Showing posts with label સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ. Show all posts
Showing posts with label સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ. Show all posts

Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૬૩

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

શિષ્ય પ્રશ્ન કરતાં કહે છે કે-હે,પ્રભુ,”તત્” અને “ત્વમ” એ પદો નો અર્થ કેટલા પ્રકારનો માન્યો છે?
વાચ્યાર્થ ને એક ગણતાં કયો વિરોધ આવે છે,અને લક્ષ્યાર્થ ને એક માનતાં એ વિરોધ કેવી રીતે દૂર થાય છે? લક્ષ્યાર્થ ની એકતા કહેવામાં કઈ લક્ષણા સ્વીકારી છે ?તે કૃપા કરી સમજાવો. (૭૦૦-૭૦૨)

ગુરૂ કહે છે કે-હે,સુજ્ઞ શિષ્ય,તુ સાવધાન થઇ ને સાંભળ,આજે તારું તપ ફળ્યું છે,
એ વાક્ય નો અર્થ સાંભળવાથી જ તને ઉત્તમ પ્રકારનું જ્ઞાન થશે. (૭૦૩)

તત્-અને-ત્વમ-એ બંને પદો નો અર્થ જ્યાં સુધી સારી રીતે વિચારતો નથી,ત્યાં સુધી,જ,
મનુષ્યો ને મૃત્યુ-રૂપ સંસાર જેનું લક્ષણ છે –એનું બંધન રહે છે. (૭૦૪)

સત્-ચિત્-આનંદ-અને અખંડ એકરસ જેનું સ્વ-રૂપ છે એવી અવસ્થા –તે જ મોક્ષ છે.અને
તત્વમસિ- એ વાક્યના અર્થ નું અપરોક્ષ જ્ઞાન થવાથી સજ્જનો ને મોક્ષ પ્રાપ્ત થાય છે.(૭૦૫)

મુમુક્ષુઓએ સંસારથી છુટવા સારું એ વાક્યનો અર્થ જ જાણવો જોઈએ.માટે,
તુ એકાગ્ર થઈને સાંભળ,હું તને સંક્ષેપ માં તે કહું છું. (૪૦૬)

ઉત્તમ પંડિતોએ વાચ્ય,લક્ષ્ય,-વગેરે ભેદો થી અનેક જાતના અર્થો કહ્યા છે,
તેમાંથી પ્રસંગ પૂરતું હું કહું છું તે તુ સાંભળ. (૭૦૭)

તત્વમસિ- એ વાક્ય માં –તત્-ત્વમ-અસિ-એમ ત્રણ પદો છે.
તેમાં પ્રથમ રહેલા -તત્- પદ નો અર્થ કહું છું. (૭૦૮)

શાસ્ત્ર નો અર્થ જાણનારા પંડિતો એ આ- તત્-પદ ના બે અર્થ કહ્યા છે.
(૧) વાચ્ય -અને (૨) લક્ષ્ય. તેમાં નો વાચ્યાર્થ પ્રથમ કહું છું.તે તુ સાંભળ. (૭૦૯)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૬૨

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

જેમ,ચંદ્ર એક જ વસ્તુ છે,છતાં મનુષ્ય ની દૃષ્ટિ ના દોષથી તે –બે-રૂપે દેખાય છે,
તેમ,બ્રહ્મ એક જ વસ્તુ છે પણ બુદ્ધિના દોષથી તે બે દેખાય છે.
પરંતુ એ દોષ નાશ પામતાં,એક જ વસ્તુ (બ્રહ્મ) પ્રકાશે છે. (૬૯૦)

જેમ, દોર્દીના સ્વરૂપ નું જ્ઞાન થતા,એ દોરડીમાં ભ્રમ થી થયેલી,સર્પ ની બુદ્ધિ વિલીન થાય છે,
તેમ,બ્રહ્મ નું જ્ઞાન થતાં જ અજ્ઞાનથી જણાયેલી જગત ની ભ્રાંતિ દૂર થાય છે. (૬૯૧)

તે જ પ્રમાણે,જો ઉપાધિ (માયા) હોય,તો જ એ ઉપાધિ સાથે એકરૂપ થયેલો આત્મા ભાસે છે,
અને તેથી,તે સજાતીય –ભેદવાળો-હોય તેવો જણાય છે,પરંતુ
સ્વપ્ન માં જોયેલા પદાર્થ ની પેઠે એ ઉપાધિ મિથ્યા જ છે,
તેથી તે (ઉપાધિ) જયારે જણાતી નથી,
ત્યારે આ આત્મા પોતે જ બ્રહ્મ સાથે એકતાને પામે છે.અને જુદો જણાતો જ નથી,
અને “બ્રહ્મ અને આત્મા” એવો સજાતીય ભેદ પણ બ્રહ્મ-વિષે રહેતો નથી.(૬૯૩)

જેમ ઘડાનો નાશ થતાં,તેની અંદર નું આકાશ (ઘડાકાશ) બહારના આકાશ (મહાકાશ) સાથે મળી જઈ,
એકરૂપ થઇ જાય છે,
તેમ,ઉપાધિ (માયા) નો નાશ થતા,આ આત્મા પોતે જ કેવળ બ્રહ્મ બની રહે છે.
ઘડો હોય કે ના હોય –ત્યારે પણ આકાશ તો સદા પૂર્ણ જ છે,
નિત્ય-પૂર્ણ આકાશ નો,કઈ વસ્તુ થી વિચ્છેદ-વિનાશ-કે વિભાગ થઇ શકે તેમ છે? (નથી જ થતો)
તે જ રીતે ઘડામાં રહેલું આકાશ ખરી રીતે તો છેદ કે વિભાગ ને પામેલું જ નથી હોતું,
તેમ છતાં એ વિભાગ પામ્યું હોય એમ પામર અજ્ઞાનીઓ ને જણાય છે.

વળી આવીજ રીતે,
જેમ, જમીન બધી એક જ છે,છતાં-ગામ,ખેતર-વગેરે અવધિ ઓથી વિભાગ પામી કે
જુદીજુદી થઇ હોય તેમ લાગે છે,
તેમ,મોટી વસ્તુઓ કરતાં પણ અતિશય મોટા,પરબ્રહ્મ,
ભ્રાંતિ થી,કલ્પી કાઢેલી વસ્તુઓ ને લીધે,જાણે વિભાગ અથવા જુદા સ્વરૂપ ને
પામ્યા હોય તેમ જણાય છે,(ખરી રીતે તે પૂર્ણ પરબ્રહ્મ એક જ છે) (૬૯૪-૬૯૭)

માટે બ્રહ્મ અને આત્મા નો ભેદ કલ્પિત જ છે,વાસ્તવિક નથી.
આવા અભિપ્રાય થી જ શ્રુતિ “તત્વમસિ” ઈત્યાદી વાક્યો થી વારંવાર બ્રહ્મ-આત્મા ની એકતા કહે છે.
તત્વમસિ એ વાક્યનાં ”તત્” અને ‘ત્વમ” એ પદો નો વાચ્યાર્થ ઉપયોગી નથી,
કેમ કે તેમાં પ્રત્યક્ષ આદિ પ્રમાણ નો વિરોધ આવે છે,પરંતુ,એ બંને પદો નો લક્ષ્યાર્થ જ ઉપયોગી છે,
અને એમ લક્ષ્યાર્થ-રૂપે જ જીવ (આત્મા) તથા બ્રહ્મની એકતા સિદ્ધ થાય છે.(૬૯૮-૬૯૯)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૬૧

