અધ્યાય-૨૫-દ્વંદ્વ યુદ્ધ
II संजय उवाच II महद्भैरव मासिन्न: सन्निवृत्तेषु पांडुषु I द्रष्ट्वा द्रोणं छाद्यमानं तैर्मास्करमिवांयुदः II १ II
સંજય બોલ્યો-જયારે પાંડવો યુદ્ધ કરવા પાછા ફર્યા ત્યારે,જેમ મેઘો સૂર્યને ઢાંકી દે છે તેમ તેમણે દ્રોણને ઢાંકી દીધા.તેમણે ઉડાડેલી તીવ્ર રજે તમારી સેનાને ઢાંકી દીધી તેથી સર્વ પ્રદેશ દેખાતો બંધ પડ્યો અને અમે તો માની જ લીધું કે દ્રોણાચાર્ય માર્યા ગયા.ત્યારે દુર્યોધને તત્કાળ પોતાના સૈન્યને આજ્ઞા કરી કે-તમે ઉત્સાહ,શક્તિ,બળ અને સંયોગો પ્રમાણે આ પાંડવોની સેનાને આગળ વધતી અટકાવો.એટલે તમારો પુત્ર દુર્મુષણ,ભીમ સામે ધસી ગયો ને તેનો જીવ લેવાની ઈચ્છાથી તેના પર બાણો ફેંકી તેને ઢાંકી દીધો,ભીમે પણ સામે બાણો મારીને તેને વ્યથિત કરી દીધો.તે બંને વચ્ચે તુમુલ યુદ્ધ થઇ રહ્યું.





