Showing posts with label પતંજલિના યોગસૂત્રો. Show all posts
Showing posts with label પતંજલિના યોગસૂત્રો. Show all posts

Dec 13, 2014

પતંજલિના યોગસૂત્રો-61-Yogsutra of Patanjali-Gujarati

  • तदुपरागापेक्षत्वात् चित्तस्य वस्तु ज्ञाताज्ञातम् (૧૭)

તે વસ્તુ, એ ચિત્ત પર કેવું પ્રતિબિંબ પાડે છે,તેના પર જ્ઞાન થવાનો કે ન થવાનો આધાર રહેલો છે.(૧૭)

  • सदा ज्ञाताश्चित्तवृत्तयस्तत्प्रभोः पुरुषस्यापरिणामित्वात्  (૧૮)

ચિત્ત-વૃત્તિઓ સદા જ્ઞાત છે,કારણકે ચિત્ત નો માલિક સદા અપરિણામી છે, (૧૮)

જગત માનસિક અને ભૌતિક બંને છે,આ બંને પ્રકારનું જગત નિરંતર પરિવર્તન પામ્યા જ કરે છે.
પરિવર્તન રહિત,નિરંજન,અને શુદ્ધ -એક માત્ર પુરુષ (આત્મા) છે.
જેવી રીતે ફિલ્મ-પ્રોજેક્ટર એ સફેદ પડદાને બગડ્યા વિના તેના પર ચિત્રો પાડે છે,
તેવી રીતે,પુરુષ પર જગતના બધા અનુભવો માત્ર પ્રતિબિમ્બિત થયેલા છે.

  • न तत् स्वाभासंदृश्यत्वात्  (૧૯)

મન-એ દૃશ્ય-વસ્તુ  હોવાને લીધે -સ્વયં-પ્રકાશ નથી. (૧૯)

પ્રકૃતિ માં સર્વત્ર જબરદસ્ત "શક્તિ" વ્યક્ત થયેલી જોવામાં આવે છે.તેમ છતાં પ્રકૃતિ સ્વયં-પ્રકાશ નથી.
કેવળ પુરુષ (આત્મા) જ સ્વયં-પ્રકાશ છે.અને પોતાનો પ્રકાશ સર્વ વસ્તુઓને આપે  છે.
સમસ્ત જડ-દ્રવ્ય અને બળ (શક્તિ) માં થઈને પ્રસરી રહેલી શક્તિ-એ પુરુષ (આત્મા) ની જ છે.

  • एकसमये चोभयानवधारणम्  (૨૦)

ચિત્ત પોતાને તેમ જ બીજી વસ્તુને એક જ સમયે અનુભવી શકતું નથી. (૨૦)

જો ચિત્ત સ્વયં-પ્રકાશ હોત તો-તે પોતાને ને બીજા પદાર્થો ને એકી સાથે જ જાણી શકત,પણ તે તેમ કરી શકતું નથી.જયારે તે પદાર્થ ને જાણે છે,ત્યારે તે પોતાને જાણી શકતું નથી,તેથી પુરુષ જ સ્વયં-પ્રકાશ છે,ચિત્ત નહિ.

  • चित्तान्तरदृश्ये बुद्धिबुद्धेरतिप्रसङ्गः स्मृतिसंकरश्च (૨૧)

જો ચિત્ત ને બીજું એક ચિત્ત પ્રકાશિત કરે છે એમ માનવામાં આવે તો-એવી કલ્પનાઓનો ક્યાંય અંત નહિ આવે,અને પરિણામે સ્મૃતિઓની સેળભેળ થઇ જશે. (૨૧)

ધારો કે એક બીજું ચિત્ત છે,જે આ સામાન્ય ચિત્ત ને જાણે છે,તો પછી એ (પહેલા) ચિત્ત ને જાણવા ત્રીજા
કોઈ ચિત્ત ની જરૂર પડશે.અને એ રીતે તેનો કોઈ અંત નહિ આવે.અને પરિણામે સ્મૃતિમાં ગોટાળો ઉભો  થશે.

