Feb 12, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-78



જેમ મરીની અંદર રહેલી તીખાશ -તેના ખાનાર વિના અન્યને જાણવામાં આવતી નથી-
તેમ,બ્રહ્મ નું ચિદ્રુપ-પણું -એ પ્રલય-કાળ માં "જીવ" જો હોય જ નહિ તો તે કેવી રીતે જાણી શકે?

જેમ, પ્રલય-કાળમાં જીવ નું  "જીવ-પણું" નિવૃત્ત થાય છે,તેમ,જગત નું "જગત-પણું" પણ નિવૃત્ત થાય છે.
એટલે કે-જીવ અને જગત -એ બંને "બ્રહ્મ-રૂપ"  જ થઇ જાય છે. અને ત્યારે-
સઘળા બહારના દેખાવો અને મન ની અંદરના દેખાવો પણ "બ્રહ્મ-રૂપ" થઇ જાય છે,બીજું કશું રહેતું નથી.

"સમાધિ" ના કાળમાં પણ આ પ્રલય ના કાળ ની જેમ સંપૂર્ણ જગત "સુષુપ્ત-રૂપ" થઇ જાય છે.અને
"જ્ઞાન-કાળ" માં જગત "તુર્ય-રૂપ" થઇ જાય છે.
આમ સમાધિ-કાળમાં જગત સુષુપ્ત થઇ જાય છે તેથી-
"સમાધિ-કાળ" માં "સર્વ-સંસ્કારો ના ડાબલા-રૂપ" "યોગી" સંસાર-રહિત થઇ ને "બ્રહ્મ-રૂપે" રહે છે, એટલે-
"જ્ઞાન-કાળ" માં "સર્વ-સંસ્કારોના ડાબલા-રૂપ"  "જ્ઞાની" (વ્યવહારવાળો છતાં પણ) સંસ્કાર-રહિત "બ્રહ્મ-રૂપે" છે.

આમ,આકાર વગરના પર-બ્રહ્મ (સંપૂર્ણ-બ્રહ્મ) માં  બ્રહ્મ-રૂપે જગત રહેલું છે,અને
સંપૂર્ણ-બ્રહ્મ માંથી જે -જગત અને જીવ પ્રસરેલ છે તે બ્રહ્મ-રૂપે જ પ્રસરેલ છે,માટે,
જગત અને જીવ -એ પૂર્ણ જ છે અને નિરાકાર જ છે.

બ્રહ્મ માંથી જગતનું સ્ફૂરણ માનવામાં આવ્યું ,
એટલે તે જગતના દ્રષ્ટા-રૂપે જીવનું સ્ફૂરણ પણ માનવામાં આવ્યું છે.
(અહીં દ્રષ્ટા-જગતને જોનાર--એ -જીવ છે)
જગત એ પૂર્ણ (બ્રહ્મ) માં થી પૂર્ણ-પણે જ પ્રસરેલું છે.અને પૂર્ણ-પણે જ રહેલું છે.
માટે જગત ઉત્પન્ન થયું જ નથી-અને જો ઉત્પન્ન થયું  હોય તો પણ તે બ્રહ્મ-રૂપ જ છે.
"પ્રલય"માં જીવ ને જગત નું "દ્રષ્ટા-પણું" નહિ રહેવાથી,જગતમાં "દૃશ્ય-પણું" પણ રહેતું નથી.
એટલે પછી જગતમાં "જગત-પણું" ક્યાંથી બાકી રહ્યું?

બ્રહ્મમાં ચિત્ત-દૃશ્યપણું-વગેરે છે જ નહિ છતાં તે મિથ્યા પ્રતીત થાય છે.
બ્રહ્મ માં કોઈ "ઉપાધિ" (માયા) છે જ નહિ,
તો પછી "ઉપાધિ (માયા) માં બ્રહ્મ -"જીવ-રૂપે પ્રતિબિમ્બિત" થાય છે -તેમ પણ કેમ કહેવાય?
આ બ્રહ્મ એ પરમાણું  ના પણ "કારણ-રૂપ" છે,સુક્ષ્મ કરતાં પણ અતિ સુક્ષ્મ છે,શુદ્ધ છે,અને અત્યંત શાંત છે.
તે દેશ-કાળ-વગેરે ના વિભાગથી રહિત છે.તેથી તે અત્યંત વિસ્તરાયેલો છે.
તે આદિ અને અંત થી રહિત છે,પ્રકાશ-માત્ર છે અને પ્રકાશ્ય-પદાર્થો થી રહિત છે.
આ બ્રહ્મ માં દૃશ્ય થયું જ નથી તો પ્રતિબિમ્બિત થયેલો કહેવાતો અને નિરંતર વાસનામય કહેવાતો-
દ્રષ્ટા (જીવ) તો ક્યાંથી થયો જ હોય?