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

વળી સજ્જનો માં ઉત્તમ,બ્રહ્મ ને જાણનારા અને ધન્યવાદ ને પાત્ર એવા,ધીર મહાત્માઓ,
પણ સમાધિમાં કેવળ આનંદ-સ્વ-રૂપે (અપરોક્ષપણે-પ્રત્યક્ષ) અનુભવે છે.
એમ આ આત્મા વિષે સંશય જ નથી. (૬૬૬-૬૬૭)

બ્રહ્માથી માંડીને સર્વ પ્રાણીઓ,પોતપોતાની ઉપાધિ પ્રમાણે,આ આત્મા ના જ આનંદ-રૂપ એક અંશનો
અનુભવ કરી રહ્યા છે.(સર્વ ને જે કંઈ આનંદ નો અનુભવ થાય છે તે આત્મા નો જ છે) (૬૬૮)

જેમ, ખાવાના પદાર્થોમાં જે મધુર રસનો સ્વાદ જણાય છે તે ગોળનો જ રસ છે,બીજા કોઈ (તીખા-ખાટા)
પદાર્થ ની એ મીઠાશ નથી,
તેમ,વિષયો ના સામીપ્યથી જે આનંદ જણાય છે,તે બિંબ-રૂપ આનંદ (આત્મા) ના અંશ નું
પ્રતિબિંબ (પ્રકાશ) જ છે, જડ વિષયો નો એ આનંદ નથી. (૬૭૦)

એટલું જ નહિ,પણ જે કોઈ પદાર્થ ના સંબંધ થી જે કોઈ સ્થળે આનંદ દેખાય છે,
તે પર-બ્રહ્મ ની સ્ફૂર્તિ એટલે કે પ્રતિબિંબ (અથવા પ્રકાશ) છે. (૬૭૧)

જેમ ચંદ્ર-વિકસી કમળોનું ખીલવું,તે ચન્દ્ર ના નિર્મળ પ્રકાશ થી જ થાય છે,
તેમ,સર્વ પ્રાણીઓ ને જે આનંદ પ્રકટે છે તે,પરબ્રહ્મ-રૂપ વસ્તુ ના પ્રકાશથી જ પ્રકટે છે. (૬૭૨)

સત્-ચિત્ અને આનંદ-એ પરમાત્મા નું “સ્વ-રૂપ” છે,પણ એ તેમના ગુણો નથી,
કેમ કે પરમાત્મા નિર્ગુણ છે,તેથી તેમણે અને ગુણો ને સંબંધ ન જ હોય.

વળી સત્-ચિત્-આનંદ  એ પરમાત્મા નાં વિશેષણ પણ નથી,કેમકે-
કોઈ બીજું દ્રવ્ય હોય તો તેનાથી અલગ પાડવા વિશેષણ અપાય છે.પણ પરમાત્મા એક અને અદ્વિતીય છે.
અને આ દેખાતો પ્રપંચ (માયા) તો મિથ્યા જ છે,

શ્રુતિ પણ “કેવલો નિર્ગુણમ્-પરમાત્મા એક જ અને નિર્ગુણ છે” એમ કહે છે.તેથી તે સત્-ચિત્-આનંદ
પરમાત્મા ના ગુણો હોય એમ ઘટતું જ નથી.

માટે જેમ ઉષ્ણતા અને પ્રકાશ એ અગ્નિ નું જ સ્વ-રૂપ છે,
તેમ સત્-ચિત્-આનંદ,એ પરમાત્મા નું જ સ્વરૂપ છે,એમ વેદોએ નિશ્ચય કર્યો છે.
અને આજ કારણથી,પરમાત્મા-રૂપ અદ્વિતીય વસ્તુમાં સજાતીય કે વિજાતીય વગેરે લક્ષણ વાળો
પણ કોઈ ભેદ નથી.
પ્રપંચ-રૂપ (માયા-રુપ) આ સંસાર નો તો “અપવાદ” કરેલો છે,તેથી તે વિજાતીય ભેદ મનાતો નથી.
એ કેવી રીતે? તો તેનો પ્રકાર હું કહું છું તે તું આદર-પૂર્વક સાંભળ. (૬૭૩-૬૭૮)
જેમ,દોરી તે સાપ નથી,છતાં ભ્રાંતિથી તે સાપ દેખાય,એ દોરીમાં સાપ નો વિવર્ત (ભ્રમ) છે,
ખરી રીતે તે સાપ નથી.માત્ર દોરી જ છે, આમ સમજવું તે “અપવાદ” છે,
તેમ,વિવર્ત (ભ્રમ)રૂપ આ જગત ને માત્ર સત્ (બ્રહ્મ)સ્વરૂપે જોવું ,તેને પણ
અદ્વૈત બ્રહ્મવેત્તાઓ “અપવાદ” કહે છે.(૬૭૯-૬૮૦)

સૂક્ષ્મ બુદ્ધિવાળા પુરુષોએ,ભ્રાંતિ થી જણાયેલા વિવર્ત-રૂપ આ જગતને તેની “ઉત્પત્તિ” ના 
ઉલ્ટા ક્રમ થી તપાસવું અને ઉત્તમ પ્રકારની યુક્તિઓથી માત્ર સત્ (બ્રહ્મ) સ્વરૂપે જોવું. (૬૮૧)

ચાર પ્રકારનાં (જરાયુજ-અંડજ-સ્વેદજ-ઉદ્ભિજ્જ) સર્વે સ્થૂળ શરીરો,તેના ખોરાક-રૂપ અન્ન વગેરે,
તેનો આશ્રય વગેરે અને આખું બ્રહ્માંડ અતિશય સ્થૂળ છે.
અને પંચીકરણ પામેલાં પંચ મહાભૂતો માત્ર જ છે –તેમ જોવું.
જો વિચારવામાં આવે તો 
આ જગતમાં જે જે વસ્તુ કાર્ય-રૂપે દેખાય છે તે તે બધી માત્ર કારણ-રૂપ જ હોય છે, ઘડો-વગેરે પદાર્થો,
માટી ના કાર્ય-રૂપે અલગ દેખાય છે,પણ તેમ છતાં તે માટી થી જુદા નથી જ.(૬૮૨-૬૮૩)

ઘડો-વગેરે જે પદાર્થો દેખાય છે તે અંદર-બહાર માટી જ છે,માટીથી જુદું છે જ નહિ.
માટે “કાંઠલા વગેરે આકારવાળો ઘડો છે” એમ કહેવું ન જ જોઈએ,પણ 
“આ માટી જ છે,બીજું કંઈ નથી” એમ કહેવું જોઈએ. (૬૮૪)

આમ ઘડો-વગેરે પદાર્થો સ્વરૂપ-દ્રષ્ટિએ માટી જ છે,તેમ છતાં મૂઢ લોકો,તેં “ઘડો” વગેરે નામથી કહે છે.
તે વિષે વિચારવામાં આવે તો,નામ નો જ ભેદ દેખાય છે,વસ્તુ નો ભેદ દેખાતો નથી. (૬૮૫)

