અધ્યાય-૧૮૯-હિરણ્યવર્માનો દૂત દ્રુપદની પાસે આવ્યો
II भीष्म उवाच II चकार यत्नं द्रुपदः सुतायाः सर्वकर्मसु I ततो लेख्यादिषु तथा शिल्पेषु च परंतप II १ II
ભીષ્મે કહ્યું-'પછી,દ્રુપદરાજાએ પોતાની પુત્રીને લેખન,શિલ્પકળા વગેરે સર્વ કર્મો શીખવાડવાનો યત્ન કર્યો.તે શિખંડી ધનુર્વિદ્યા શીખવામાં દ્રોણનો શિષ્ય થયો હતો.ત્યારબાદ,શિખંડીની માતાએ,તે શિખંડીને પુત્રની જેમ,લગ્ન કરીને સ્ત્રી લાવી આપવા દ્રુપદને પ્રેરણા કરી.ત્યારે કન્યાને યૌવન આવેલું જોઈને,દ્રુપદ પોતાની રાણી સાથે ચિંતા કરવા લાગ્યો કે 'હવે શું થશે?'
રાણીએ કહ્યું-'ત્રણેલોકના કર્તા મહાદેવનું વચન કોઈ રીતે મિથ્યા થશે નહિ.હું કહું છું તે જો તમારી બુદ્ધિ કબુલ કરે,તો તેમ કરો.આ શિખંડીનાં યત્નથી તમે વિધિ પ્રમાણે લગ્ન કરો,કારણકે શંકરનું વચન સત્ય જ થશે એવો મારી બુદ્ધિનો નિશ્ચય છે.'