દૃશ્ય નો ઉદય નહિ થવાથી-બ્રહ્મ માં -જીવ-પણું નથી,બુદ્ધિ-પણું નથી,ચિત્ત-પણું નથી,
ઇન્દ્રિય-પણું નથી કે વાસના-પણું પણ નથી.
આમ,એ પર-બ્રહ્મ ભલે બીજાઓને તે  જગત-રૂપી -મોટા આડંબર થી ભરેલો લાગે,પણ,
અમને તો તે શાંત -અને -આકાશ કરતાં પણ અધિક શૂન્ય લાગે છે.

શ્રીરામ પૂછે છે કે-એ અપાર ચૈતન્ય-મય પર-બ્રહ્મ નું રૂપ કેવું છે? તમે ફરીવાર એ મને  સારી-પેઠે કહો.
એટલે મારા જ્ઞાનમાં વૃદ્ધિ થાય.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Feb 11, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-77



(૧૦) બ્રહ્મ ના લક્ષણમાં શંકા અને તેનું સમાધાન

રામ કહે છે કે-મહાપ્રલય થતાં જે તત્વ બાકી રહે છે,તે નિરાકાર જ રહેવું જોઈએ,એમાં કશો સંશય નથી,
પરંતુ તે તત્વ શૂન્ય શા માટે નહિ?પ્રકાશવાળું શા માટે નહિ?
તે જીવ-રૂપ,મન-રૂપ બુદ્ધિ-રૂપ કે બીજા કોઈ રૂપ કેમ નથી? અને તમે તેને જો "સર્વ-રૂપ" કહો છો
તો તે કેવી રીતે? આ તમારા વિચિત્ર વચનોથી મારા મનમાં ગૂંચવાડો ઉભો થયો છે,તે તમે દૂર કરો.

વશિષ્ઠ કહે છે-કે-તમે જે આ પ્રશ્ન પૂછો છો- તે મારા અભિપ્રાય ને ઓળંગીને પૂછો છો.
આ પ્રશ્ન ઘણો વિષમ છે,પણ જેમ સૂર્ય,રાત્રિ ના અંધકાર ને ભેદી નાખે છે
તેમ.હું પણ કશા પણ મહા-પ્રયત્ન કર્યા વિના જ તમારા સંશય ને ભેદી નાખીશ.
હે,રામ,મહા-પ્રલય ના સમયમાં જે વસ્તુ શેષ રહે છે તે અધિષ્ઠાન રૂપી બ્રહ્મ -એ -શૂન્ય નથી.
જેમ કોતર્યા વિનાની પૂતળી થાંભલા માં રહેલી છે-તેમ આ જગત પણ તે સમયે બ્રહ્મ માં રહેલું હોય છે.

હે,રામ,જેમ જળમાં તરંગ નથી અને છે પણ ખરા,તેમ બ્રહ્મ આ જગતમાં નથી અને છે પણ ખરું .
જગત ની ઉત્પત્તિ ની સત્તા,બ્રહ્મ ની સત્તા થી જુદી નથી,અને
તે જગતના પ્રલયની સત્તા પણ એ બ્રહ્મની સત્તાથી જુદી નથી.-તો એવા સત્ અને સ્વરૂપ-સ્થિત
"બ્રહ્મ" ની અંદર જગતની ઉત્પત્તિ થવામાં -બીજી કોઈ સામગ્રી ની જરૂર નથી.

અશૂન્ય પદાર્થ ને લઈને શૂન્ય શબ્દ નો અર્થ કલ્પી શકાય છે,અને
શૂન્ય પદાર્થ ને લઈને અશૂન્ય શબ્દનો અર્થ કલ્પી શકાય છે.પણ,
"બ્રહ્મ" થી જુદો કોઈ પદાર્થ જ નથી,માટે-તે "બ્રહ્મ" ને શૂન્ય કે અશૂન્ય કેવી રીતે કહી શકાય?