કેમ કે હે,ભાઈ,હરકોઈ કાર્ય તેના કારણથી જુદું હોતું જ નથી.તેથી આ જગતમાં જે જે ભૌતિક પદાર્થો છે,
તે બધા યે માત્ર ભૂતો (પંચ-મહાભૂતોથી બનેલા) જ છે.-તેઓથી જુદા નથી. (૬૮૬)

એ જ પ્રમાણે,પંચીકરણ પામેલાં સર્વ ભૂતો,તેમના પોતાના શબ્દ-વગેરે ગુણો,અને સૂક્ષ્મ શરીરો—
આ બધું પણ પંચીકરણ નહિ પામેલા પંચ મહાભૂતો જ છે.(૬૮૭)

એ જ પ્રમાણે,તે અપંચીકૃત મહાભૂતો પણ રજોગુમ-તમોગુણ-સત્વગુણ ની સાથે માત્ર-
અવ્યક્ત-પ્રધાન-પ્રકૃતિ જ છે,અને તે અવ્યક્ત-પ્રધાન-પ્રકૃતિ પોતે તથા આ જગત,
પણ “સ્વ-રૂપ-દૃષ્ટિ” એ કેવળ આભાસ જ છે. (૬૮૮)

ખરી રીતે શુદ્ધ બ્રહ્મ જ સર્વના આધારરૂપ છે. કે જે સર્વ ના આદિ,સત્ય-સ્વરૂપ અને એક જ છે.
તે જ માત્ર સત્-વસ્તુ છે, એ સત્ થી જુદો કોઈ ભેદ (વિકલ્પ) છે જ નહિ,
સર્વ થી પર,કેવળ એ (બ્રહ્મ) જ વસ્તુ છે. (૬૮૯)


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૬૦

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

જે આનંદ “બિંબ-રૂપ” છે તે જ આનંદ-રૂપ લક્ષણ-વાળો “આત્મા” છે.
એ શાશ્વત,અદ્વૈત,પૂર્ણ અને નિત્ય છે, તે “એક” જ છે તો પણ “નિર્ભય” છે. (૬૫૫)

એ બિંબ-રૂપ આનંદ તેના પ્રતિબિંબ-રૂપ અને આભાસ રૂપ આનંદ પરથી જાણી શકાય છે.
જે પ્રતિબિંબ હોય છે તેનું મૂળ બિંબ જ હોય છે,બિંબ વગર પ્રતિબિંબ કદી હોતું નથી. (૬૫૬)

આ રીતે જે બિંબ-રૂપ આનંદ છે,તે એના પ્રતિબિંબરૂપ આનંદ ઉપરથી જણાય છે.
અને એ જ યુક્તિથી પંડિત લોકો તે બિંબ-આનંદ ને જાણે છે,પ્રત્યક્ષ કદી અનુભવતા નથી (૬૫૭)

આવો પૂર્વોક્ત લક્ષણવાળો (બિંબ-આનંદ)આત્મા,અવિદ્યાના કાર્ય,શરીર,ઇન્દ્રિય-આદિ સમુદાયમાં
જાગ્રત અને સ્વપ્ન માં પણ હોય ચેજ,છતાં તે પ્રત્યક્ષ જાણતો નથી.
પરંતુ,દુઃખ-રૂપ,શરીર (સ્થૂળ અને સૂક્ષ્મ) જયારે લય પામે છે,ત્યારે
“સુષુપ્તિમાં” અંદરના આનંદરૂપ લક્ષણવાળો એ આત્મા પ્રકાશે છે. (૬૫૮-૬૫૯)

એ “સુષુપ્તિ” માં કોઈ વિષય હોતો નથી તેમ જ બુદ્ધિ-વગેરે પણ કંઈ હોતું નથી,
કેવળ,આનંદ-સ્વ-રૂપ અને એકલો આત્મા જ રહેલો હોય છે.  (૬૬૦)

ઉંઘી ને ઉઠેલા સર્વ લોકો,આ આત્માને માત્ર સુખ-રૂપે (હું સુખે થી સૂતો હતો-એવા અનુભવ-રૂપે)
જણાવે જ છે,માટે એમાં સંશય કરવાને યોગ્ય નથી.  (૬૬૧)

ઉંઘી ને ઉઠેલા,તે પોતે,પણ,”હું સુખે થી ઊંઘતો હતો” એમ,જે,જાગ્યા પછી કહે છે,તે ,
તેમણે  આત્મા ને સુખરૂપે અનુભવ કર્યો તે જ કહે છે.(એમ આત્મા સર્વ ને પ્રત્યક્ષ થાય છે જ.) (૬૬૨)

પૂર્વ-કાળ ના કોઈ “વાદી” એ-“દુઃખ નો અભાવ એ જ સુખ છે” (એટલે સુખ-રૂપે આત્મા ના હોઈ શકે)
એમ જે વચન કહ્યું છે તે ખોટું અને અસાર છે.તેણે ઉપનિષદ ની ગંધ પણ લીધી નથી.  (૬૬૩)

દુઃખ નો અભાવ તો માટીનું ઢેફું-વગેરે માં પણ છતાં તેમાં સુખ નો લેશ પણ અનુભવ થતો નથી,
આ વાત સર્વ લોકો ને પ્રત્યક્ષ જ છે.  (૬૬૪)

શ્રુતિ પણ “આ આત્મ સત્ય-સ્વ-રૂપ જ છે” એમ આરંભ કરી ને,
“આ આત્મા સત્ય-રૂપે અસ્તિત્વમય છે અને કેવળ ચૈતન્યમય તથા આનંદ-સ્વ-રૂપ જ છે.”
એમ કહી આ પ્રત્યગાત્મા  (આત્મા) ને કેવળ આનંદમય-સ્વરૂપ કહે છે. (૬૬૫)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૫૯

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

તેમ જ એ આનંદ એ “મન” નો પણ ધર્મ નથી.
કેમકે જો (આનંદ આપનાર )પદાર્થ હોતો નથી તો આનંદ પણ (મનમાં ક્યાંય) દેખાતો નથી.
કોઈ કદાચ એમ કહે કે-
આનંદ ને પ્રગટ કરનાર પદાર્થ જયારે હોય નહિ તો પ્રગટ થનારો આનંદ ઉત્પન્ન થતો નથી.
તો તેની સામે એ કહે છે કે-કોઈ વેળા આનંદ પેદા કરનાર પદાર્થ સામે હોય તો પણ
આનંદ ઉત્પન્ન થતો નથી તેનું કેમ?

આનંદ પ્રગટ કરનાર પદાર્થ હોય તેમ છતાં તેમાંથી પ્રગટ થનારો (આનંદ)ઉત્પન્ન થાય નહિ,
એ તો કોઈને પણ માન્ય જ નથી.
કોઈ કદાચ એમ કહે કે-આનંદ ને પ્રગટ કરનાર વસ્તુ હોય પણ,તેમાંથી પ્રગટ થનારો આનંદ જો ના જણાય તો,તેને અટકાવનાર દુષ્ટ-દૈવ વગેરે કોઈ કારણ હશે.
તો તેના જવાબ માં કહે છે કે-આનંદ ને અટકાવનાર જો દુષ્ટ-દૈવ જ કારણ હોય તો એ પ્રિય વસ્તુ ની
પ્રાપ્તિ જ ના થાય.પણ પ્રિય વસ્તુ નો લાભ થયો છે-તો દુષ્ટ દૈવ સિદ્ધ થતું નથી.

