અધ્યાય-૫૫-અભિમન્યુ સામે લક્ષ્મણ-બીજો દિવસ પૂર્ણ
॥ संजय उवाच ॥ गतगर्वाह्नभूयिष्ठे तस्मिन्नहनि भारत I रथनगाश्चपत्तीनां सानिनांच महाक्षये ॥१॥
સંજયે કહ્યું-તે દિવસનો પૂર્વભાગ લગભગ ચાલ્યો ગયો અને રથો,હાથીઓ,ઘોડાઓ,પાળાઓ અને ઘોડેસ્વારોનો મોટો સંહાર થઇ ગયો.પછી,અશ્વત્થામા,શલ્ય અને કૃપાચાર્ય સામે ધૃષ્ટદ્યુમ્ન યુદ્ધ કરવા માટે તૈયાર થયો.ધૃષ્ટદ્યુમ્ને દશ બાણો મારીને અશ્વત્થામાના રથના ઘોડાઓનો નાશ કર્યો એટલે તે એકદમ શલ્યના રથ પર બેસી ગયો.અને ધૃષ્ટદ્યુમ્ન પર બાણોનો વરસાદ વરસાવવા લાગ્યો.તેટલામાં તો તીક્ષ્ણ બાણો છોડતો અભિમન્યુ ત્યાં આવી પહોંચ્યો અને તેણે પચીસ પણોથી શલ્યને,નવ બાણોથી કૃપાચાર્યને અને અઠાવીશ બાણોથી અશ્વત્થામાને વીંધી નાખ્યા.તે સામે તેમણે પણ અભિમન્યુને વીંધ્યો.