જે "પ્રકાશ" છે તે સૂર્ય-અગ્નિ-વગેરે નો ધર્મ છે,માટે "બ્રહ્મ" ને "પ્રકાશ" કહી શકાય નહિ.
તેમજ -સૂર્ય-વગેરે કોઈ પણ "યથાર્થ બ્રહ્મ" માં નથી,માટે તે "બ્રહ્મ" પ્રકાશવાળું નથી.
સામાન્ય રીતે-સૂર્ય-વગેરે આદિ મહાભૂતો નો જે અભાવ છે તે "તમ" (તમસ) કહેવાય છે.
પણ "બ્રહ્મ" એ કંઈ તેવા પ્રકાશ ના અભાવ-રૂપ નથી એટલે તે "તમ-રૂપ" નથી.
"આકાશ " ની પેઠે સ્વચ્છ એવા બ્રહ્મ નો જે પ્રકાશ કહેવાય છે તે,પોતાના "અનુભવ-રૂપ" છે,
તે પ્રકાશ નો તે પોતે જ અનુભવ કરે છે,પણ બીજા કોઈ ને તે પ્રકાશનો અનુભવ થતો નથી.
આ પ્રમાણે તે બ્રહ્મ "જ્ઞાતા" (જ્ઞાન ને જાણનાર) થી રહિત છે.

આમ જે બ્રહ્મ -એ તમ થી અને પ્રકાશ થી રહિત છે,તે અવિનાશી પદ છે,અને આકાશની પેઠે નિર્મળ છે,
પણ "ભ્રાંતિ" થી તેનામાં સઘળું જગત કલ્પાયેલું છે.
માટે તે બ્રહ્મ ને "જીવ-રૂપ,બુદ્ધિ-રૂપ, કે મન-રૂપ" કહી શકાતું નથી.
જેમ,જળ ની અંદર તરંગ છે અને માટી ની અંદર ઘડો છે
તેમ જેની અંદર જગત છે તે-બ્રહ્મ -શૂન્ય કેવી રીતે હોઈ શકે?

"જેમ,પૃથ્વી ની અંદર રહેલું જળ -એ પૃથ્વીરૂપ નથી,
તેમ બ્રહ્મ ની અંદર રહેલું જગત બ્રહ્મ-રૂપ ના હોવું જોઈએ"
એવી શંકા કરવી જોઈએ નહિ,કારણકે-
પૃથ્વી-વગેરે "સાકાર પદાર્થો" ની ઉપમા "નિરાકાર બ્રહ્મ" ને લાગુ પડી શકે નહિ.
બ્રહ્મ આકાશ ની પેઠે નિર્મળ છે અને તેમાં રહેલું જગત પણ આકાશની પેઠે નિર્મળ જ છે.

એટલે કે જેવું બ્રહ્મ છે તેવું જ જગત છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Feb 10, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-76



તે સત્- એ-જગત ની વ્યકત-અવસ્થા અને અવ્યક્ત અવસ્થા માં રહેનાર "પરમાત્મા" છે.
પોતાને નાક,કાન,જીભ,નેત્ર કે ચામડી ના હોવા છતાં-તે સર્વદેશ અને કાળમાં સાંભળે છે, સ્વાદ લે છે,
સુંઘે છે,સ્પર્શ કરે છે અને જોયા કરે છે. એમના પ્રકાશ થી જ સઘળું જગત પ્રકાશે છે.

એમનું સ્વ-રૂપ જ "અજ્ઞાન" ના સમયમાં સૃષ્ટિ-રૂપે વિચિત્ર લાગે છે અને 
જ્ઞાનમાં આદિ-અંત વિનાની લાગે છે.
એ દેવ (પરમાત્મા) આકાશની પેઠે નિર્લેપ રહીને પોતાના સ્વ-રૂપની સત્તાથી પોતાના સત્-રૂપ લાગતા
જગતને જોયા કરે છે.સત્-રૂપ પરમાત્મા નું બીજું કોઈ "કારણ " હોવાની કલ્પના કરવી -
એ સસલાના શિંગડા ની કલ્પના કર્યા જેવું છે.

જેમ તરંગોનો સમૂહ -એ જળ ના "કાર્ય-રૂપ" છે,તેમ આ જગત પણ તે પરમાત્મા ના કાર્ય-રૂપ છે.
નિરંતર પ્રકાશતા અને ચિત્ત-રૂપી સ્થાનકોમાં રહેનારા એ "ચૈતન્ય-માત્ર -દેવ-રૂપી દીવા " ના પ્રકાશથી
સઘળું બ્રહ્માંડ પ્રકાશ્યા કરે છે. એ દેવ (બ્રહ્મ) ના હોય તો સૂર્ય વગેરે પ્રકાશો-અંધકાર સમાન થઇ પડે છે.
એ દેવ જયારે "મન"નું રૂપ ધારણ કરે છે,ત્યારે તેમાં આ જગત દેખાય છે,અને જયારે તે-
"મન-રૂપ=પણા" ને છોડી દે છે-ત્યારે તેમાં આ જગત દેખાતું નથી.

