનાશ કરનારું તે યુદ્ધ એ પ્રમાણે ચાલી રહ્યું હતું,તેમાં બીજી તરફથી ગાંડીવનો મહાન ટંકારવ સંભળાતો હતો.તે સ્થળે અર્જુન,સંશપ્તકોનો,કોસલોનો તથા નારાયણી સૈન્યનો ઘાણ વાળી રહ્યો હતો.સંશપ્તકોની બાણવૃષ્ટિનો નાશ કરતો તે અર્જુન મોટામોટા રથી યોદ્ધાઓનો સંહાર કરતો રથ સેનામાં દાખલ થઈને સુશર્મા પાસે જઈ પહોંચ્યો ને તેના પર બાણોનો મારો ચલાવવા લાગ્યો.ત્યારે સુશર્માએ દશ બાણોથી અર્જુનને વીંધ્યો,શ્રીકૃષ્ણની જમણી ભુજામાં પ્રહાર કર્યો ને એક ભલ્લ બાણથી અર્જુનના ધ્વજને વીંધી નાખ્યો,એટલે વિશ્વકર્માએ બનાવેલો મહાન વાનરરાજ અતિ મહાન શબ્દથી કિકિયારીઓ પાડવા લાગ્યો,જેના શબ્દથી તમારી સેનાએ અત્યંત ત્રાસી ગઈ અને ભયમાં આવી નિશ્ચેટ થઇ પડી.