માટે આનંદ એ મન નો ધર્મ નથી, અને તે જ રીતે
આત્મા તો નિર્ગુણ હોવાથી આત્માનો ધર્મ પણ હોઈ શકે નહિ.
પણ પુણ્ય ના સાનિધ્ય થી,ઇષ્ટ વસ્તુ સમીપ માં પ્રાપ્ત થવાથી,સત્વગુણ જેમાં મુખ્ય છે તેવા ચિત્તમાં,
જેમ,સ્વચ્છ પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે છે,તેમ આનંદરૂપ લક્ષણવાળો,
આત્મા જ પ્રતિબિંબ રૂપે (તે ચિત્તમાં) પડે છે.(૬૪૩-૬૪૭)

ચિત્તમાં જે પ્રતિબિંબ-રૂપે પડેલો હોય છે,એવો તે આનંદ આભાસ-રૂપે જ હોય છે.
કેમકે પુણ્ય ની વધઘટ થવાથી,આનંદ પોતે પણ વધે છે ને ઘટે છે. (૬૪૮)

ચક્રવર્તી રાજાથી માંડી બ્રહ્મા સુધી ના જીવો ને જે આનંદ હોય છે,તેને શ્રુતિએ નાશવંત જણાવ્યો છે.
કેમ કે તે ઉતરોત્તર ચઢિયાતો હોવા છતાં “કારણ”  નો નાશ થતાં નાશ પામે છે.
એ બધો વિષયો નો આનંદ છે.તેમાં “સાધન-રૂપે” કેવળ પુણ્ય જ હોય છે.

જે પુણ્ય કરનારાઓ વિષયો નો આનંદ ભોગવે છે, તેઓને એ આનંદ ના ભોગ-કાળે પણ કોઈ વેળા
દુઃખ ને ભોગવવું પડે છે.
માટે વિષયો ના સંબંધવાળું સુખ તે વિષના સંબંધ વાળા અન્ન જેવું છે.
એ સુખ ભોગ ના સમયે (કોઈકવાર) દુઃખ અને ભોગના અંતે દુઃખ જ આપે છે.કેમકે-
બ્રહ્મા વગેરે પદને પામેલા જીવો ને પણ વધારે ને ઓછું સુખ હોય છે.અને એ નાશવંત છે,
તેથી ભવિષ્યમાં થનારા નાશનો પણ ભય રહે છે.
તેમ જ બીજાનું વધારે સુખ જોઈને પણ દુઃખ થાય છે.
માટે વિદ્વાન પુરુષોએ વિષયો નું સુખ ઈચ્છવા યોગ્ય નથી.  (૬૪૯-૬૫૪)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૫૮

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

આ કારણથી જ આત્મા ને કેવળ આનંદ-રૂપ અને સર્વ વસ્તુઓ કરતાં વધારે પ્રિય કહ્યો છે.
જે મનુષ્ય આત્મા સિવાયની બીજી વસ્તુ ને પ્રિય માને છે એ જ વસ્તુ થી શોક ભોગવે છે.(૬૩૧)

શિષ્ય શંકા કરતાં પૂછે છે કે-હે,પ્રભુ ક્ષમા કરજો,હું આ બીજો પ્રશ્ન કરું છું,પણ મહાત્માઓ અજ્ઞાની ની વાણી ને
અપરાધ-રૂપે ગણતા નથી.પણ માને અહીં લાગે છે કે-આત્મા જુદો છે અને સુખ એનાથી જુદું છે.અને આત્મા સુખ-રૂપ હોઈ શકે નહિ.આત્મા તો સુખ ની આશા રાખે છે,તેથી જ લોકો આત્માના સુખ માટે યત્ન કરે છે,
જો આત્મા સુખ-રૂપ હોય તો પ્રાણીઓ સુખ માટે પ્રયત્ન શું કામ કરે? આ મારો સંશય છે તે –
હે,પ્રભુ કૃપા કરીને દૂર કરો. (૬૩૨-૬૩૪)

ત્યારે શ્રીગુરૂ,પ્રશ્ન નું સમાધાન કરતાં કહે છે કે-
સામાન્ય લોકો આત્માને આનંદ-રૂપ નહિ સમજી ને જ આત્માની બહાર સુખ માટે યત્ન કરે છે.પણ આત્મા ને સુખ-રૂપ સમજતો કોઈ વિદ્વાન આત્માની બહાર સુખ માટે યત્ન કરતો નથી. (૬૩૫)

પોતાના ઘરમાં જ ખજાનો છે,તે ખજાના ને ના જાણી ને દુર્મતિ મનુષ્ય ભિક્ષાને માટે ભટકે છે,
પરંતુ પોતાના ઘરમાં જ રહેલા ખજાના ને જાણ્યા પછી,કયો સદબુદ્ધિ વાળો મનુષ્ય ભિક્ષા માટે ભમે?(૬૩૬)

સ્થૂળ અને સૂક્ષ્મ શરીર સ્વભાવથી જ દુઃખ-રૂપ છે,છતાં અજ્ઞાની મનુષ્ય તેને (શરીર ને)
પોતાના આત્મા તરીકે સ્વીકારી લઇ ને આત્મા નું સુખ-સ્વરૂપ ભૂલી જાય છે,અને
જે દુઃખ દે છે તેવા શરીર વગેરે પદાર્થો દ્વારા સુખ ને ઈચ્છે છે. (૬૩૭)

જે વસ્તુ પોતે જ દુઃખ-દાયી હોય,તે સુખ આપવા સમર્થ થતી નથી,
જે મનુષ્ય ઝેર પીએ,તેને શું તે ઝેર અમર-પણું આપે છે?(નહિ જ) (૬૩૮)

“આત્મા જુદો છે અને સુખ જુદું છે” આવો નિશ્ચય કરીને જ પામર મનુષ્ય,આત્માની બહાર સુખ માટે
યત્ન કરે છે,આ વાત સત્ય જ છે,એમાં સંશય નથી. (૬૩૯)

આ લોકમાં સર્વ પ્રાણીઓ ને –કોઈ ઇષ્ટ વસ્તુ ના ધ્યાન-દર્શન-કે ઉપભોગ કરતાં મનમાં જે આનંદ જણાય છે તે આનંદ તે –તે વસ્તુ નો ધર્મ નથી, (તે વસ્તુમાં આનંદ નથી)
તે વસ્તુ નો આનંદ મનમાં જણાય છે પણ તે વસ્તુનો  ધર્મ કેવી રીતે જણાય?(ના જણાય)
વળી એક વસ્તુમાં રહેલા ધર્મો કદી બીજામાં દેખાતા નથી.
માટે આ આનંદ આ વસ્તુ નો ધર્મ કદી હોઈ જ શકે નહિ. (૬૪૦-૬૪૨)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૫૭