જગતની ઉત્પત્તિ અને પ્રલય-પણ કહેવા પૂરતાં જ તે દેવથી જુદાં છે,પણ વાસ્તવિક રીતે તે જુદાં નથી.
કારણકે એ દેવ ની સત્તા એવી અખંડિત છે કે-તેમાં બીજા કોઈની સત્તા સમાય તેમ નથી.
એ દેવ -જ્ઞાની પુરુષોમાં પ્રકાશમાન અને અજ્ઞાની પુરુષોમાં અપ્રકાશિત છે,જયારે-
મુક્ત-પુરુષોમાં તે પ્રકાશિત પણ નથી અપ્રકાશિત પણ નથી.

એ દેવ ચલન-રહિત છે,કલ્યાણ-સ્વરૂપ છે,અને શાંત-સ્વરૂપ છે.અને,
એમનામાં જ કલ્પાયેલી અવિધ્યા (અજ્ઞાન-માયા) ના ચલન થી ત્રણ જગતની ઉત્પત્તિ થાય છે.
એ એક જ દેવ (બ્રહ્મ) અધિષ્ઠાન રૂપ અને ભરપૂર સત્તા-વાળા છે,અને-
બ્રહ્માંડો નો નાશ થતાં પણ તે દેવ ની સત્તાનો નાશ થતો નથી.

આ દેવ પ્રત્યક્ષ હોવા છતાં ગ્રહણ કરી શકાતા નથી, એ વાણી-રહિત હોવા છતાં બોલે છે,
મન-રહિત હોવા છતાં મનન કરે છે,સદા તૃપ્ત છતાં ભોગવે છે અને ક્રિયાઓ (કર્મો) ના સાધન
વગરના હોવા છતાં ક્રિયાઓ કરે છે.અંગ-રહિત હોવા છતાં અંગો-વાળા છે,
કોઈ માં રહેલા નથી છતાં જગતમાં વ્યાપ્ત છે.

એ દેવ ઇન્દ્રિયો ના બળ થી રહિત હોવા છતાં સઘળી ઇન્દ્રિયો ની ક્રિયાઓ તેમનાથી જ થાય છે,
મનથી રહિત હોવા છતાં જગત ની આ સઘળી રચનાઓ એમના મનના સંકલ્પ થી પેદા થઇ છે.
એ દેવ ને નહિ જોવાથી -સંસાર-રૂપી સર્પ થી ડર લાગે છે,અને
તેમના દર્શન થી ડર અને કામનાઓ ભાગી જાય છે.

એ દેવ (બ્રહ્મ) નો જો સાક્ષાત્કાર થાય તો-તમે,હું અને સઘળાં લોકો એક-રૂપ જ છીએ અને જો,
સાક્ષાત્કાર ના થાય તો સર્વે ભિન્ન-ભિન્ન છીએ.
કાળ-સંબંધી છ વિકારો,દૃશ્ય પદાર્થો નો દેખાવ,અને અનેક જાતના માનસિક મનોરથો એ દેવ ને લીધે જ
સ્ફૂરે છે.એ દેવ ના પ્રકાશથી જ જગતનો પ્રકાશ થાય છે,ક્રિયા-રૂપ-રસ-ગંધ-શબ્દ-સ્પર્શ અને અંતઃકરણ નું ચૈતન્ય -વગેરે સઘળું -જે કંઈ તમારા જાણવામાં આવે છે તે આ દેવ (બ્રહ્મ) જ છે.

હે,સુજન,પ્રમાતા-પ્રમાણ અને પ્રમેય-એમાં અખંડિત-રૂપે જે જ્ઞાન રહેલું છે-તે તમારું સ્વરૂપ છે -
એમ તમે તમારા એકાગ્ર મનથી સમજો.

