અધ્યાય-૨૫૩-દિગ્વિજય માટે કર્ણનું પ્રયાણ
II जनमेजय उवाच II वसमानेपु पार्थेपु वने तस्मिन्महात्मसु I धार्तराष्ट्रा महेष्वासाः किमकुर्वत सत्तमाः II १ II
જન્મેજય બોલ્યા-તે મહાત્મા પૃથાપુત્રો વનવાસ સેવતા હતા,ત્યારે ધૃતરાષ્ટ્રપુત્રોએ,
કર્ણ,શકુનિ,ભીષ્મ,દ્રોણ,કૃપ આદિ શ્રેષ્ઠજનોએ શું કર્યું હતું તે મને કહો
વૈશંપાયન બોલ્યા-પૃથાપુત્રોએ દુર્યોધનને છોડાવ્યો,પછી તે હસ્તિનાપુર પાછો આવ્યો ત્યારે ભીષ્મે તેને કહ્યું કે-
'મેં તને તપોવનમાં જવાની પહેલેથી જ ના પાડી હતી.મને ગમ્યું નહોતું છતાં તું ત્યાં ગયો ને કેદ થઇ પડ્યો ત્યારે
પાંડવોએ તને છોડાવ્યો,છતાં તને લાજ આવતી નથી? ત્યારે સૂતપુત્ર કર્ણ પણ પલાયન થઇ ગયો હતો.
ધનુર્વેદ,શૌર્ય અને ધર્મમાં તે કર્ણ પાંડવોના ચોથા ભાગની તોલે પણ આવે તેમ નથી.આથી કુળની વૃદ્ધિ અર્થે
હું તે પાંડવો સાથે સંધિ કરવી યોગ્ય માનું છું' ભીષ્મએ આમ કહ્યું ત્યારે દુર્યોધન હસીને ત્યાંથી ચાલ્યો ગયો.
ભીષ્મ શરમથી નીચું જોઈ રહ્યા ને પોતાના ભવને ચાલ્યા ગયા.(13)













