અંબોપાખ્યાન પર્વ
અધ્યાય-૧૭૩-કાશીરાજની કન્યાઓનું અપહરણ
II दुर्योधन उवाच II किमर्थ भरतश्रेष्ठ नैव हन्याः शिखण्डिनं I उद्यतेशुमथो द्रष्टा समरेष्वाततायिनम् II १ II
દુર્યોધને પૂછ્યું-હે ભરતશ્રેષ્ઠ,તમે શસ્ત્રથી સજ્જ થયેલા શિખંડીને,સંગ્રામમાં બાણ ઉગામી સામે આવેલો જોયા છતાં શા માટે તેને મારશો નહિ?તમે તો પ્રથમ કહ્યું હતું કે સોમકો સાથે પાંચાલોને મારીશ,તો આ પાંચાલ શિખંડીને કેમ નહિ મારો?
ભીષ્મે કહ્યું-હે દુર્યોધન,મારા પિતા શાંતનુ મરણ પામ્યા ત્યારે મેં મારી પ્રતિજ્ઞા પાળીને ચિત્રાંગદનો રાજ્યાભિષેક કર્યો.
જયારે ચિત્રાંગદ મરણ પામ્યો ત્યારે વિચિત્રવીર્ય નાનો હતો છતાં મેં તેનો રાજ્યાભિષેક કર્યો.પછી યોગ્ય કુળની કન્યા સાથે તેનાં લગ્ન કરવાની વાત મેં મન પર લીધી.એટલામાં મેં સાંભળ્યું કે-કાશીરાજની ત્રણ કન્યાઓ અંબા,અંબિકા ને અંબાલિકા નો સ્વયંવર થાય છે.ત્યારે હું માત્ર એક રથ લઈને કાશીરાજની નગરીમાં ગયો.