એ બ્રહ્મ-જન્મ-રહિત છે,જરા-રહિત છે,અનાદિ છે,અવિચળ છે,નિત્ય છે,સુખરૂપ છે,નિર્મળ છે.
તેને જય પછી તે તે દૂર થાય તેમ નથી,અત્યંત વંદનીય છે,શુદ્ધ છે,સઘળી રચનાઓથી રહિત છે,
કારણો ના કારણ-રૂપ છે,અનુભવ-રૂપ છે,બીજા કશાથી જણાય તેમ નથી,જ્ઞાનરૂપ અને સર્વરૂપ છે.
અને સર્વરૂપ હોવા છતાં પણ તે બ્રહ્મ ગુપ્ત રહેલું છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Feb 9, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-75


રામ પૂછે છે-કે-હે,બ્રહ્મન,એવું તે શી રીતે થવાય? મને તો તે એ સ્થિતિ વિષમ અને ઘણા કષ્ટ થી પ્રાપ્ત
થાય એવી લાગે છે અને પામ્યા પછી,પણ તે સ્થિતિ રાખવી તો વધુ  કઠિન હોય -એમ  લાગે છે.

વશિષ્ઠ કહે છે કે-મેં જે આ "વિદેહ-મુક્ત ની સ્થિતિ" કહી છે તે -"મુક્તિ" જ કહી છે.
અને જે મુક્તિ છે એ જ બ્રહ્મ છે, તે જ નિર્વાણ છે,અને તે સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત થાય તે વિષે હું કહું છું.
હું,તું-વગેરે વ્યવહારો વાળું જે કંઈ આ દૃશ્ય જોવામાં આવે છે,તે વિદ્યમાન છતાં પણ-"તે ઉત્પન્ન થયું જ નથી"
એમ "સમજવામાં આવે" -તો એ નિર્વાણ (મુક્ત-કે-બ્રહ્મ) સ્થિતિ મળે છે.

રામ કહે છે-જો વિદેહ-મુક્ત થયેલા પુરુષો તમારા કહેવા પ્રમાણે ત્રૈલોક્ય-રૂપ થતા હોય -
તો તેઓ સંસાર-રૂપ જ થાય એમ હું માનું છું.

વશિષ્ઠ કહે છે કે-જો "ત્રૈલોક્ય" હોય તો તે ત્રૈલોક્ય ના સ્વ-રૂપ ને ધારણ કરે,પણ "ત્રૈલોક્ય"  શબ્દથી
કહેવાતો કોઈ પદાર્થ જ નથી,તો ત્યાં વિદેહ-મુક્ત ત્રૈલોક્ય-સ્વરૂપ થાય છે-એમ કહેવું બને જ કેમ?
માટે આ જગત -શબ્દ થી કહેવાતો કોઈ પદાર્થ પણ છે જ નહિ.

મેં ઘણો વિચાર કર્યો,તો પણ સોનાનાં કડા માં મેં નિર્મળ સોના સિવાય કશું -કડા-પણું દીઠું નહિ.
જળ ના તરંગ માં હું જળ સિવાય બીજું કંઈ જોતો નથી. વાસ્તવિક રીતે જળ માં તરંગ-પણું છે જ નહિ.
જેમ,જગતમાં અવકાશ છે તે આકાશ જ છે અને નિર્જળ ભૂમિમાં જળ દેખાય છે તે તેજ જ છે,
તેમ આ ત્રૈલોક્ય પણ બ્રહ્મ-રૂપ જ છે.

રામ કહે છે કે-હે,મુનિ,જે યુક્તિથી જગતનું મિથ્યા-પણું પ્રાપ્ત થાય તે યુક્તિ મને કહો.
દ્રષ્ટા અને દૃશ્ય -એકરૂપ થઈને પરસ્પર મળી ગયા છે અને 
તે બંને નથી-એવી મનની દૃઢ સ્થિતિ થાય ત્યારે -
"નિર્વાણ" સ્વ-રૂપ બાકી રહે છે-માટે દ્રષ્ટા અને દૃશ્ય નો બાધ થઇ જાય અને સ્વરૂપે રહેલા -એ બ્રહ્મ
સમજાય એવી યુક્તિ મને કહો.અને આવો બોધ જો સિદ્ધ થાય તો પછી,કંઈ પણ કરવાનું બાકી રહેતું નથી.

વશિષ્ઠ કહે છે કે-ઘણા કાળથી ઘર ઘાલી રહેલી આ મિથ્યા જ્ઞાન રૂપી વિશુચિકા (કોલેરા) -એ-
"વિચાર-રૂપ મંત્ર" થી જ નિર્મૂળ થઇ ને શાંત થઇ જાય છે. જોકે આ રોગ ઘણા કાળ થી જામેલો  હોવાથી તેને તરત ઉખેડી શકાય તેમ નથી.કારણ કે લીસા પર્વત પર ચડવામાં જેટલો પરિશ્રમ થાય છે તેટલો જ -
પરિશ્રમ તે લીસો-પર્વત ઉતરવામાં પણ થાય છે.
આથી અભ્યાસ ના યોગ થી,યુક્તિથી અને ન્યાયથી જગત-રૂપી ભ્રાંતિ નો નાશ થાય તે રીત હું  કહીશ.