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

આ આત્મા બીજા-કોઈના પ્રકાશ ની લગાર પણ દરકાર કર્યા વિના પોતાની મેળે જ ચારે બાજુ પ્રકાશે છે,
તેથી તે સ્વયં-જ્યોતિ અને ચૈતન્ય-સ્વ-રૂપ છે.
આવા આત્મા ને પ્રકાશિત થવામાં બીજાના પ્રકાશ ની જરૂર નથી.  (૬૨૧)

જેમ,સૂર્ય,ચંદ્ર અને વીજળીઓ પ્રકાશિત કરી શકાતાં નથી,તો,
અમુક મર્યાદિત પ્રમાણ ની જ કાંતિ-વાળો અગ્નિ તેમને કેવી રીતે પ્રકાશિત કરી શકે? (ન જ કરી શકે)
તેમ,આ આત્મા કે જેના પ્રકાશ થી આ સમગ્ર જગત પ્રકાશે છે, તેને જગત પ્રકાશિત ના કરી શકે,
અને તે આત્મા જ સર્વ દિશાઓમાં પોતાની મેળે જ સ્ફૂરે છે. (૬૨૨)

આત્મા સુખ-રૂપ છે,તેથી આનંદ એ જ પોતાનું (આત્માનું) લક્ષણ છે,
આ આત્મા બીજાઓના પ્રેમ નું સ્થાન છે,તેથી તે “સુખ-રૂપ” છે. (૬૨૩)

સર્વ પ્રાણીઓને “સુખનાં કારણો” ઉપર જે પ્રેમ હોય છે,તે અમુક અવધિ (સમય) સુધી નો જ હોય છે,
પરંતુ પોતાના આત્મા ઉપર જે પ્રેમ હોય છે તેનો તો કોઈ કાળે અવધિ (સમય) હોતો જ નથી (૬૨૪)

જેની ઇન્દ્રિયો ક્ષીણ થઇ હોય,જે ઘરડો થઇ ગયો હોય,અને જેનું મરણ આવી પહોંચ્યું હોય,
તેને પણ જીવવાની આશા હોય છે,કારણકે આત્મા સૌથી વધારે વહાલો છે. (૬૨૫)

આથી જણાય છે કે-સર્વ પ્રાણીઓને પોતાનો આત્મા જ પરમ પ્રેમનું સ્થાન છે,
અને આત્મા સિવાય બધી વસ્તુઓ બાકી તરીકે સ્વીકારવા યોગ્ય બને છે.
(એટલે કે આત્મા પહેલો અને તે પછી બીજી બધી વસ્તુઓ)    (૬૨૬)

આ આત્મા જ પુત્ર કરતાં અને ધન કરતાં પણ વધારે વહાલો  છે.
બીજી સર્વ વસ્તુઓથી પણ આ આત્મા અતિશય અંતર નો છે. (૬૨૭)

વિપત્તિ માં કે સંપત્તિમાં મનુષ્યોને જેવો આત્મા પ્રિય હોય છે તેવો બીજો કોઈ પદાર્થ પ્રિય હોતો નથી.,
બીજી જે વસ્તુ પ્રિય તરીકે મનાઈ હોય છે,તે પણ આત્મા ની પેઠે સદાકાળ પ્રિય રહેતી નથી. (૬૨૮)

પ્રાણીઓ ને આત્મા જ સૌ કરતાં વધારે પ્રિય હોય છે,અને સ્ત્રી,પુત્ર,મિત્રો,ઘર,ધન વગેરે પદાર્થો અને
વેપાર,ખેતી,ગૌપાલન ,રાજસેવા,વૈદું –વગેરે જાત જાતની ક્રિયા ઓ આત્મા માટેજ ઉપયોગી છે.(૬૨૯)

વળી,પ્રવૃત્તિ,નિવૃત્તિ અને બીજી જેટલી પણ ચેષ્ટાઓ કરવામાં આવે છે,તેપણ આત્મા માટેજ લોકો કરે છે,
કોઈ બીજ ને માટે કરતુ નથી,આથી જણાય છે કે-આત્માથી બીજો કોઈ વધારે પ્રિય નથી. (૬૩૦)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૫૬

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

આત્મા, જ્ઞાન-સ્વ-રૂપ છે,તેથી તે શુદ્ધ ચૈતન્ય-રૂપ “ચિત્ત” કહેવાય છે.અને
અખંડ-સુખ-રૂપ હોવાથી “આનંદ” કહેવાય છે.
જાગ્રત-સ્વપ્ન અને સુષુપ્તિ-એ-ત્રણે અવસ્થાઓમાં આત્મા પરોવાયેલો છે-તેથી તેની હયાતી હોય જ છે.

અને “ હું છું” એમ અનુભવાય છે-તેથી એ નિત્ય અને નિર્વિકાર છે.

“હું સર્વ-કાળે હતો”એમ હરકોઈ સમયે પોતાના આત્મ-સ્વ-રૂપ નું અભેદ-જ્ઞાન દેખાય છે,પણ,
“કોઈ કાળે હું નહોતો” એમ જણાતું નથી-એટલે આત્માને “નિત્ય” માન્યો છે.

જેમ,ગંગા ના તરંગો ની પરંપરામાં,જળની સત્તાને –હયાતી (સત્તા)-રૂપે –અનુસરવું પડતું હોય છે,
તેમ, (૧) આવી ને ગયેલી,બાલ્ય-વગેરે અવસ્થાઓમાં—(૨) જાગ્રત-આદિ અવસ્થાઓમાં-અને
(૩) દુષ્ટ કે અદુષ્ટ બધી વૃત્તિઓમાં-“આત્મા” નું સત્તા-રૂપે (હયાતી-રૂપે) અનુસરણ જ હોય છે.
કેમ કે-તે સર્વ “સ્થિતિમાં” “હું-હું” એવી વૃત્તિ સદા સ્થિર હોય છે.તેથી,
“સાક્ષી” નું એક જ આત્મ-સ્વરૂપ છે.  (૬૧૧-૬૧૪)

વળી અહંકાર-વગેરે તો પગલે પગલે જુદા જુદા જણાય છે,અને ક્ષણે ક્ષણે પરિણામ પામનારા છે,
તેથી તેઓ વિકારી છે,
પણ આત્મા નું કોઈ પરિણામ થતું જ નથી,કેમ કે તે નિષ્કલછે-અવયવ-રહિત છે.અને
તેથી જ આત્મા એ અવિકારી અને નિત્ય જ છે. (૬૧૫)

“જે હું સ્વપ્ન જોતો હતો-તે “હું” જ છું,
જે હું સુખથી ઊંઘતો હતો-તે “હું” જ છું-
અને હું જે જાણું છું તે-“હું” જ છું”  આમ અવિચ્છિન્નપણે –નિરંતર અનુભવાય છે,
તેથી સર્વ-કાળે આત્મા ની હયાતી છે-એમાં સંશય જ નથી  (૬૧૬)

વેદમાં જે સોળ કળાઓ (આત્માની ?) કહી છે,
તે ચિદાભાસ (ચૈતન્ય ના આભાસ-રૂપ –જીવ) ની સમજવી.આત્મા ની નહિ,
કેમકે –આત્મા તો નિષ્કલ-અવયવ રહિત છે,તેથી આત્મા ની નિત્યતા છે . (૬૧૭)

જેમ,જડ વસ્તુઓ નો પ્રકાશક સૂર્ય પ્રકાશ-સ્વ-રૂપ જ છે,સૂર્ય એ જડ નથી,
તેમ,બુદ્ધિ –આદિ નો પ્રકાશક –આત્મા-ચૈતન્ય-સ્વ-રૂપ જ છે,જડ નથી. (૬૧૮)

જેમ, ભીંત-વગેરે જડ વસ્તુઓ નું જ્ઞાન સૂર્ય વગેરેના પ્રકાશ વિના સંભવ નથી,
તેઓ (ભીંત-વગેરે) થી પોતાથી જ તેમનું જ્ઞાન થવું સંભવ નથી (અંધારામાં ભીંત નું જ્ઞાન થાય નહિ)
તેમ,આત્મા વિના બુદ્ધિ-વગેરે જડ પદાર્થો નું સ્ફુરણ (જ્ઞાન) તેમનાથી પોતાથી,લેશમાત્ર પણ ઘટતું નથી,
(માત્ર-આત્મા ના પ્રકાશ થી જ બુદ્ધિ-વગેરે નું સ્ફુરણ થઇ શકે છે)

માટે-જેમ,સૂર્ય કાંતિમય છે તેમ આ આત્મા કેવળ ચૈતન્ય-મય છે-એમ શ્રુતિઓએ માન્યું છે. (૬૧૯)

જેમ,પોતાને અથવા બીજા પદાર્થો ને પ્રકાશિત કરવામાં સૂર્ય બીજાના પ્રકાશ ને લેશમાત્ર ઈચ્છતો નથી.
તેમ,ચૈતન્ય-રૂપ –આ પરમાત્મા પોતાને (કે બીજા અહંકાર વગેરેને) જાણવામાં,
બીજા કોઈની જરૂર જરા પણ ઈચ્છતો નથી. (૬૨૦)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૫૫

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

જેમ અગ્નિ ને બાળનારો છે,પણ અગ્નિ ને બાળનારો બીજો કોઈ નથી,તે જ પ્રમાણે,
આત્મા બધાને જાણનારો છો,પણ તેને પોતાને જાણનારો કોઈ પણ દેખાતો નથી. (૬૦૧)

આ આત્મા પોતે જ બધું મેળવનાર-જાણનાર અથવા અનુભવનાર છે,
તેથી તે પોતે કોના વડે મેળવાય,જણાય કે અનુભવાય? (૬૦૨)

સુષુપ્તિમાં બુદ્ધિ -વગેરે જાણવાલાયક સર્વ પદાર્થો નો વિલય થઇ જાય છે,
ત્યારે “આત્મા” એકલો જ રહે છે, તેથી જ તે કંઈ જોતો નથી,સાંભળતો નથી અને જાણતો નથી,
કેવળ સુષુપ્તિ ના અંધકાર ને માત્ર પોતે “સાક્ષી” થઈને,
નિર્વિકલ્પ (સંકલ્પ-વિકલ્પ વિનાનો) સ્થિતિવાળો તે (આત્મા) સુખે થી રહે છે. (૬૦૩)

સુષુપ્તિમાં “આત્મા” હોય છે-તે વિષે ઉત્તમ પંડિતો, “હું સુખે થી સૂતો હતો”
આવા પોતાના અનુભવ જ્ઞાન ને જ પ્રમાણ તરીકે માને છે.
અને બાળકથી માંડીને વૃદ્ધ સુધી સહુ કોઈ તે સાથે સંમત છે,કેમકે તે વસ્તુ નો સર્વ કોઈને અનુભવ થાય છે.

અને “સ્મરણ (યાદ)”  કરાતી  “વસ્તુ નું હોવું” –એ જ –એમાં માત્ર “હેતુ-રૂપ” હોઈને,
તેનું બરોબર “અનુમાન” પણ કરાવે છે.
વળી,જેને પૂર્વે અનુભવી ના હોય  તે વસ્તુ નું સ્મરણ (યાદ) કેવી રીતે થઇ શકે?(ના થઇ શકે)
આવા તર્કની યુક્તિ થી પણ આત્માની,સુષુપ્તિમાં હયાતી પ્રમાણભૂત સમજી શકાય છે (૬૦૪-૬૦૬)

“જે માં આત્મા ને ---કોઈ પણ વસ્તુ ની ઈચ્છા કરનાર તરીકે ની બુદ્ધિ હોતી નથી,અને
કોઈ સ્વપ્ન ની પણ જરૂર રહેતી નથી,એ સુષુપ્તિ કહેવાય છે”
આમ કહી ને શ્રુતિ પણ આત્મા ની સુષુપ્તિમાં હયાતી જણાવે છે-તેથી શ્રુતિ પણ આમાં પ્રમાણ છે.(૬૦૭)

જો આત્મા (સુષુપ્તિમાં) હોય જ નહિ,તો “નહિ ઇચ્છનાર-પણું” અને સ્વપ્ન થી દર્શન તેને કેમ ઘટે?
માટે સુષુપ્તિમાં પણ આત્મા નું અસ્તિત્વ જણાય છે. (૬૦૮)

આવા ઉપર જણાવેલ પ્રમાણો પરથી વિદ્વાનો એ “સુષુપ્તિમાં પણ આત્મા સાક્ષી-રૂપે રહ્યો હોય છે”
એમ જાણેલ છે,અને આ આત્મા કેવળ શુદ્ધ અને સચ્ચિદાનંદ-સ્વરૂપ લક્ષણ વાળો છે. (૬૦૯)

પ્રત્યગાત્મા (આત્મા) નું સત્-ચિત્-આનંદ આદિ સત્ય લક્ષણ ત્રણે કાળે અબાધિત રહે છે,
કેમ કે “નિત્ય-સ્વ-રૂપ” છે.  (૬૧૦)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati--સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૫૪

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

અસત્ (શુન્ય) માંથી સત્ (પ્રત્યક્ષ દેખાતી વસ્તુ) ની ઉત્પત્તિ કદી સંભળાતી કે દેખાતી નથી.
મનુષ્ય ના શીંગડામાંથી શું ઉત્પન્ન થાય છે? કે આકાશના પુષ્પમાંથી શું થશે? (એટલે કે મનુષ્ય નું શીંગડું અને આકાશ નું પુષ્પ મૂળ માં છે જ નહિ-અસત્ છે,તો તેમાંથી શું થવાનું છે?)  (૫૯૦)

જો માટી ના હોય તો ઘડો ઉત્પન્ન થતો જ નથી. એકલી માટી કે એકલા પાણી થી –કે-એ બંનેના
ભેગાં મળવાથી પણ (માટી વિના) કોઈ રીતે ઘડો થતો જ નથી,
માટે જે વસ્તુ જેમાંથી ઉત્પન્ન થાય છે,તેમાં એ વસ્તુ નો જ સ્વભાવ હોય છે. (૫૯૧)

જો એમ ના હોય તો સર્વ શાસ્ત્રોમાં અને સર્વ લોકો માં
કાર્ય અને કરણ નું લક્ષણ ચોક્કસ વિપરીત જ થાય. (૫૯૨)

એટલે આમ,અસત માંથી સત્ કેવી રીતે ઉત્પન્ન થાય?(ન જ થાય)
આવા અભિપ્રાય થી જ શ્રુતિ (વેદ) પણ એ વસ્તુ નો નિષેધ કરે છે,કે અસત્ માંથી સત્ ની ઉત્પત્તિ ઘટતી જ નથી,કેમકે શૂન્ય (અસત્) શબ્દનો અર્થ મિથ્યા જ છે. (૫૯૩)

આ જગતમાં “અવ્યક્ત” (અસ્પષ્ટ)શબ્દ થી કહેવતો છતાં પ્રાજ્ઞ (પ્ર+આ+જ્ઞ=સારી રીતે ચોતરફ જાણનારો)
આત્મા હયાત છે,છતાં
હે, ભ્રમિત ના શિરોમણી,એ આત્મા નું શૂન્ય-પણું કેવી રીતે સિદ્ધ થાય છે?
વળી “સુષુપ્તિ માં શૂન્ય જ હોય છે” તેવું તને કયા પુરુષે કહ્યું? કયા હેતુ થી તેં એનું અનુમાન કર્યું છે?
અને તે શૂન્ય ને તેં જાણ્યું કેવી રીતે?
અને આમ જો પૂછવામ આવે તો એ “શૂન્ય-વાદી” શો ઉત્તર આપશે? (કોઈ જ નહિ)
“સુષુપ્તિમાં શૂન્ય જ હોય છે” એ વાતની સિદ્ધી ને અનુસરતો કોઈ હેતુ (કે પ્રમાણ) નથી,
અને એમ કહેનારો (અનુભવનારો) પણ (સુષુપ્તિમાં) કોઈ હોતો નથી.
તો પછી  એ “શૂન્ય” ને જાણનારો –આત્મા-સિવાય બીજો કોણ હોઈ શકે?  (૫૯૪-૫૯૬)

સુષુપ્તિ ના સમયે જે “શૂન્ય-પણું” રહેલું હોય છે,તેને તે પોતેજ અનુભવે છે,અને તે પોતે જ કહે છે,
તેમ છતાં એ મૂઢ (શૂન્ય-વાદી) તે સુષુપ્તિમાં પોતાની હયાતી ને ન જોઈ ને તેને
પોતાનું શૂન્ય-પણું કહે છે !!!! (૫૯૭)

પોતે (આત્મા) “બીજા લોકોથી નહિ જણાઈને” સુષુપ્તિ ના “ધર્મ” ને સાક્ષાત (પ્રત્યક્ષ) જાણે છે,
એમ એ સુષુપ્તિમાં –બુદ્ધિ-વગેરે ના “અભાવ” ને જે જાણે છે-તે-જ નિર્વિકાર આત્મા છે. (૫૯૮)

જેના પ્રકાશ થી આ બધું પ્રકાશે છે,તે સ્વયં-જ્યોતિ જેવા(જેમ કે-સૂર્ય-જેવા)
“આત્મા” ને પ્રકાશિત કરનાર શું છે? (કંઈ જ નથી-સૂર્ય ને પણ પરમાત્મા પ્રકાશ આપે છે!!)
આ શરીરમાં બુદ્ધિ વગેરે બધું જ જડ છે,
જેમ, સૂર્ય ને પ્રકાશિત કરનારું પૃથ્વી પર કંઈ દેખાતું નથી,
તેમ,આત્મા ને પ્રકાશિત કરનારું કોઈ પણ નથી.અને
આત્મા સિવાય બીજો કોઈ અનુભવ કરનાર કે જાણનાર પણ નથી.   (૫૯૯)

જાગ્રત-સ્વપ્ન-અને સુષુપ્તિમાં જેને લીધે બધું અનુભવાય છે,તે આ સંપૂર્ણ જાણનારા આત્મા ને કોણ કેવી રીતે જાણવાને યોગ્ય છે? (૬૦૦)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૫૩

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

આમ પોતાને પંડિત માનતા તે તે મતવાદીઓ એક બીજા નો વિરોધ કરીને,
પોતપોતાના મતને અનુકૂળ,યુક્તિઓ,અનુભવો અને  શ્રુતિઓમાંથી થોડાંક વાક્યો નો આધાર લઇ,
પોતાના મત નો નિર્ણય કરેલો છે.

પરંતુ એ સર્વ મતવાદીઓ એ સ્વીકારેલી યુક્તિ,અનુભવો અને શ્રુતિઓ ના વાક્યો ને બાધ કરી ને,
બીજી અનેક યુક્તિઓ,અનુભવો અને શ્રુતિઓના વાક્યો નો આશ્રય કરીને,
પંડિતો એ તે સર્વ મતો (ઉપર બતાવેલા નવ મતો) નું ખંડન કર્યું છે.અને
પુત્ર થી માંડી ને શૂન્ય સુધી નું –એ કોઈ જ આત્મા નથી એ સારી રીતે સિદ્ધ કર્યું છે.  (૫૭૭-૫૭૯)

જે વસ્તુ નું બીજાં પ્રમાણો થી ખંડન થયું હોય તેને મહાપુરુષો સાચાં તરીકે સ્વીકારતા નથી.
અને આ સર્વ મતો નું ખંડન થયેલું છે એટલે તે ઉપરથી,
પુત્ર થી માંડી શૂન્ય સુધીનું કેવળ-અનાત્મ-તત્વ- જ છે એમ સારી રીતે સ્પષ્ટ થયું છે. (૫૮૦)

શિષ્ય અહીં શંકા કરતાં કહે છે કે-સુષુપ્તિ ના સમયે બધું વિલય પામી જાય છે,ત્યારે શૂન્ય વિના બીજું કંઈ આ જગતમાં જણાતું નથી,અને શૂન્ય તો આત્મા હોય જ નહિ,તો પછી,
એનાથી જુદો આત્મા નામનો કયો પદાર્થ અનુભવાય છે?જો આત્મા છે તો તે જણાતો કેમ નથી?
સુષુપ્તિમાં પણ તે આત્મા રહે છે તેનું શું પ્રમાણ છે? એ આત્મા નું લક્ષણ શું છે?
અહંકાર વગેરે સર્વ પદાર્થો નો સુષુપ્તિમાં બાધ અથવા લય થઇ જાય છે,
છતાં એ આત્મા કેમ લય (બાધ) પામતો નથી?

હે ગુરુદેવ,મારા આ સંશયો નો સમુદાય હૃદયમાં એક જાતની ગાંઠ જેવા લક્ષણ-વાળો છે તેને આપ,
યુક્તિ-રૂપી તલવારની ધારથી કૃપા કરીને કાપી નાખો. (૫૮૧-૫૮૩)

ત્યાર ગુરુદેવ સમાધાન કરતાં કહે છે કે-આ તારો પ્રશ્ન અતિશય સૂક્ષ્મ કરતાં પણ સૂક્ષ્મ છે.
અને તે પ્રશ્ન ને હું યોગ્ય જ માનું છું,કારણકે-સૂક્ષ્મ પદાર્થો નું દર્શન સૂક્ષ્મ બુદ્ધિ ને જ દેખાય છે (૫૮૪)

તેં જે જે પૂછ્યું છે તેના જવાબરૂપે હું બધું જ કહું છું તે તુ સાંભળ,
આ પરમ રહસ્ય છે અને મુમુક્ષુઓએ તે જાણવા જેવું છે.  (૫૮૫)

બુદ્ધિ -આદિ બધા પદાર્થો સુષુપ્તિ સમયે પોતાના “કારણ” એવા “અવ્યક્ત” (માયા) માં જોકે લય
પામી જાય છે,તો પણ
જેમ,વડ ના બી માં અવિકૃત (અસ્પષ્ટ) સ્વરૂપે આખો વડ રહેલો હોય છે,
તેમ,એ બુદ્ધિ -આદિ  તત્વો એ “અવ્યકત” (માયા)માં અવિકૃત (અસ્પષ્ટ) સ્વરૂપે રહેલાં જ હોય છે.
એટલે એવા (અસ્પષ્ટ) સ્વરૂપે આ જગત રહેલું જ હોય છે,શૂન્ય જેવું થતું નથી.

