Jul 7, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1171

 

અધ્યાય-૧૭૩-ઘટોત્કચનું પ્રોત્સાહન 


II संजय उवाच II ततो कर्णो रणे द्रष्ट्वा पार्षत परवोरहा I वाजवानोरसि शरैर्दशभिर्मर्म भैदिभिः II १ II

સંજય બોલ્યો-તે પછી શત્રુવીરોનો સંહાર કરનાર કર્ણે,ધૃષ્ટદ્યુમ્નને રણમાં જોઈને મર્મને ભેદી નાખે તેવા દશ બાણો છોડીને તેના વક્ષસ્થળમાં પ્રહાર કર્યો.ત્યારે સામે ધૃષ્ટદ્યુમ્ને તેને તેટલાંજ બાણોથી વીંધ્યો.આમ તે બંને એકબીજાને તીક્ષ્ણ બાણોથી વીંધવા લાગ્યા હતા.છેવટે કર્ણે અનેક બાણો છોડીને ધૃષ્ટદ્યુમ્નના ધનુષ્યને કાપી,તેના સારથી ને ઘોડાઓને મારી નાખ્યા.રથ વગરના થયેલ ધૃષ્ટદ્યુમ્ને એક ઘોર પરિધ ફેંક્યું કે જેને કર્ણના ઘોડાઓને છૂંદી નાખ્યા.પછી,ધૃષ્ટદ્યુમ્ને,સહદેવના રથમાં ચડીને કર્ણ સામે યુદ્ધ કરવાની ઈચ્છા દર્શાવી,ત્યારે યુધિષ્ઠિરે તેને અટકાવ્યો.

Jul 6, 2026

ભાગવત રહસ્ય-૧૮૯-Bhgavat Rahasya-189

તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મનુ થયેલા.
તેમના વખતમાં કશ્યપ અને અદિતિને ત્યાં ભગવાન વામનરૂપે અવતરેલા.
દેવ અને દૈત્યોના યુદ્ધ પછી દૈત્યો શુક્રાચાર્યને શરણે ગયા. શુક્રાચાર્યની સેવાથી દૈત્યોનું બળ વધવા લાગ્યું..પ્રત્યેક ઇન્દ્રિયથી સંયમનું પાલન કરે તે શુક્રની ઉપાસના છે.ઇન્દ્રથી હારેલો બલિરાજા બ્રાહ્મણોની સેવા કરી પુષ્ટ થયો.શુક્રાચાર્યે બલિરાજાને કહ્યું –તે પ્રમાણે તેણે વિશ્વજીત યજ્ઞ કર્યો અને યજ્ઞમાંથી સર્વજીત રથ નીકળ્યો.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1170

 

અધ્યાય-૧૭૨-દ્રોણાચાર્ય અને કર્ણનો પાંડવો પર હલ્લો 


II संजय उवाच II विद्रुतं स्वबलं द्रष्ट्वा वध्यमानं महात्मनिः I क्रोधेन महताविष्टः पुत्रस्तव विशांपते II १ II

સંજય બોલ્યો-હે રાજન,મહાત્મા પાંડવોના મારાથી પોતાના સૈન્યને નાસભાગ કરતુ જોઈને તમારો પુત્ર મહાન ક્રોધાવેશમાં આવીને એકદમ દ્રોણ તથા કર્ણ પાસે જઈને તેમને કહેવા લાગ્યો કે-'અર્જુને સિંધુરાજને મારી નાખ્યો તે જોઈને ક્રોધમાં આવીને તમે જ આ રાત્રિમાં સંગ્રામ ચાલુ કર્યો છે.છતાં આ સમયે પાંડવોનું સૈન્ય મારી સેનાનો સંહાર કરી રહ્યું છે ત્યારે તમે પાંડવો પર વિજય મેળવવા શક્તિમાન હોવા છતાં જાણે અશક્ત હો તેમ જોયા કરો છે.અરે ઓ વીરો,તમારે મારો જો આમ ત્યાગ જ કરવો હતો તો મને તે સમયે જ કહેવું જોઈતું હતું કે-'આ યુદ્ધમાં અમે પાંડવોનો પરાજય કરી શકીશું નહિ'જો તમારે મારો પરિત્યાગ ન કરવો હોય તો તમારું યોગ્ય પરાક્રમ બતાવીને બરાબર યુદ્ધ કરીને પાંડવોને મારી નાખો'

Jul 5, 2026

ભાગવત રહસ્ય-૧૮૮-Bhgavat Rahasya-188

રાહુ અમૃત પીવા લાગ્યો, મોહિની ભગવાને ત્યારે સુદર્શનચક્રથી તેનું માથું ઉડાવ્યું છે.પણ રાહુ અમૃત પી ગયો હતો એટલે તેનું માથું અને ધડ બંને અમર થયા છે.
એના રાહુ અને કેતુ નામના બે ગ્રહો થયા.
રાહુ (વિષયો) નું માથું કાપ્યું પણ તે છતાં તે જીવે છે.વિષયો સૂક્ષ્મરૂપે મનમાં રહે છે.તે ક્યારે જાગે તે કહેવાતું નથી. માનવ થોડો ગાફેલ થયો –કે-રાહુ માથું બહાર કાઢે છે. અંદર કામ છે ક્રોધ છે તે ક્યારે ખાડામાં ફેંકે તે કહેવાય નહિ.

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1169

 

અધ્યાય-૧૭૧-કચ્ચરઘાણ 


 II संजय उवाच II ततस्ते प्रादवन सर्वे त्वरिता युध्धदुर्मदा I अमृष्यमाणाः संरब्धा युयुधानरथं प्रति  II १ II

સંજય બોલ્યો-તે પછી,યુદ્ધદુર્મદ તે સર્વ યોદ્ધાઓ,ક્રોધપૂર્વક સાત્યકિના રથ સામે ધસ્યા હતા.સાત્યકિને સર્વ તરફથી ઘેરી લઈને તે મહારથીઓ સિંહનાદો કરીને તેની પર તીક્ષ્ણ બાણોનો વરસાદ વરસાવવા લાગ્યા હતા.સામે સાત્યકિ અનેક બાણો છોડીને તેમની સામે ટક્કર લેવા લાગ્યો હતો.તેના બાણોથી અનેક યોદ્ધાઓનો સંહાર થયો હતો,ને તેના બાણોથી પીડાવાથી સૈન્યમાં ભંગાણ પડ્યું.સાત્યકિની બાણો છોડવાની ગતિ અદભૂત હતી.પોતાની સેનાનો વિનાશ થતો જોઈને દુર્યોધન પોતે સાત્યકિ સામે યુદ્ધ કરવા આગળ આવ્યો ને તે બંને વચ્ચે તુમુલ યુદ્ધ થયું.