હે,રામ,હું તમને ઉત્પત્તિ પ્રકરણ કહું છું,તેમાં તમે, આત્મા-એ -પોતાનામાંથી ઉત્પન્ન થયેલા જગત થી મુક્ત થઈને કેવી રીતે રહે છે? એ વિષય ને સમજશો.
આ શૂન્ય-રૂપ,ભ્રાંતિ-રૂપ જગત મૂળે ઉત્પન્ન થયું જ નથી છતાં દેખાય છે-એ વિષે-હું આ પ્રકરણમાં કહું છું.

સઘળા પ્રકારો વાળું આ જે સ્થાવર-જંગમ જગત જોવામાં આવે છે તે-સઘળું,જયારે ઇન્દ્ર-વગેરે ને પણ
અંતર્ધાન કરી દેનારો મહાપ્રલય આવે છે ત્યારે ક્યાંક પણ જતું રહે છે,નાશ પામે છે,અસત્ થઇ જાય છે,
અદૃશ્ય થઇ જાય છે,અને એ પ્રમાણે જગતનો પ્રલય થાય છે,
ત્યારે માત્ર અનિર્વચનીય એવું સત્ બાકી રહે છે.
જે સત્-એ સ્થિર,ગંભીર,તપ અને તેજ થી વિચક્ષણ અને મુખ થી વર્ણન કરી શકાય નહિ 
તેવું -રૂપ વગરનું છે.

તે પૂર્ણ કરતાં પણ પૂર્ણ છે,તેને નથી સત્ કહેવાતું કે નથી અસત્. 
તે ઉત્પત્તિ વાળું નથી કે ઉત્પત્તિ રૂપ પણ નથી.
તે ચૈતન્ય-માત્ર છે,બુદ્ધિ-તત્વ થી ભિન્ન છે.અંનત છે,આદિ-અંત-અને મધ્ય થી ને કારણ રહિત છે


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Feb 8, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-74


વશિષ્ઠ બોલ્યા-
--વ્યવહાર કરવા છતાં અને આ જગત જેવું છે તેવું રહ્યા છતાં પણ -જેની દ્રષ્ટિમાં -
જગત (દૃશ્ય)  આકાશ ની જેમ શૂન્ય થઇ જાય છે તે-જીવન્મુક્ત કહેવાય છે.
--જે પોતે વ્યવહાર કરવા છતાં પણ (આત્મ) જ્ઞાન માં જ એક-નિષ્ઠ રહે છે,અને જાગ્રત અવસ્થામાં પણ,
સુષુપ્તિ અવસ્થામાં રહેતો હોય તેમ નિર્વિકાર-પણે રહેતો હોય-તે જીવન્મુક્ત કહેવાય છે.
--પોતાની જે સ્થિતિ હોય તે સ્થિતિમાં આનંદ થી રહેનારા જે પુરુષના મુખ ની કાંતિ -સુખમાં આનંદી જોવામાં આવતી નથી કે દુઃખમાં ઉદાસ જોવામાં આવતી નથી તે-જીવન્મુક્ત કહેવાય છે.

--જે પુરુષ સુષુપ્તિ-અવસ્થા-વાળા ની જેમ નિર્વિકાર પણે રહેછે,જેને વિષયોના સ્પર્શ-રૂપ જાગ્રત-અવસ્થા જ નથી,અને જેણે જાગ્રત-અવસ્થા ની વાસનાથી થતું સ્વપ્ન પણ આવતું નથી-તે જીવન્મુક્ત કહેવાય છે.
--જે પોતે રાગ,દ્વેષ,ભય-વગેરે ને અનુકૂળ આવે તેવી ક્રિયાઓ (કર્મો) કરવા છતાં,પણ,
આકાશની પેઠે મનમાં નિર્લેપ રહે છે-તે જીવન્મુક્ત કહેવાય છે.