જેમ,વડ કોઈ વખતે અંકુર (કે વડ)-રૂપે તો કોઈ  વખતે બી-રૂપે રહેલો હોય છે,
તેમ,આ જગત પણ કોઈ વખત કાર્ય કે કોઈ કારણ-રૂપે રહે જ છે,તેનો સંપૂર્ણ વિલય થતો જ નથી.
અને તેને જ શ્રુતિ, જગત ની અવિકૃત-અસ્પષ્ટ- અવ્યાકૃત અવસ્થા કહે છે.
સુષુપ્તિ આદિ અવસ્થાઓમાં આ જગત એ અવ્યાકૃત રૂપે જુદાજુદા સ્વરૂપે રહ્યું હોય છે,
એમ છતાં શ્રુતિઓ અને યુક્તિઓથી નિર્ણય કરેલા એ અર્થ ને સમજ્યા વિના,
જગતના એ “અદર્શન” ને-એ રહસ્ય ને નહિ જાણનારા એને “શૂન્ય” એમ કહે છે.  (૫૮૬-૫૮૯)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE       


Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૫૨

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

બુદ્ધિ તો અજ્ઞાન નું કાર્ય છે,ક્ષણે-ક્ષણે નાશ પામનારી છે,અને બુદ્ધિ-વગેરે સર્વ નો અજ્ઞાન માં જ
લય થતો દેખાય છે,વળી “હું અજ્ઞાની છું” આવો અનુભવ સ્ત્રી-બાળક વગેરે ને પણ થાય છે,
માટે “અજ્ઞાન જ આત્મા છે” પણ બુદ્ધિ કદી આત્મા નથી.
વેદ પણ “બધાથી જુદો અંતરાત્મા આનંદમય છે” આમ કહી બુદ્ધિ થી જુદો આનંદમય પરમાત્મા કહે છે.

સુષુપ્તિ અવસ્થામાં બુદ્ધિ આદિ બધું અજ્ઞાન માં લય પામી જાય છે,
દુઃખી હોય તેને પણ એ સુષુપ્તિ (અજ્ઞાન) માં આનંદમય-પણું જણાય છે,અને તેને લીધે જ
“ઊંઘમાં હોઈ મને કંઈ ખબર ના રહી” આવો અનુભવ દેખાય છે.
માટે અજ્ઞાન ને જ આત્મા-પણું માનવા યોગ્ય છે.(સાતમો-મત)
આવા પ્રભાકર-આદિ ના મત ને કુમારિલ ભટ્ટ ના અનુયાયીઓ દૂષિત ઠરાવતાં કહે છે કે- (૫૫૯-૫૬૪)

કેવળ અજ્ઞાન જ કેમ આત્મા હોય?જ્ઞાન પણ અનુભવાય છે,જ્ઞાન ના હોય તો,”હું અજ્ઞાની છું”
એમ પોતાના અજ્ઞાની-પણા ને લોકો કેવી રીતે જાણી શકે?
ઉંઘી ને જાગેલા લોકો માં “હું સુખ-પૂર્વક સૂઈ ગયો હતો,તે વેળા હું કંઈ જાણતો નહોતો”
આવું અજ્ઞાન-પૂર્વક નું જ્ઞાન પણ જોવામાં આવે છે.

વળી,”આનંદમય અને પુષ્કળ જ્ઞાનમય જ આત્મા  છે”
એમ શ્રુતિ પોતે પણ આત્મા ને જ્ઞાન-અજ્ઞાન બંને સ્વ-રૂપ જ કહે છે.
માટે જ્ઞાન અને અજ્ઞાન બંને સ્વરૂપ વાળો જ આત્મા છે અને તેને જ અમે આત્મા માન્યો છે (આઠમો મત)
આમ કેવળ અજ્ઞાન-મય જ અહીં પણ જ્ઞાન-અજ્ઞાન-મય ને (કુમારિલ –મત) આત્મા કહે છે (આઠમો મત)
અને કહે છે કે-જો માત્ર અજ્ઞાન-મય જ આત્મા હોય તો-ઘડો-ભીંત વગેરે ની પેઠે કેવળ જડ જ હોય.
આવા આ નિશ્ચયને પણ બીજો જડ-મતવાદી દૂષિત ઠરાવતાં કહે છે કે- (૫૬૫-૫૬૮)

આત્મા જ્ઞાન-અજ્ઞાન-મય કેમ હોઈ શકે?એ તો પ્રકાશ અને અંધકારની પેઠે પરસ્પર વિરુદ્ધ છે.
અને તેથી જ એ જ્ઞાન-અજ્ઞાન નું પ્રકાશ-અંધકાર ની જેમ એક જગ્યાએ રહેવું,અથવા એકબીજા સાથે જોડાવું,
કે એકબીજા નો આશ્રય –એ સિદ્ધ થતો જ નથી.
વળી જ્ઞાન-અજ્ઞાન-બુદ્ધિ વગેરે અને તેમના ગુણો, અથવા જે કંઈ અનુભવનાર –વગેરે છે,
તે પણ સુષુપ્તિ માં જણાતું જ નથી.
અને ઉંઘી ને ઉઠેલા બધા લોકો,”હું ઉંઘી ગયો ત્યારે હું પણ હતો નહિ” એમ શૂન્ય ને જ યાદ કરે છે.
અને શૂન્ય ને જ અનુભવે છે માટે “શૂન્ય એ આત્મા છે” (નવમો-મત)
જ્ઞાન-અજ્ઞાન-રૂપ લક્ષણ-વાળો આત્મા છે જ નહિ.

વળી વેદ પણ “આ જગત પહેલાં અસત્ (શૂન્ય) જ હતું” એમ સ્પષ્ટ કહે છે,
માટે શૂન્ય ને જ અમે આત્મા માન્યો છે. (નવમો મત)
ઘડો-વગેરે તેની ઉત્પત્તિ પહેલાં શૂન્ય (અસત્) રૂપ જ હોય છે,અને પછી થી તે ઉત્પન્ન થયેલો દેખાય છે,
એ ઘડો પ્રથમ પોતાના માં હતો,ને પછી પ્રકટ થાય છે.-એવું તો કંઈ છે જ નહિ.
માટે માણવું પડે છે કે-સર્વ કંઈ આ સત્-રૃપે જે જણાય છે તે બધું અસત્ (શૂન્ય) માંથી જ ઉત્પન્ન થયું છે,

આમ સર્વ રીતે “શૂન્ય”  ને જ આત્મા માનવો યોગ્ય છે. (નવમો મત)  (૫૬૯-૫૭૬) 


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE