અધ્યાય-૧૮૪-પરસ્પર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ
II भीष्म उवाच II ततो रात्रौ व्यतीतायां प्रतिबुद्धोस्मि भारत I ततः संचित्य स्वप्नमवापं हर्षमुत्तमम II १ II
ભીષ્મે કહ્યું-હે ભારત,પછી,રાત્રિ વીતી ગઈ ને હું જાગ્રત થયો ત્યારે સ્વપ્ન સંભારીને બહુ આનંદ પામ્યો.તે દિવસે યુદ્ધ ચાલુ થયું ત્યારે પરશુરામ મારા પર બાણોની વૃષ્ટિ કરી એટલે મેં પણ સામે બાણો છોડીને તેનું નિવારણ કરવા માંડ્યું.ક્રોધે ભરાઈને તેમણે,વજ્ર જેવી શક્તિનો મારી હાંસડી પર પ્રહાર કર્યો,જેના ઘામાંથી ભયંકર રુધિરધારા વહેવા લાગી.એટલે મેં પણ સામે સર્પના જેવું ઝેરી બાણ છોડ્યું કે જે તેમના લલાટમાં પેસી ગયું.તેમણે પણ ક્રોધથી કાળના જેવું ભયંકર મારી છાતી પર છોડ્યું કે જેનાથી હું રુધિરથી તળબોળ થઈને જમીન પર પડ્યો.થોડીવારે ભાનમાં આવીને મેં તેમની છાતી પર શક્તિનો પ્રહાર કર્યો,કે જેનાથી તે રામ અત્યંત વિહવળ થઇ ગયા ને કંપી ઉઠ્યા.