  • चितेरप्रतिसंक्रमायास्तदाकारापत्तौ स्वबुद्धिसंवेदनम् (૨૨)

ચિત્ત-વસ્તુ (એટલે કે પુરુષ-આત્મા) એ અપરિવર્તનશીલ હોવા ને લીધે, જયારે.
ચિત્ત એ પુરુષ (આત્મા) નો આકાર લે છે,ત્યારે તેને (ચિત્તને) પોતાનું ભાન થાય છે, (૨૨)

પતંજલિ આ સૂત્ર દ્વારા એ સ્પષ્ટ કરવા માગે છે કે-"જ્ઞાન" એ પુરુષ (આત્મા) નો ગુણ નથી.પણ,
જયારે ચિત્ત-એ પુરુષની નજીક આવે છે ત્યારે પુરુષ એ જાણે કે ચિત્ત પર પ્રતિબિમ્બિત થાય છે,
અને ચિત્ત એટલા સમય પૂરતું -જાણે કે સચેતન બને છે.અને પોતે જ પુરુષ હોય તેમ ભાસે છે.

  • द्रष्टृदृश्योपरक्तं चित्तं सर्वार्थम् (૨૩)

દ્રષ્ટા (આત્મા) અને દૃશ્ય (બાહ્ય-જગત) થી રંગાયેલું-એ ચિત્ત સર્વ વસ્તુ ને જાણી શકે છે.(૨૩)

ચિત્ત ની એક બાજુએ દૃશ્ય (બાહ્ય-જગત) અને બીજી બાજુએ દ્રષ્ટા (આત્મા) પ્રતિબિંબિત થાય છે,
કે જેના લીધે ચિત્તમાં સઘળું જાણવાની શક્તિ આવે છે.

  • तदसंख्येयवासनाचित्रम् अपि परार्थं संहत्यकारित्वात्  (૨૪)

ચિત્ત અસંખ્ય વાસનાઓથી ચિત્ર-વિચિત્ર થયેલું હોવા છતાં-તે
વિષયો ની સાથે મળીને કાર્ય કરતું હોવાથી બીજા (પુરુષ) ને માટે છે. (૨૪)

ચિત્ત એ વિવિધ વસ્તુઓનું મિશ્રણ છે,અને તેથી તે પોતાને માટે કાર્ય કરી શકતું નથી, અને દુનિયામાં
જે જે વસ્તુ મિશ્રણ-રૂપ છે,તેમનો તે મિશ્રણ થી અલગ કોઈ હેતુ હોય છે.કે જેને માટે તે મિશ્રણ-ક્રિયા ચાલી
રહી હોય છે.અહીં,ચિત્ત-રૂપી મિશ્રણ એ પુરુષ (આત્મા) ને માટે છે.


   PREVIOUS PAGE     
        NEXT PAGE       
     INDEX PAGE                  

Dec 12, 2014

પતંજલિના યોગસૂત્રો-60-Yogsutra of Patanjali-Gujarati

  • जातिदेशकालव्यवहितानाम् अप्यानन्तर्यं । स्मृतिसंस्कारयोः एकरूपत्वात् (૯)
સ્મૃતિ અને સંસ્કારો એક-રૂપ હોવાથી વાસનાઓ-જાતિ.દેશ.કાળ વડે જુદી પડેલી હોવા છતાં -
તેમનો અનુક્રમ બરાબર રહે છે. (૯)

અનુભવો સૂક્ષ્મ થઈને "સંસ્કાર" બને છે,અને સંસ્કારો ફરી જાગ્રત થતાં "સ્મૃતિ" બને છે.
અહીયાં "સ્મૃતિ" શબ્દ નો અર્થ-એ છે કે-સંસ્કાર-રૂપ થઇ ગયેલા ભૂતકાળના અનુભવોનો,
વર્તમાનમાં થતા સમજ-પૂર્વક ના કાર્ય ની સાથે "અજ્ઞાત-રીતે" થતો સુમેળ.