--ક્રિયાઓ (કર્મો) કરતાં અથવા ક્રિયાઓ ના કરતાં -પણ જેનું મન અહંકાર-યુક્ત થતું નથી,
અને જેની બુદ્ધિ લેપાતી નથી,તે જીવન્મુક્ત કહેવાય છે.
--પોતાના "સ્વ-રૂપ"માં એક સ્થિતિથી રહેનારો જે પુરુષ-"આત્મા ના પ્રકાશ-માત્રથી જગત નો લય થાય છે અને
આત્મા ના આવરણ માત્ર-થી જગતની ઉત્પત્તિ થાય છે,એમ અનુભવ-પૂર્વક જાણે છે -તે જીવન્મુક્ત કહેવાય છે.
--જેનાથી લોકો ઉદ્વેગ પામતા નથી,અને જે લોકોથી ઉદ્વેગ પામતા નથી,અને જે પોતે,
હર્ષ,ક્રોધ,ભય થી રહિત છે -તે જીવન્મુક્ત કહેવાય છે.

--જે પુરુષ નો સંસાર -"સત્ય-બુદ્ધિ" થવાને લીધે ટળી ગયો છે, અને જેને લીધે (તેમ થવાથી)
તે ચિત્ત-વાળો  હોવાં છતાં,ચિત્ત-વિનાનો અને શરીર-વાળો હોવાં છતાં -શરીર-વિનાનો છે.તે જીવન્મુક્ત છે.
--જે પોતે સર્વ પદાર્થો થી વ્યવહાર કરવા છતાં પણ શાંત રહે છે,
અને જે સર્વ પદાર્થોમાં પણ પૂર્ણ-સ્વરૂપે રહે છે-તે જીવન્મુક્ત કહેવાય છે.

પણ એ જીવન્મુક્ત પુરુષ નું શરીર જયારે કાળ ને આધીન થાય છે,ત્યારે તે જીવન્મુક્તતા ની પદવી છોડે છે,
અને જેમ પવન નિશ્ચળ-પણા ને પામે છે,તેમ તે 'વિદેહ-મુક્ત" તા ની પદવીને પામે છે.

વિદેહ-મુક્ત પુરુષ,ઉદય કે અસ્ત પામતો નથી,દૂર કે મંદ પડતો નથી,પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ  રહેતો નથી.,
અહં-રૂપ કે અહં-રૂપ થી અલગ રહેતો નથી-પણ સૂર્ય થઈને પ્રકાશે છે.
વિષ્ણુ થઈને ત્રિલોક નું રક્ષણ-પાલન કરે છે,રુદ્ર થી સંહાર કરે છે ને બ્રહ્મા થઇ સૃષ્ટિઓ બનાવે છે.

તે,આકાશ થઈને પવન ને,ઋષિઓને,સુરો ને,તથા અસુરોને ધારણ કરે છે.અને મેરુ-પર્વત થઈને
લોક-પાલો ના સ્થાનક-રૂપ થાય છે.પૃથ્વી થઇ તે લોકો ની અખંડ મર્યાદાને સાચવે છે.
ખડ,ઝાડ,લતાઓ થઇ ને ફળોના સમૂહ આપે છે.
તે અગ્નિ થઇ પ્રજ્વલિત થાય છે,જળ થઇ ને દ્રવીભૂત થાય છે,ચંદ્ર થઈને અમુત ને ઝરે છે અને
હળાહળ (વિષ) થઇ ને તે મરણ પામે છે.
તે તેજ થઈને દિશાઓને પ્રગટ કરે છે,અને અંધકાર થઈને સર્વને અંધ કરે છે.

તે ચેતન થઈને જંગમ થાય છે અને જડ થઈને સ્થાવર થાય છે.
સમુદ્ર થઈને તે પૃથ્વી-રૂપી સ્ત્રીને કંકણ ની જેમ વીંટી લે છે અને આવરણરહિત  પરમાત્મા થઈને તે
પોતાના પ્રકાશથી વ્યાપેલાં બ્રહ્માંડો-રૂપી અનેક પરમાણુઓને ફેલાવવા છતાં, પણ,
નિર્વિકાર રૂપે જ રહે છે.

ત્રણે કાળ ના સંબંધ-વાળું જે કંઈ આ દૃશ્ય (જગત) પ્રકાશે છે,પ્રકાશી ગયું છે અને પ્રકાશશે-
તે સઘળું એ "વિદેહ-મુક્ત-રૂપ" જ છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 

Feb 7, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-73


રામ બોલ્યા-હે,ઉત્તમ શાસ્ત્ર-વેતા,આત્મ-જ્ઞાનની પ્રાપ્તિ માટે સારું કયું શાસ્ત્ર મુખ્ય છે? તે કહો.

