અધ્યાય-૧૧૩-દશમો દિવસ (ચાલુ)ભીમસેનનું પરાક્રમ
॥ संजय उवाच ॥ भगदत्तः कृपः शल्यः कृतवर्मा तथैव च I विंदानुविंदावावन्त्यौ सैन्यवश्व जयद्रथः ॥१॥
સંજયે કહ્યું-ભગદત્ત,કૃપાચાર્ય,શલ્ય,કૃતવર્મા,અવંતીકુમારો,જયદ્રથ,ચિત્રસેન,વિકર્ણ અને દુર્મર્ષણ આદિ તમારા દશ યોદ્ધાઓ ભીમસેન સામે લડવા લાગ્યા.અને તેઓ તીક્ષ્ણ બાણોથી ભીમસેન પર પ્રહાર કરવા લાગ્યા.સામે ભીમસેને પણ એ સર્વ મહારથીઓ પર પૃથક પૃથક પ્રહાર કરવા માંડ્યો.ભીમે સાત બાણોથી શલ્યને વીંધી નાખ્યો ને કૃતવર્માને આઠ બાણોથી ઘાયલ કર્યો.પછી કૃપાચાર્યનું ધનુષ્ય છેદી નાખ્યું ત્યારે તેમણે બીજું ધનુષ્ય લઈને ભીમને વીંધવા લાગ્યા.ત્યારે કોપેલા ભીમે પણ કૃપાચાર્ય પર બાણોનો મારો કર્યો.વળી,જયદ્રથના રથના ઘોડાઓ ને સારથિને મારી નાખી તેના ધનુષ્યને કાપી નાખ્યું.એટલે તે જયદ્રથ એકદમ ચિત્રસેનના રથ પર ચડી ગયો.તે રણસંગ્રામમાં ભીમે અદભુત પરાક્રમ કર્યું હતું.