દરેક શરીર (દેવ-પ્રાણી-માનવ-વગેરે)માં,પૂર્વે તેના જેવા જ મેળવેલા શરીરમાં થી મેળવેલા
સંસ્કારો નો સમૂહ---એ આ શરીરમાં ના "કાર્ય નું કારણ" બને છે.
જુદા જુદા શરીર (દેવ-માનવ-પ્રાણી-વગેરે) માં મળેલા સંસ્કારો (જે ના વપરાયા તે) પાછળ ઠેલાયેલા રહે છે.
દરેક શરીર,જાણે કે તે જાતિના પૂર્વનાં શરીરો નું વારસદાર ના હોય-તેમ કામ કરે છે.અને-
આ રીતે વાસનાઓનો ક્રમ તૂટતો નથી.

  • तासाम् अनादित्वं चाशिषो नित्यत्वात्  (૧૦)

સુખ ની આશા નિત્ય હોવાથી આશાઓ અનાદિ છે. (૧૦)

સઘળાં અનુભવ ની પૂર્વે સુખ (વાસના) ની આશા રહેલી હોય છે.અનુભવો નો કોઈ આદિ નથી.
કારણકે દરેક અનુભવ પૂર્વના અનુભવથી ઉત્પન્ન થયેલા મનના વલણ પર આધાર રાખતો હોય છે.
તેથી વાસના (આશા) અનાદિ છે.

  • हेतुफलाश्रयालम्बनैः संगृहीतत्वाद् एषाम् अभावे तदभावः (૧૧)

હેતુ (કારણ), ફળ (કાર્ય) અને આલંબન (વિષયો) વડે વાસના બંધાયેલી હોવાથી,
આ બધાં નો અભાવ થાય ત્યારે વાસનાઓનો અભાવ થાય. (૧૧)

  • अतीतानागतं स्वरूपतोऽस्त्यध्वभेदाद् धर्माणाम् (૧૨)

વસ્તુઓના "ધર્મો" ના પ્રકાર જુદાજુદા હોવાને લીધે,ભૂતકાળ અને ભવિષ્યકાળ વાસ્તવિક-રૂપ લાગે છે.(૧૨)

અહીં કહેવા એ માગે છે કે-અસ્તિત્વ-ની ઉત્પત્તિ કદી "અભાવ" માંથી થાય નહિ.
ભૂતકાળ અને ભવિષ્યકાળ -એ "વ્યક્ત-રૂપે" ના હોવા છતાં "સૂક્ષ્મ-રૂપે" હોય છે.

  • ते व्यक्तसूक्ष्मा गुणात्मानः  (૧૩)

એ વસ્તુઓના "ધર્મો" એ ત્રિગુણાત્મક (સત્વ-રજસ-તમસ) હોવાથી વ્યક્ત કે સૂક્ષ્મ-રૂપે રહે છે. (૧૩)

ગુણો (એટલે સત્વ-રજસ-તમસ) ની સ્થૂળ (વ્યક્ત) અવસ્થા એ એ આ "ઇન્દ્રિય-ગોચર- જગત" છે.
આ ગુણો ના પ્રગટ થવાના જુદાજુદા પ્રકારોમાંથી,ભૂતકાળ અને ભવિષ્ય-કાળ ની ઉત્પત્તિ થાય છે.

  • परिणामैकत्वाद् वस्तुतत्त्वम् (૧૪)

પરિણામો માં એકતા હોવા ને લીધે- વસ્તુઓ માં એકતા રહેલી છે. (૧૪)

ગુણો,જો કે ત્રણ છે પણ,તેમનાં પરિણામો પરસ્પર સંકળાયેલાં હોવાથી,સઘળા પદાર્થો માં એકતા રહેલી છે.

  • वस्तुसाम्ये चित्तभेदात् तयोर्विभक्तः पन्थाः  (૧૫)

વસ્તુ એક જ હોવા છતાં તે વસ્તુ વિશેનો "અનુભવ અને ઈચ્છાઓ " એ ભિન્ન ભિન્ન હોવાને લીધે-
તે વસ્તુ અને વસ્તુ નો અનુભવ કરનાર મન-એ બંને જુદાજુદા પ્રકારના છે. (૧૫)

કહેવા એ માગે છે કે-આપણા મનથી સ્વતંત્ર એવું એક બાહ્ય જગત છે.
એ એક વસ્તુ નો જુદાજુદા માણસો જુદીજુદી રીતે અનુભવ કરે છે,તે કારણસર-
તે વસ્તુ કોઈ એક જ વસ્તુ ની કલ્પના-માત્ર નથી.

  • न चैकचित्ततन्त्रं वस्तु तद् अप्रमाणकं तदा किं स्यात्  (૧૬)

વસ્તુ એક જ ચિત્ત પર આધાર રાખી રહેલ છે,એમ ન કહી શકાય,કારણકે અમુક અવસ્થામાં તે ચિત્ત ના અસ્તિત્વ નું પ્રમાણ ન રહેતાં તે વસ્તુ અસ્તિત્વ-રહિત બની જાય. (૧૬)


   PREVIOUS PAGE     
        NEXT PAGE       
     INDEX PAGE                  

Dec 11, 2014

પતંજલિના યોગસૂત્રો-59-Yogsutra of Patanjali-Gujarati

  • प्रवृत्तिभेदे प्रयोजकं चित्तम् एकम् अनेकेषाम्  (૫)

જો કે જુદાજુદા "નિર્માણ-ચિત્તો" ની પ્રવૃત્તિઓ જુદીજુદી હોય છે,તો પણ તે બધાનું,
નિયામક તો તે પેલું એક "મૂળ-ચિત્ત" જ હોય છે. (૫)

આ જુદાંજુદાં મન,કે જેઓ જુદાં જુદાં શરીરોમાં રહી ને કાર્ય કરે છે.તેમણે "નિર્માણ-ચિત્તો" કહેવામાં આવે છે.
અને તે શરીરો ને નિર્માણ શરીરો કહેવામાં આવે છે.
જડ-દ્રવ્ય (શરીર) અને મન એ બંને શક્તિના અખૂટ ભંડાર જેવા છે,અને માનવ જયારે યોગી બને છે ત્યારે તેને તેનું મહત્વ સમજાય છે.એ બધું સદા સાથે હતું પણ વિસરાઈ ગયું હતું તે તેને યાદ આવે છે.
અને પછી તેને તે મન ગમે તે રીતે -તેનો ઉપયોગ કે વ્યવહાર કરી શકે છે.

જે ઉપાદાન દ્રવ્ય માંથી નિર્માણ-ચિત્ત તૈયાર થાય છે,તે જ ઉપાદાન દ્રવ્ય સમષ્ટિ-બ્રહ્માંડ માટે વપરાયું છે.
તે બંને એક જ વસ્તુ ના બે જુદાજુદા પ્રકાર છે.
જેમાંથી યોગીનાં નિર્માણ-ચિત્તો તૈયાર થાય છે-તે "અસ્મિતા" (અહં-ભાવના કે અસ્તિત્વ ની સૂક્ષ્મ અવસ્થા)

તેથી જયારે યોગીને આ કુદરતની શક્તિઓના રહસ્ય નો પત્તો લાગી જાય છે,ત્યારે આ
"અસ્મિતા" (અહં-ભાવના) માંથી જોઈએ તેટલાં મન કે શરીરો ઉત્પન્ન કરી શકે છે.

  • तत्र ध्यानजम् अनाशयम् (૬)

આ વિવિધ ચિત્તોમાંથી -ધ્યાન દ્વારા સમાધિ એ પહોંચેલું ચિત્ત વાસના-રહિત થયેલું હોય છે. (૬)

જુદા જુદા મનુષ્યોમાં જોવામાં આવતા જુદાજુદા ચિત્તોમાંથી માત્ર જે ચિત્ત સમાધિ અવસ્થા યાને
સંપૂર્ણ એકાગ્રતા ની અવસ્થાએ પહોંચ્યું હોય તે જ સર્વોચ્ચ છે.જે મનુષ્યે-ઔષધિઓ,મંત્ર કે તપ વડે,
અમુક સિદ્ધિઓ મેળવી હોય છે,તેનામાં વાસનાઓ હજી રહેલી હોય છે,પણ જે મનુષ્યે એકાગ્રતા એટલે કે
ધ્યાન દ્વારા સમાધિ-અવસ્થા પ્રાપ્ત કરી હોય છે તે જ કેવળ સર્વ વાસનામાંથી મુક્ત હોય છે.