વશિષ્ઠ બોલ્યા-હે,મહા-બુદ્ધિમાન,મુખ્યત્વે કરી આત્મ-જ્ઞાનનું નિરૂપણ કરનારાં શાસ્ત્રોમાં
આ સુંદર મહારામાયણ (યોગ-વાશિષ્ઠ) જ સર્વોત્તમ શાસ્ત્ર છે.
આ ઉત્તમ,સર્વ ઇતિહાસ ના સાર-રૂપ -ઇતિહાસ સાંભળવાથી જ્ઞાન ની પ્રવૃત્તિ થાય છે.
વાણી ની રચના રૂપ આ ગ્રંથ સાંભળવાથી પોતાની મેળે જ અક્ષય જીવન-મુક્તતા ઉદય  થાય છે.

જેમ, "આ તો સ્વપ્ન છે" એમ જાણવામાં આવે તો,સ્વપ્ન ના સત્ય-પણા ની ભાવના ટળી જાય છે,
તેમ આ દૃશ્ય-જગત હોવા છતાં -"આ બ્રહ્મ-રૂપ જ છે" એમ જાણવામાં આવે તો-
જગત ના સત્ય-પણા ની ભાવના ટળી જાય છે.

આ ગ્રંથ જ અતિ પવિત્ર છે અને જે આ ગ્રંથ માં છે તે જ બીજા ગ્રંથ માં છે અને જે આ ગ્રંથમાં નથી તે  બીજા
કોઈ ગ્રંથ માં નથી.વિદ્વાનો આ ગ્રંથ ને સઘળા જ્ઞાન-ગ્રંથો ના કોશ-રૂપ સમજે છે.
જે પુરુષ આ ગ્રંથ ને નિત્ય સાંભળે છે,તે પુરુષની બુદ્ધિ ,બીજા ગ્રંથો થી થયેલા પ્રૌઢ ચમત્કાર વાળા બોધ કરતાં
પણ ઉત્કૃષ્ઠ એવા બોધ (જ્ઞાન) ને મેળવે છે.એ વિષે સંદેહ નથી જ.

જે પુરુષ ને કોઈ પાપ ના ઉદય ને લીધે,આ શાસ્ત્ર પર રુચિ નાં થાય,તે પુરુષ  ભલે જ્ઞાન ના વિષય-વાળા
કોઈ બીજા ઉત્તમ શાસ્ત્ર નો વિચાર કરે,

જેમ ઉત્તમ ઔષધ (દવા) પીવામાં આવતાં પોતાની મેળે જ આરોગ્ય નો અનુભવ થાય છે,
તેમ આ ગ્રંથ સાંભળવામાં આવતાં પોતાની મેળે જ જીવનમુક્ત-પણા નો અનુભવ થાય છે.
આ શાસ્ત્ર સાંભળવાથી શ્રોતાને પોતાની મેળે જ નિશ્ચય થશે કે અમે જે કહ્યું છે તે યથાર્થ જ છે.
અને વરદાન કે શાપ ની વાતની પેઠે-કશું જ ઠોકી બેસાડતા નથી.

આ આત્મ-વિચાર-મય ગ્રંથ ની કથાથી જ તમારું સંસાર-સંબંધી દુઃખ ટળી જશે.
કે જે દુઃખ -ધનથી,દાનથી,તાપથી,વેદ સાંભળવાથી,બીજાં શાસ્ત્ર સાંભળવાથી કે 
તે ગ્રંથોમાં કહેલા સેંકડો યત્નો કરવાથી પણ ટળતું નથી.

(૯) જીવનમુક્ત ના લક્ષણ અને આત્મા નું સ્વરૂપ
વશિષ્ઠ કહે છે-હે,રામ,જેમનું ચિત્ત (મન) આત્મા માં લાગી ગયું છે,જેઓ આત્મા ની પ્રાપ્તિ માટે જ
જીવન જીવે છે અને આત્મા ના સ્વરૂપ નો ઉપદેશ -પરસ્પર કર્યા કરીને નિત્ય જ્ઞાન ની વાતો
કરીને -તેમાં આનંદ માની ને આત્મ-જ્ઞાનમાં જ નિષ્ઠા રાખી,તેમાં મસ્ત રહે છે,
તેવા "એક જ્ઞાન ની સ્થિતિ" કરનારા પુરુષો ને જીવન-મુક્ત-પણું મળે છે.કે જે વિદેહ-મુક્તિ જ છે.

રામ બોલ્યા-હે ભગવન, વિદેહ-મુક્ત અને જીવન્મુક્ત ના લક્ષણો મને કહો.એટલે હું શાસ્ત્ર પ્રમાણે વિચાર કરીને તે મેળવવા માટે પ્રયત્ન કરું.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE