અધ્યાય-૫૯-ભીષ્મનું ભયંકર યુદ્ધ-ત્રીજો દિવસ પૂર્ણ
॥ धृतराष्ट्र उवाच ॥ प्रतिज्ञाते ततस्मिन्यद्वे भीष्मेण दारुणे I क्रोधिते मम पुत्रेण दुःखितेन विशेषतः ॥१॥
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,વિશેષે કરીને દુઃખી થયેલા મારા પુત્રે,ભીષ્મ પાસે દારુણ યુદ્ધ કરવાની પ્રતિજ્ઞા લેવરાવી
પછી,તેમણે પાંડવોની સામે કેવીરીતે યુદ્ધ કર્યું?તથા પાંચાલોએ ભીષ્મની સામે કેવી રીતે યુદ્ધ કર્યું?
સંજયે કહ્યું-હે ભારત,તે દિવસનો પ્રથમ ભાગ લગભગ વીતી ગયો હતો ને સૂર્ય પશ્ચિમમાં આવી રહ્યો હતો ને જય મેળવીને પાંડવો હર્ષિત થઇ રહ્યા હતા ત્યારે ભીષ્મ,ચારે બાજુ તમારા પુત્રો વડે રક્ષિત થઈને પાંડવોની સેનામાં ધસી ગયા.અને તુમુલ યુદ્ધ શરુ થયું.સેંકડો ને હજારો તાજાં કપાયેલાં મસ્તકો અને આભૂષણોથી શોભતા બાહુઓ રણભૂમિ પર પડીને તરફડતા હતા.
માંસ અને લોહીરૂપ કાદવવાળી મોટા વેગવાળી લોહીની નદી વહેવા લાગી.



