ત્યારે શ્રીકૃષ્ણે રથને ભીષ્મ સામે લીધો.ભીષ્મની સામે યુદ્ધ કરવા તત્પર થયેલો જોઈને સૈન્ય પાછું ફર્યું.
પછી સિંહની જેમ ગર્જના કરતા ભીષ્મે,અર્જુનના રથને બાણો વડે ઢાંકી દીધો.શ્રીકૃષ્ણ સહીત તે રથ જરા પણ દેખાતો નહોતો છતાં પણ વાસુદેવે ગભરાયા વિના ઘોડાઓને ભીષ્મ પ્રતિ હંકાર્યા કર્યા.અર્જુને પોતાનું ગાંડીવ હાથમાં લીધું અને તેમાં ત્રણ બાણ સાંધીને ભીષ્મના ધનુષ્યના ત્રણ કકડા કરી નાખ્યા.ભીષ્મે તરત જ બીજું ધનુષ્ય હાથમાં લીધું,કે જેને પણ અર્જુને તોડી નાખ્યું.
અર્જુનની ચતુરાઈના વખાણ કરતા ભીષ્મ કહેવા લાગ્યા કે-'હે અર્જુન,ધન્ય છે તને,હું તારા પર પ્રસન્ન છું આવ,ખુશીથી મારી સાથે યુદ્ધ કર' એમ કહીને ત્રીજું ધનુષ્ય હાથમાં લઈને તેમણે અર્જુનના રથ પર બાણો છોડવા માંડ્યાં .



