અધ્યાય-૬૦-ચોથો દિવસ-ભીષ્મ ને અર્જુનનું દ્વંદ્વયુદ્ધ
॥ संजय उवाच ॥ वयुष्टां निशां भारत भारतानामनिकिनांप्रमुखे महात्मा ययौ सपतान्प्रतिजातनापो वृतः समरेण बलेन भीष्मः ॥१॥
સંજયે કહ્યું-હે ભારત,તે રાત્રિ વીત્યા પછી,પ્રભાતમાં કોપાયમાન થયેલા મહાત્મા ભીષ્મ,સમગ્ર સૈન્યથી યુક્ત થઈને કૌરવોની સેનામાં મોખરામાં રહીને શત્રુઓની સામે ગયા.ત્યારે તેની પાછળ,દ્રોણાચાર્ય,દુર્યોધન,બાહલીક,દુર્મર્ષણ,ચિત્રસેન એ જયદ્રથ વગેરે રાજાઓ પોતપોતાના સૈન્યો સાથે જવા લાગ્યા.ત્યારે તેમણે સામે કપિરાજના ચિહ્નિત ધ્વજવાળા રથમાં અર્જુને,વ્યાલ નામના વ્યૂહથી રચિત સેનાને જોઈ.પછી,અર્જુન શ્વેત ઘોડાઓથી જોડાયેલા રથમાં બેસીને સૈન્યના અગ્રભાગમાં,શત્રુઓના વધનો સંકલ્પ કરીને આગળ ધસી આવ્યો.રથ પર વિરાજમાન શ્રીકૃષ્ણ અને અર્જુનને જોઈને,તમારા પુત્રો ને તેમના પક્ષના યોદ્ધાઓ ખિન્ન થયા.તેમણે અર્જુનના રક્ષણ તળે ચારે દિશામાં ચારચાર હાથીઓની ગોઠવણી વાળા પાંડવોના સૈન્યને જોયું.