  • कर्माशुक्लाकृष्णं योगिनः त्रिविधम् इतरेषाम् (૭)

યોગીઓ ને માટે કર્મો,શુભ કે અશુભ-હોતા નથી પણ
બીજાઓ માટે તે શુભ-અશુભ-મિશ્ર એમ ત્રણ પ્રકારના હોય છે.(૭)

યોગી જયારે પૂર્ણતાએ પહોંચેલો હોય છે,ત્યારે તેના કાર્યો (કર્મો)  અને કાર્યો ના પરિણામે ઉત્પન્ન થયેલું
કર્મ-ફળ તેને બંધન કર્તા બનતા નથી.કારણકે તેણે તે કર્મો કશી વાસનાથી પ્રેરાઈને કરેલાં હોતાં નથી.
તે સહજ રીતે કાર્ય કરે જાય છે,બીજાનું ભલું કરવા કર્મ કરે છે. અને જ્યારે તે બીજાનું ભલું કરે છે,પણ
તેના ફળ ની સ્પૃહા (બદલાની આશા) રાખતો નથી.

પણ સાધારણ મનુષ્યો કે સર્વોચ્ચ સ્થિતિએ પહોંચ્યા નથી,તેમણે માટે કર્મો ત્રણ પ્રકારનાં હોય છે.
શુભ (શુક્લ) અશુભ (કૃષ્ણ એટલે કે કાળું) અને મિશ્ર (શુભાશુભ)

  • ततस्तद्विपाकानुगुणानाम् एवाभिव्यक्तिर्वासनानाम्  (૮)

આ ત્રિવિધ (શુભ-અશુભ-મિશ્ર) કર્મો ના ફળ-રૂપે જે અવસ્થામાં (શરીરમાં) જે યોગ્ય હોય તે વાસનાઓ જ
વ્યક્ત થાય છે. (૮)

ધારો કે કોઈએ ઉપર બતાવેલા ત્રણ પ્રકારના કર્મો કર્યા છે અને તે મર્યા પછી,સ્વર્ગે જઈને દેવ થાય તો,
તે દેવ-શરીરમાં મનુષ્ય-શરીર જેવી વાસનાઓ હોતી નથી.દાખલા તરીકે દેવ-શરીરમાં ખાવા-પીવાનું હોતું નથી,તો પછી જે કર્મો ખાવા-પીવાની વૃત્તિ કરે તેવાં ભોગવ્યા વગરનાં પૂર્વ-કર્મો નું શું થાય?
દેવ શરીરમાં એ કર્મો ક્યાં જાય? તેનો ઉત્તર એ છે કે-વાસનાઓ કેવળ "તેમને અનુરૂપ " વાતાવરણમાં જ
વ્યક્ત થઇ શકે છે.

એટલે કે જે વાસનાઓને માટે જે વાતાવરણ યોગ્ય હોય તે જ વાસનાઓ પ્રગટ થવાની.બીજી બાકીની
સંઘરાઈ રહેવાની.આ બતાવે છે કે-વાતાવરણ ના સહયોગ થી આપણે વાસનાઓને દાબી શકીએ.
આમ,વાતાવરણ ને અનુકૂળ હોય તેવાં જ કર્મો પ્રગટ થાય છે,કે જે બતાવે છે કે-વાતાવરણ ની શક્તિ એ ખુદ કર્મ ને પણ નિયંત્રિત કરનારું  બહુ મોટું બળ છે.


   PREVIOUS PAGE     
        NEXT PAGE       
     INDEX PAGE                  

Dec 10, 2014

પતંજલિના યોગસૂત્રો-58-Yogsutra of Patanjali-Gujarati

ખેતરો ની સિંચાઇ માટેનું પાણી તો નહેરમાં છે જ,પણ તેમાંથી ખેતરમાં આવવાના દરવાજાઓ
બંધ છે,પણ જયારે ખેડૂત તે દરવાજાઓ ખોલી નાખે છે ત્યારે પાણી ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે -
એની મેળે જ ખેતરમાં પ્રવેશી જાય છે.
તે પ્રમાણે-સઘળી શક્તિ અને પ્રગતિ એ મનુષ્યમાત્ર માં પહેલે થી જ રહેલાં છે.પૂર્ણત્વ એ માનવી નો
સ્વભાવ છે.જો કોઈ તેની વચ્ચે આવતી અડચણ દૂર કરે તો તે-પૂર્ણત્વ-રૂપી સ્વભાવ પામવામાં ઝડપથી
પ્રગતિ કરશે.અને ત્યારે મનુષ્ય,પોતાનામાં પહેલેથી જ રહેલી શક્તિઓને પ્રાપ્ત કરે છે.

જેવો એ પ્રતિબંધ તૂટે ને -પૂર્ણત્વ-રૂપી સ્વભાવ પ્રગતિ ને પંથે ઝડપભેર ચાલવા માંડે,ત્યારે,
જેમણે આપણે દુષ્ટ કહીએ છીએ તેવો મનુષ્ય સંત બની જાય છે.

પ્રકૃતિ જ આપણને પૂર્ણત્વ પ્રતિ ધકેલી રહી છે,અને ક્રમેક્રમે સૌ-કોઈ પૂર્ણત્વે પહોંચશે જ .
આપણી,ધાર્મિક બનવા માટે ની બધી  સાધનાઓ, અને મથામણો એ માત્ર કાર્યો જ છે.(કે જે)
આપણા જન્મ-સિદ્ધ હક્ક,આપણા સ્વભાવ-રૂપી પૂર્ણત્વ ને આડે આવતી,અડચણો દૂર કરીને તેના
દરવાજા ખુલ્લા કરવા માટે છે.

ભારતના પ્રાચીન ઉત્ક્રાંતિ-વાસી પતંજલિ ઘોષણા કરે છે-કે-ઉત્ક્રાંતિ એટલે પ્રાણીમાત્રમાં પ્રથમ થી જ
રહેલી પૂર્ણતાનું પ્રગટ થવું.આ પૂર્ણતા ને આડે પ્રતિબંધ આવી રહેલા છે,અને તેમની પાછળ રહેલી
અનંત-શક્તિ ની ભરતી પોતાને પ્રગટ કરવા મથામણ કરી રહી છે.
આ મથામણો એ આપણા અજ્ઞાન નું જ પરિણામ છે,કારણકે પાણી ને અંદર આવવા દેવાનો દરવાજો
કેમ ઉઘાડવો? તેની રીત આપણે જાણતા નથી.

પાછળ રહેલી અનંત ભરતી પ્રગટ થવી જ જોઈએ.અને એ જ સમગ્ર વિકાસ નું કારણ છે.
અજ્ઞાન ની પેલે પાર રહેલો એ પૂર્ણત્વ-રૂપી સ્વભાવ,જ્યાં સુધી એકેએક મનુષ્ય પૂર્ણત્વે પહોંચે નહિ,
ત્યાં સુધી આપણને આગળ ને આગળ જવા માટે ધકેલ્યા જ કરશે.

પશુ-યોનિ માં મનુષ્યત્વ દબાઈ રહેલું હતું,પણ જેવો દરવાજો ખુલ્લો થઇ ગયો,તેવું જ મનુષ્યત્વ બહાર
પ્રગટ થયું.અને તે જ પ્રમાણે મનુષ્યમાં તેની અંદર દેવત્વ  દબાઈ રહેલું છે,અજ્ઞાન ના દરવાજા અને
આડશો ની પાછળ અટકાઈ ને રહેલું છે,પણ જ્ઞાન થી જયારે આ પ્રતિબંધો તૂટી જાય છે ત્યારે,
દેવત્વ પ્રગટ થાય છે.

  • निर्माणचित्तान्यस्मितामात्रात् (૪)

નિર્માણ ચિત્તો ની ઉત્પત્તિ એકલા અહંકારમાંથી જ થાય છે. (૪)

કર્મ નો સિદ્ધાંત એવો છે-કે-સારાં કે નરસાં કારમો નું ફળ આપણે ભોગવવું પડે છે.અને
સમગ્ર ફિલસુફી નો સિદ્ધાંત એ છે કે-મનુષ્ય ને મહિમા-મય સ્થિતિએ પહોંચવાનું છે.
સઘળાં શાસ્ત્રો -મનુષ્યના આત્માની ગાથા ગયા કરે છે,અને સાથો સાથ કર્મ કરવાનો પણ ઉપદેશ આપે છે.

કહે છે કે-શુભ કર્મો નું ફળ એક પ્રકાર નું અને અશુભ કર્મો નું ફળ બીજા પ્રકારનું હોય છે.પણ,
જો આત્મા પર એ સારાં કે નરસાં કર્મ નો પ્રભાવ પડી શકતો હોય તો એ આત્મા નું કોઈ મુલ્ય નથી.

પરંતુ થાય છે એ-કે-ખરાબ કર્મો પુરુષના સ્વરૂપ ને પ્રગટ થવામાં આડો પ્રતિબંધ ઉભો કરે છે,અને,
સારાં કર્મો તે પ્રતિબંધ ને દૂર કરે છે એટલે પુરુષ (આત્મા) નો મહિમા પ્રગટ થાય છે.
પુરુષ (આત્મા) માં કોઈ જ પરિવર્તન થતું નથી,કે તેનું સ્વરૂપ નાશ પામતું નથી.કારણકે-તે આત્માની
ઉપર કોઈ વસ્તુ નો પ્રભાવ પડી શકતો નથી,પણ  તેની આડે જે આવરણ આવી ગયેલું છે તેનાથી,
તેની પૂર્ણતા ઢંકાઈ ગયેલી છે.

પોતાના કર્મો નો જલ્દી જલ્દી ક્ષય કરી નાખવાના હેતુ થી,યોગી પુરુષો-"કાય-વ્યુહ" એટલે કે-
શરીરો ના સમૂહ નિર્માણ કરે છે.અને આ બધા શરીરો ના માટેના "મન" ને યોગીઓ "અહં-તત્વ" માંથી
નિર્માણ કરે છે,એ બધાં શરીરોને, મૂળ મનથી તેમનું ભિન્નત્વ દર્શાવવા માટે તેમને "નિર્માણ-ચિત્તો" કહે છે.


   PREVIOUS PAGE     
        NEXT PAGE       
     INDEX PAGE                  

Dec 9, 2014

પતંજલિના યોગસૂત્રો-57-Yogsutra of Patanjali-Gujarati-Kaivalya Paad

(4) કૈવલ્ય-પાદ

  • जन्मौषधिमन्त्रतपःसमाधिजाः सिद्धयः (૧)

જન્મ,ઔષધિઓ,મંત્ર,તપ અને સમાધિ દ્વારા સિદ્ધિઓ મળે છે. (૧)

કોઈ કોઈ વખતે એવું ને છે કે કે કોઈ મનુષ્ય સિદ્ધિઓ લઈને જ જન્મે છે.આવું બને છે -કારણકે-
એ સિદ્ધિઓ તેને આગલા જન્મમાં મેળવેલી હોય છે.આ જન્મમાં તો જાણે તે ફળ ભોગવવાને જ
જન્મેલો હોય છે.સાંખ્ય-દર્શન ના જનક મહર્ષિ કપિલ વિષે એમ કહેવાય છે.કે-
તેઓ જન્મ થી જ સિદ્ધ હતા.

યોગીઓ એવો દાવો કરે છે કે-આ સિદ્ધિઓ રસાયણો દ્વારા પણ મેળવી શકાય.ભારતમાં રસાયણ-વિદ્યા
જાણનારાઓનો એક સંપ્રદાય હતો.તેમનો મત એવો હતો કે-આદર્શવાદ,જ્ઞાન,ધર્મ અને અધ્યાત્મિકતા-
એ બધાં ઠીક છે,કારણકે તે બધાને પામવાનું સાધન તો એક-માત્ર શરીર છે.જો શરીર વારંવાર નાશ પામતું
હોય તો -તેને ધ્યેયે પહોંચતા તો ઘણો બધો સમય લાગે,ઘણી વખત જન્મો ના જન્મો વીતી જાય.
એટલે જો શરીર ને મજબૂત અને સંપૂર્ણ બનાવી શકાય કે જેથી જન્મ-મૃત્યુ-રોગ ટાળી શકાય.તો
આધ્યાત્મિક બનવા માટે આપણ ને વધુ સમય મળે.

તેમની એક માન્યતા એવી પણ હતી કે-પારો અને ગંધક માં અદભૂત માં અદભૂત શક્તિ છુપાયેલી પડી છે.
આ બંને માંથી તૈયાર કરેલ રસાયણો દ્વારા -મનુષ્ય પોતાના શરીર ને ધારે તેટલું ટકાવી શકે.
અત્યારના આધુનિક સમયની ઘણીયે અદભૂત દવાઓ આ રસાયણ-શાસ્ત્ર ને આધારે છે.
પતંજલિ પણ ઔષધિ થી મળતી સિધ્ધીઓ ને નકારી કાઢતા નથી.

મંત્ર-શક્તિ-કેટલાક પવિત્ર શબ્દો ને મંત્રો કહેવામાં આવે છે,તેમનો જયારે યોગ્ય સંજોગોમાં જપ કરવામાં આવે તો તે અદભૂત સિદ્ધિઓ આપવાની શક્તિ ધરાવે છે.

તપ- હિંદુ ધર્મ અને બીજા અનેક ધર્મો માં પણ કઠોર તપશ્ચર્યાઓ અને વ્રતો બતાવ્યા છે,ને તેના દ્વારા પણ
સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.

સમાધિ-સમાધિ એટલે એકાગ્રતા.ખરો યોગ આ જ છે,સમાધિ એ વિજ્ઞાન નો વિષય છે અને સર્વોચ્ચ સાધન છે.આની પહેલાં ના સાધનો ગૌણ છે.કે જેના વડે આપણે સર્વોચ્ચ ધ્યેયે પહોંચી ના શકીએ.પણ,
માત્ર સમાધિ જ એવું સાધન છે કે-જેના વડે આપણે માનસિક,નૈતિક કે આધ્યાત્મિક -સર્વ મેળવી શકીએ.

  • जात्यन्तरपरिणामः प्रकृत्यापूरात् (૨)

પ્રકૃતિ દ્વારા (જોઈતી ખોટ) પૂરી પડવાથી,એક જતી બીજી જાતિમાં પરિણામ પામે છે. (૨)

સિદ્ધિઓ નો સિદ્ધાંત સમજાવ્યા પછી,પતંજલિ,કહે છે કે-એક જાતિમાંથી બીજી જાતિમાં પરિવર્તન થવામાં,
કારણભૂત છે -પ્રકૃતિ ની પૂરવણી.અને તેનો ખુલાસો હવે પછીના સૂત્રમાં કરે છે.

  • निमित्तम् अप्रयोजकं प्रकृतीनां । वरणभेदस्तु ततः क्षेत्रिकवत् (૩)

જાતિમાં પરિવર્તનો થવામાં સારાં-નરસાં કર્મો એ સાચું કારણ નથી,પણ પ્રકૃતિ ની ઉત્ક્રાંતિમાં
આવતી અડચણો ને દૂર કરનાર-તરીકે તેઓ કામ કરે છે.
જેવી રીતે-ખેડૂત,ચાલ્યા આવતા પાણીના પ્રવાહને -ક્યારીમાં જતા રોકનારી પાળ-રૂપી અડચણ ને
ભાંગે છે એટલે પાણી એની મેળે ક્યારીમાં વહી જાય છે તેમ.......(૩)


   PREVIOUS PAGE     
        NEXT PAGE       
     INDEX PAGE